Supreme Court metro rail closure: દિલ્હીમાં 10 ઓક્ટોબરે CJP દ્વારા પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન પહેલાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. જોકે, મેટ્રો સ્ટેશનો બંધ કરવા, ટ્રેન સેવાઓ પર નિયંત્રણો લાદવા અને રસ્તાઓ પર બેરિકેડિંગ કરવાના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. શુક્રવારે સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે સ્પષ્ટ કર્યું હતું કે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી સરકારની છે, પરંતુ તેના નામે સામાન્ય નાગરિકોની અવરજવર સંપૂર્ણપણે અટકાવી શકાય નહીં. કોર્ટે બંધ કરવામાં આવેલા મેટ્રો સ્ટેશનોની સંખ્યા ઘટાડવા અને રસ્તાઓ પરના બેરિકેડ્સની સમીક્ષા કરવા સૂચન કર્યું છે. આ મામલે આગામી સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવશે.
સાવચેતીના ભાગરૂપે આ પગલાં લેવામાં આવ્યાં
સુનાવણી દરમિયાન અરજદારો તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે દિલ્હીમાં અનેક મેટ્રો સ્ટેશનો બંધ કરવામાં આવ્યાં છે અને ટ્રેન સેવાઓને પણ અસર થઈ છે. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે કેટલીક ટ્રેનોને તેમના મૂળ સ્ટેશનો પર જ રોકી દેવામાં આવી છે. આ અંગે મુખ્ય ન્યાયાધીશે સવાલ કર્યો હતો કે શું મોટી સંખ્યામાં મેટ્રો સ્ટેશનોને સંપૂર્ણપણે બંધ રાખવાની યોજના છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જવાબ આપતાં કહ્યું હતું કે પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સાવચેતીના ભાગરૂપે આ પગલાં લેવામાં આવ્યાં છે અને સરકાર સમયાંતરે સ્થિતિની સમીક્ષા કરશે. જોકે, CJIએ ધ્યાન દોર્યું હતું કે નોઈડા, ગુરુગ્રામ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો નોકરી અને અભ્યાસ માટે દિલ્હી આવે છે. તેથી બાળકો, વરિષ્ઠ નાગરિકો અને રોજિંદા મુસાફરોને મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.
CCTV સહિતનાં સુરક્ષા સાધનો ઉપલબ્ધ હોવાથી અન્ય વિકલ્પો
મુખ્ય ન્યાયાધીશે સરકારને જરૂરી હોય એટલા જ પ્રતિબંધો લાગુ કરવા અને જાહેર પરિવહન વ્યવસ્થા શક્ય તેટલી ચાલુ રાખવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે સરકારને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સાવચેતીનાં પગલાં લેવાનો અધિકાર છે, પરંતુ જાહેર અવરજવરમાં વિક્ષેપ ન પડવો જોઈએ. જો વિરોધ પ્રદર્શનમાં અસામાજિક તત્ત્વો સામેલ થવાની અથવા પરિસ્થિતિ કાબૂ બહાર જવાની આશંકા હોય તો યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરી શકાય છે. જોકે, મેટ્રો અને રેલવે સ્ટેશનો પર CCTV સહિતનાં સુરક્ષા સાધનો ઉપલબ્ધ હોવાથી અન્ય વિકલ્પો પણ વિચારવા જોઈએ. રસ્તાઓ પર બેરિકેડિંગ અંગે પણ કોર્ટે પ્રશ્નો ઉઠાવ્યા હતા. વરિષ્ઠ વકીલ હરિહરે જણાવ્યું હતું કે અનેક સ્થળોએ રસ્તાઓ બંધ હોવાથી વાહન હોવા છતાં લોકો આગળ વધી શકતા નથી. કોર્ટે સૂચવ્યું હતું કે જ્યાં બેરિકેડિંગ જરૂરી હોય ત્યાં પણ વૈકલ્પિક માર્ગોની માહિતી આપવામાં આવે, જેથી ટ્રાફિક અને નાગરિકોની અવરજવર ચાલુ રહી શકે. તુષાર મહેતાએ કોર્ટની ચિંતાઓ સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી.
વિરોધ 17 દિવસ સુધી ચાલ્યો હોવાનો તેમણે આરોપ લગાવ્યો
બીજી તરફ, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન અંગે સરકારનો પક્ષ રજૂ કરતાં જણાવ્યું હતું કે પ્રદર્શનકારીઓ સંસદ તરફ કૂચ કરવા માગે છે, જ્યારે સંસદ દેશની સાર્વભૌમત્વનું પ્રતીક છે. તેમણે અગાઉના વિરોધ પ્રદર્શનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે 20 જૂને આયોજકોએ પ્રદર્શન માટે મંજૂરી માગી હતી અને પોલીસ દ્વારા સાંજે પાંચ વાગ્યા સુધી એક દિવસની પરવાનગી આપવામાં આવી હતી. આયોજકોએ બીજા દિવસે સ્થળ ખાલી કરવાની લેખિત ખાતરી આપી હોવા છતાં વિરોધ 17 દિવસ સુધી ચાલ્યો હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો. મહેતાના જણાવ્યા અનુસાર, અગાઉના વિરોધ દરમિયાન અનેક કાયદાકીય ઉલ્લંઘનો થયાં હતાં અને પ્રદર્શનકારીઓ સંવેદનશીલ વિસ્તારમાં કૂચ કરવા લાગ્યા હતા. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે અગાઉના હિંસક વિરોધ પ્રદર્શનોમાં 200થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. મહિલા પોલીસ અધિકારીઓ સાથે ગેરવર્તન અને પોલીસ કર્મચારીઓ સાથે દુર્વ્યવહાર થયાના આક્ષેપો પણ તેમણે કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. જોકે, તેમણે સ્વીકાર્યું હતું કે દરેક નાગરિકને વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ અન્ય લોકોના જીવન અને સંપત્તિની સુરક્ષા જાળવવાની જવાબદારી પણ એટલી જ મહત્ત્વની છે.
સુરક્ષાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પ્રમાણસર પગલાં
તુષાર મહેતાએ વધુમાં સ્પષ્ટતા કરી હતી કે સમગ્ર દિલ્હીમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી હોવાનો દાવો ખોટો છે. તેમના જણાવ્યા અનુસાર, ઇન્ટરનેટ પર નિયંત્રણો માત્ર રાયસીના, રાષ્ટ્રપતિ ભવન અને તેની આસપાસના ચાર કિલોમીટરના વિસ્તારમાં લાગુ કરવામાં આવ્યાં છે. પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. સરકાર સુરક્ષાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પ્રમાણસર પગલાં લઈ રહી હોવાનો તેમનો દાવો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે જાહેર પરિવહન અને સામાન્ય નાગરિકોની અવરજવર પર પડતી અસરને ધ્યાનમાં રાખીને પ્રતિબંધોની સમીક્ષા કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. હવે સોમવારે થનારી આગામી સુનાવણીમાં મેટ્રો સ્ટેશનો, રેલવે સેવાઓ અને રસ્તાઓ પરના પ્રતિબંધો અંગે કોર્ટ શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર રહેશે.








