Morphed picture of PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક મહિલાની કથિત મોર્ફ્ડ અથવા ડીપફેક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થવાના મામલે દિલ્હી હાઈકોર્ટે તાત્કાલિક સુનાવણી હાથ ધરી છે. જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શન દરમિયાન આ તસવીર દર્શાવવામાં આવી હોવાનો અરજીમાં દાવો કરવામાં આવ્યો છે. આ મામલે સૌરવ દાસ, અભિજિત દીપકે, આશુતોષ રંકા અને રત્ના સિંહને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. 24 સપ્ટેમ્બરે દિલ્હી સાયબર પોલીસ સ્ટેશનમાં આ મામલે FIR નોંધાઈ હોવાનું કોર્ટને જણાવાયું હતું.
મહિલાની સુરક્ષા અને કન્ટેન્ટ હટાવવાની માગ
અરજીમાં મહિલાએ આરોપ મૂક્યો છે કે કથિત મોર્ફ્ડ તસવીરો અને અન્ય વાંધાજનક સામગ્રીના પ્રસાર બાદ તેને ઓનલાઈન હેરાનગતિ તથા ગંભીર ધમકીઓનો સામનો કરવો પડ્યો. અરજીમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સહિત અન્ય ઓનલાઈન સેવાઓ પરથી કથિત ડીપફેક અને વાંધાજનક સામગ્રીને દૂર કરવા તથા બ્લોક કરવાની માંગ કરવામાં આવી છે. મહિલાએ પોતાની સુરક્ષા, જીવન અને શારીરિક અખંડિતતા માટે પણ રક્ષણની માગ કરી છે.
CJPના ચાર નેતાઓને નોટિસ
આ મામલે દિલ્હી હાઈકોર્ટ સમક્ષ CJPના ચાર નેતાઓ સૌરવ દાસ, અભિજિત દીપકે, આશુતોષ રંકા અને રત્ના સિંહના નામ સામે આવ્યા છે. અરજીમાં તેમના પર કથિત રીતે આ સામગ્રીના પ્રસાર સાથે સંકળાયેલા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જોકે, આ આરોપો હજુ ન્યાયિક રીતે સાબિત થયા નથી અને સંબંધિત પક્ષકારોનો જવાબ તથા કેસની આગળની કાર્યવાહી મહત્વપૂર્ણ રહેશે.
Meta સહિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર નજર
અરજીમાં Meta સહિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને કથિત ડીપફેક અને વાંધાજનક સામગ્રી દૂર કરવા માટે જરૂરી નિર્દેશો આપવાની માગ કરવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટ અગાઉ પણ ડીપફેક અને મોર્ફ્ડ કન્ટેન્ટ સંબંધિત કેસોમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને કન્ટેન્ટ હટાવવા અંગે સમયબદ્ધ નિર્દેશો આપી ચૂકી છે.
FIR બાદ પણ કન્ટેન્ટ વાયરલ રહેવાનો દાવો
અરજી અનુસાર, મહિલાએ 23 સપ્ટેમ્બરે પોલીસનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ 24 સપ્ટેમ્બરે સાયબર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ હતી. અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે FIR નોંધાયા બાદ પણ કથિત તસવીરો ઓનલાઈન ઉપલબ્ધ રહી હતી, જેના કારણે હાઈકોર્ટમાં તાત્કાલિક હસ્તક્ષેપની માગ કરવામાં આવી. હવે કોર્ટ સમક્ષ મુખ્ય મુદ્દાઓમાં કન્ટેન્ટ દૂર કરવું, મહિલાની સુરક્ષા અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહીનો સમાવેશ થાય છે.








