Delhi HC reprimands Arvind Kejriwal-Manish Sisodia: દિલ્હી હાઇકોર્ટે ગુનાહિત અવમાનનાના એક કેસમાં આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને પાર્ટીના અન્ય નેતાઓને ફટકાર લગાવી છે. અદાલતે તમામ સંબંધિત નેતાઓને પોતાનો જવાબ દાખલ કરવા માટે 3 અઠવાડિયાનો સમય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, હવે પછી કોઈ વધારાનો સમય આપવામાં નહીં આવે. નક્કી સમયમર્યાદામાં જવાબ દાખલ નહીં કરવામાં આવે તો તેમનો જવાબ આપવાનો અધિકાર સમાપ્ત કરવામાં આવી શકે છે. જસ્ટિસ નવીન ચાવલા અને જસ્ટિસ અરુણ ભારદ્વાજની ખંડપીઠે સુનાવણી દરમિયાન કડક ટિપ્પણી કરતા કહ્યું કે, ‘You are taking us for a ride.’ એટલે કે, તમે અમને ગેરમાર્ગે દોરી રહ્યા છો.'
શું હતો આ કેસ?
અદાલતની આ ટિપ્પણી બાદ કેસમાં સામેલ નેતાઓને ત્રણ અઠવાડિયાની અંદર પોતાનો પક્ષ મૂકવો પડશે. હકીકતમાં આ અવમાનનાની કાર્યવાહી દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ સ્વર્ણકાંતા શર્મા સામે કથિત વાંધાજનક ટિપ્પણી અને સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટ દ્વારા જોડાયેલી છે. ન્યાયાધીશે તેમની સામે સોશિયલ મીડિયા પર કથિત રીતે સુનિયોજીત રીતે બદનામ કરવાનું અભિચાન ચલાવવા વિશે ચિંતા વ્યક્ત કરી હતી. આ મામલે જજના ભાષણના કથિત રૂપે ભ્રામક એડિટેડ વીડિયો અને કોર્ટની કાર્યવાહી સાથે સંબંધિત ક્લિપ સોશિયલ મીડિયા પર પ્રસારિત કરવાનો આરોપ પણ સામેલ છે.
AAP ના સિનિયર લીડર્સ સામે સુનાવણી
અવમાનનાની કાર્યવાહીનો સામનો કરનારા નેતાઓમાં કેજરીવાલ અને સિસોદિયા સિવાય સંજય સિંહ, સૌરભ ભારદ્વાજ, દુર્ગેશ પાઠક અને વિનય મિશ્રા સહિત અન્ય નેતાઓ સામેલ છે. હાઇકોર્ટે 14 મે ના દિવસે આ મામલે ગુનાહિત અવમાનનાની કાર્યવાહી શરૂ કરી હતી અને 17 મે ના દિવસે સંબંધિત નેતાઓને નોટિસ મોકલવામાં આવી હતી. સુનાવણી દરમિયાન પહેલા કેજરીવાલ તરફથી હાજર વકીલે દલીલ કરી હતી કે, તેમને કેસ સંબંધિત તમામ દસ્તાવેજો આપવામાં નથી આવ્યા. જોકે, હાઇકોર્ટની રજિસ્ટ્રીએ પુષ્ટિ કરી છે કે, સંબંધિત કેસ રેકોર્ડ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. ત્યારબાદ અદાલતે જવાબ દાખલ કરવા માટે 3 અઠવાડિયાની સમયમર્યાદા નક્કી કરી દીધી.
લીકર પોલિસી મામલે શરૂ થયો વિવાદ
આ આખા વિવાદની શરૂઆત દિલ્હી લીકર પોલિસી મામલે ટ્રાયલ કોર્ટના 27 ફેબ્રુઆરીના આદેશ બાદ શરૂ થયો હતો. ટ્રાયલ કોર્ટે અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદિયા સહિત 23 આરોપીઓને આરોપમુક્ત કરી દીધા હતા. બાદમાં CBI એ આ આદેશને પડકાર્યો હતો. કેસની સુનાવણી જસ્ટિસ સ્વર્ણકાંતા શર્મા કરી રહ્યા હતા. આ દરમિયાન કેજરીવાલ, સિસોદિયા અને અન્ય નેતાઓએ ન્યાયાધીશને કેસની સુનાવણીમાંથી પોતાની અલગ કરવાની રિક્યુઝલ (Recusal)ની માંગ કરી હતી. જોકે, જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ આ માંગ રદ કરી દીધી હતી. ત્યારબાદ કેજરીવાલ, સિસોદિયા અને દુર્ગેશ પાઠકે જાહેરાત કરી હતી કે, તેઓ ન તો વ્યક્તિગત રૂપે અને ન તો પાતાના વકીલના માધ્યમથી કોર્ટમાં હાજર રહેશે. તેમણે તેને 'સત્યાગ્રહ' નો રસ્તો કહ્યો. હવે હાઇકોર્ટે સંબંધિત નેતાઓને 3 અઠવાડિયાની અંદર પોતાનો જવાબ દાખલ કરવાની છેલ્લી તક આપી છે. કોર્ટની ચેતવણી બાદ આ મામલે આગળની સૂનાવણી મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.








