Delhi Government Aadhaar Rule: દિલ્હી સરકારે સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ મેળવતા નાગરિકો માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. હવે સરકારી કામકાજ માટે માત્ર આધાર કાર્ડ હોવું ફરજિયાત નહીં રહે. જો કોઈ વ્યક્તિ પાસે આધાર કાર્ડ ન હોય અથવા ટેક્નિકલ કારણોસર તેનું ઓનલાઈન વેરિફિકેશન ન થઈ શકે, તો અન્ય માન્ય ઓળખપત્રો દ્વારા પણ પોતાની ઓળખ સાબિત કરી શકશે. દિલ્હી સરકારના નવા નોટિફિકેશનથી નાગરિકોને સરકારી સેવાઓ મેળવવામાં મોટી રાહત મળશે.
આધાર ન હોય તો આ દસ્તાવેજોથી પણ ઓળખ સાબિત કરી શકાશે
દિલ્હી સરકારના નવા નોટિફિકેશન મુજબ, આધાર કાર્ડ ઉપલબ્ધ ન હોય અથવા ઓનલાઈન વેરિફિકેશનમાં મુશ્કેલી આવે તો નાગરિકોને સરકારી યોજનાઓના લાભથી વંચિત રાખવામાં નહીં આવે.
આવી સ્થિતિમાં નીચેના દસ્તાવેજોનો ઉપયોગ કરી શકાશે:
વોટર આઈડી કાર્ડ (મતદાર ઓળખપત્ર)
ડ્રાઈવિંગ લાયસન્સ
પાસપોર્ટ
કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ અન્ય માન્ય ફોટો ઓળખપત્ર
આ દસ્તાવેજોના આધારે નાગરિકો પોતાની ઓળખ સાબિત કરીને સરકારી સેવાઓનો લાભ મેળવી શકશે.
આધાર વેરિફિકેશન સંપૂર્ણપણે સ્વૈચ્છિક રહેશે
સરકારે સ્પષ્ટ કર્યું છે કે ડિજિટલ સિસ્ટમમાં આધાર ઓથેન્ટિકેશન સંપૂર્ણપણે સ્વૈચ્છિક રહેશે. કોઈપણ નાગરિકની પૂર્વ સંમતિ વિના તેનું આધાર વેરિફિકેશન કરી શકાશે નહીં. જો કોઈ વ્યક્તિ આધાર દ્વારા ઓળખની પુષ્ટિ કરાવવા માંગતી ન હોય, તો તેને અન્ય માન્ય ઓળખપત્રોના આધારે પણ સરકારી યોજનાઓ અને સેવાઓ મેળવવાની તક મળશે.
UCDP પ્લેટફોર્મ દ્વારા નવી વ્યવસ્થા લાગુ
દિલ્હી સરકારના IT વિભાગ દ્વારા આ નવી વ્યવસ્થા 'યુનિફાઇડ સિટિઝન ડેટા પ્લેટફોર્મ' (UCDP) અંતર્ગત લાગુ કરવામાં આવી છે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ ડિજિટલ માધ્યમથી સુશાસનને પ્રોત્સાહન આપવાનો અને સરકારી સેવાઓ સામાન્ય નાગરિકો સુધી સરળતાથી પહોંચાડવાનો છે. આ ઉપરાંત સામાજિક કલ્યાણ યોજનાઓમાં થતી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર અટકાવવા માટે પણ આ વ્યવસ્થા મદદરૂપ બનશે.








