Congress reaction Pakistan minister visit India: ભારતમાં આ અઠવાડિયે SCO સમિટ શરૂ થવાની છે. જોકે, આ સંમેલન પહેલા જ વિવાદ શરૂ થઈ ચૂક્યા છે, જેનું કારણ છે પાકિસ્તાનના મંત્રી આ બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી આવવાના છે. હકીકતમાં પાકિસ્તાનમાં શાહબાઝ શરીફની સરકારના એક મંત્રી SCO સંમેલનમાં ભાગ લેવા માટે દિલ્હી આવી રહ્યા છે. ભારત દ્વારા સમૂહના તમામ સભ્યોને મોકલવામાં આવેલા આમંત્રણ બાદ પાકિસ્તાનના પર્યાવરણ મંત્રીએ આ સંમેલનમાં ભાગ લેવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદથી વિપક્ષ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહ્યું છે. કોંગ્રેસે કહ્યું કે, ગત વર્ષે પહલગામમાં પાકિસ્તાને પાળેલા આતંકીઓ દ્વારા 26 લોકોને બર્બરતાપૂર્વક મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા, ત્યારબાદ એવું તો શું બદલાયું કે, ભારત પાકિસ્તાનને આમંત્રણ મોકલી રહ્યું છે?
પાકિસ્તાનના વલણમાં કોઈ બદલાવ આવ્યો? કોંગ્રેસ સાંસદે ઉઠાવ્યા સવાલ
કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ આ મામલે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું કે, 2025માં થયેલા પહલગામ હુમલાથી લઈને છેલ્લાં 4 દાયકામાં આતંકવાદને લઈને પાકિસ્તાનનું વલણ નથી બદલાયું.એપ્રિલ 2025માં બૈસરન ઘાટીમાં આતંકી હુમલો થયો. ધર્મના નામે લોકોને નિશાન બનાવીને શહીદ કરવામાં આવ્યા. એપ્રિલ 2025થી નવેમ્બર 2026માં શું બદલાયું છે? કોઈ ફરક નથી પડ્યો. છેલ્લા 4 દાયકામાં કશો બદલાવ નથી આવ્યો. પાકિસ્તાને આતંકવાદના યુગની શરૂઆત 1970માં જ શરૂ કરી દીધી હતી. ભારતને એક જ વાંધો છે કે, પાકિસ્તાને પોતાની ધરતી પર આતંકવાદને જન્મ આપ્યો અને તેનો ઉપયોગ ભારતની વિરૂદ્ધમાં કરવામાં આવે છે, તેનું કોઈ સમાધાન તો નીકળ્યું નથી.SCO સંમેલનમાં તમામ સભ્ય દેશ આવતા-જતા રહે છે, એ સામાન્ય છે. પરંતુ, પાકિસ્તાનના વલણ પર સવાલ તો ઊભા થાય જ છે.
પહલગામમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા
નોંધનીય છે કે, 26 એપ્રિલ 2025ના દિવસે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં એક મોટો આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં પાકિસ્તાને પોષણ આપેલા આતંકીઓએ 26 લોકોની હત્યા કરી દીધી હતી, જેમાંથી મોટાભાગના લોકો પ્રવાસી હતી. આતંકીઓએ લોકોને તેમનો ધર્મ પૂછીને ગોળીબાર કર્યો હતો. આ હુમલા બાદ ભારતે આતંકવાદ સામે કડક એક્શન લીધા હતા. ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કરીને પાકિસ્તાન અને પાક. અધિકૃત કાશ્મીરમાં અનેક આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા, જેમાં 100થી વધુ આતંકીઓને ઠાર કરાયા હતા. આ સાથે જ પાકિસ્તાનને કડક ચેતવણી આપતા સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું હતું કે, ભારત પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારનો સંવાદ ત્યાં સુધી નહીં કરે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદ સામે કોઈ નક્કર પગલાં નથી લેતું.ભારતે આ દિશામાં પગલાં લેતા સિંધુ જળ સંધિને પણ રદ કરી દીધી હતી અને કહ્યું હતું કે, લોહી અને પાણી એકસાથે ન વહી શકે. મનીષ તિવારી પણ પોતાની વાતમાં આ જ ઉલ્લેખ કરી રહ્યા હતા.
SCO માં કોને મોકલી રહ્યું છે પાકિસ્તાન?
શંઘાઇ સહયોગ સંગઠન, SCO સંમેલનનું આયોજન 20 થી 22 નવેમ્બર સુધી દિલ્હીમાં કરવામાં આવશે. આ દરમિયાન પાકિસ્તાને ગત શનિવારે એક નિવેદનમાં જણાવ્યું કે, પર્યાવરણ મંત્રી મુસાદિક મલિક SCO સંમેલનમાં ભાગ લેવા માટે ભારત જશે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલય અનુસાર, પાકિસ્તાન સરકાર SCO હેઠળ, પરસ્પર સન્માનની ભાવના સાથે સભ્યતાઓની વચ્ચે સંવાદ વધારવા અને લોકોની વચ્ચે પરસ્પર સંપર્ક વધારવા માટે પ્રતિબદ્ધ છે.
ભારતે મોકલ્યું નિમંત્રણ
આ પહેલા ગત 28 ઓક્ટોબરે ભારતે પણ જાહેરાત કરી હતી કે, પરંપરા અનુસાર SCO ના તમામ સભ્ય દેશોને નિમંત્રણ મોકલવામાં આવ્યું છે. SCO માં ભારત અને પાકિસ્તાન સિવાય ચીન, રશિયા, કઝાકિસ્તાન, કર્ગિસ્તાન, તજાકિસ્તાન, ઇરાન, ઉઝ્બેકિસ્તાન અને બેલારૂસ સામેલ છે. ભારતે SCO માં સરહદપાર આતંકવાદનો મુદ્દો સતત ઉઠાવ્યો છે. ગત મહિને સમૂહની એક બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડારની હાજરીમાં પાકિસ્તાન પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, આતંકવાદને લઈને બેવડું વલણ સહન કરવામાં નહીં આવે.








