CJP Claims Mass Detentions: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણીને લઈને 10 ઓક્ટોબરે દિલ્હીના ઐતિહાસિક જંતર-મંતર ખાતે યોજાનારા વિરોધ પ્રદર્શન અગાઉ દેશનું રાજકારણ ભારે ગરમાયું છે. આ મોટા પ્રદર્શન પહેલાં જ 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) દ્વારા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. પાર્ટીના દાવ મુજબ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ જેવા દેશના મુખ્ય રાજ્યોમાંથી તેમના હજારો સ્વયંસેવકો અને સક્રિય કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે.
આશુતોષ રાંકાનો પોલીસ કાર્યવાહી સામે આક્રમક પ્રહાર
CJPના સહ-સંયોજક આશુતોષ રાંકાએ પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી આ કાર્યવાહી સામે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. સોશિયલ મીડિયા પર વિડીયો જાહેર કરીને તેમણે વહીવટી તંત્રને સીધો સવાલ પૂછ્યો હતો કે, "પોલીસ આખરે કેટલા લોકોને જેલમાં પૂરશે અથવા અરેસ્ટ કરશે? કારણ કે આ દેશમાં અઢી કરોડ કોકરોચ છે." તેમણે વ્યંગાત્મક લહેકામાં ઉમેર્યું હતું કે, જાણે આ રાજ્યોમાંથી તમામ અપરાધો નાબૂદ થઈ ગયા હોય તેમ પોલીસ હવે શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહેલા નાગરિકો અને યુવાનોને પકડવામાં પોતાની આખી શક્તિ લગાવી રહી છે.
કોલકાતામાં અબ્દુલ અને તેમની ટીમની અટકાયતનો દાવો
પોલીસ એક્શન અંગે વધુ માહિતી આપતાં આશુતોષ રાંકાએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે, દિલ્હીમાં 10 ઓક્ટોબરે યોજાનારા પ્રદર્શન માટે તૈયારી કરી રહેલા કાર્યકરોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. બેંગલુરુમાં યોજાયેલા એક વિરોધ કાર્યક્રમ બાદ તેમણે કોલકાતાની એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, CJPના નેતા અબ્દુલ અને તેમની આખી ટીમને સાદા કપડામાં આવેલા અજ્ઞાત લોકો ઉઠાવી ગયા છે અને કોઈ અજાણ્યા સ્થળે લઈ ગયા છે.
લોકશાહી અને મતાધિકાર બચાવવા આંદોલન ચાલુ રાખવા હાકલ
CJP સાથે જોડાયેલા અન્ય મહત્વના નેતા સૌરભ દાસે પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે અગાઉ જ આશંકા વ્યક્ત કરી હતી કે 10 ઓક્ટોબરના મુખ્ય આંદોલન પહેલાં પોલીસ તેમના સહિત મુખ્ય નેતાઓની કસ્ટડી લઈ શકે છે. સૌરભ દાસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ચૂંટણી કમિશનરના રાજીનામા માટેની આ લડાઈ લાંબી અને સંઘર્ષપૂર્ણ હોઈ શકે છે. આપણામાંથી ગમે તેટલા લોકોની અટકાયત કરવામાં આવે, પરંતુ જો દેશમાં મતદાન કરવાનો અને લોકશાહીનો અધિકાર સુરક્ષિત રાખવો હશે તો આ ભ્રષ્ટ સિસ્ટમ સામેની લડાઈ કોઈપણ સંજોગોમાં ચાલુ જ રહેશે.
10 ઓક્ટોબરે દિલ્હીના જંતર-મંતર પર મોટા ધમાણના એંધાણ
દિલ્હીના જંતર-મંતર પર થનારા આ પ્રદર્શનને લઈને દેશભરમાં યુવાનો અને સામાજિક સંગઠનોમાં મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૂંટણી પંચની નિષ્પક્ષતા અને મતદાર યાદીમાં ગડબડ જેવા મુદ્દાઓને લઈને CJPએ મોરચો માંડ્યો છે. વિવિધ રાજ્યોમાં થઈ રહેલી અટકાયતો છતાં, સંગઠને સ્પષ્ટ કરી દીધું છે કે 10 ઓક્ટોબરે હજારોની સંખ્યામાં લોકો દિલ્હી પહોંચશે અને પોતાનો વિરોધ નોંધાવશે.








