CJP Jantar Mantar Protest Delhi Police Ultimatum: CJP એ દિલ્હીના ઐતિહાસિક જંતર-મંતર ખાતે નવેસરથી શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન યોજવાની આક્રમક તૈયારીઓ હાથ ધરી છે. સોમવારે પાર્ટીના સહ-સંયોજક આશુતોષ રાંકા અને મુખ્ય પ્રવક્તા સૌરવ દાસ દિલ્હીના પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે દિલ્હી પોલીસ સમક્ષ માંગ કરી છે કે તેઓ 24 કલાકની અંદર જંતર-મંતર પર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન યોજવા માટે યોગ્ય તારીખ અને સમયની ફાળવણી કરે. નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે, જો પોલીસ તંત્ર તારીખ નક્કી નહીં કરે તો પાર્ટી પોતે જ આગામી પ્રદર્શનની તારીખની સત્તાવાર જાહેરાત કરશે.
'તારીખ અને સમય નક્કી કરવાનો વિકલ્પ પોલીસ પાસે છે'
પોલીસ સ્ટેશન પહોંચતા પહેલા આશુતોષ રાંકાએ સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું હતું કે તેઓ શાંતિપૂર્ણ રીતે પોતાની રજૂઆત કરવા માંગે છે. આ અંગે CJPના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે જણાવ્યું હતું કે પોલીસ સામાન્ય રીતે વિરોધ પ્રદર્શનની પરવાનગી માટે 10 દિવસ પહેલા સંપર્ક કરવાનું કહેતી હોય છે. પરંતુ હવે પાર્ટી જ પોલીસને વિકલ્પ આપી રહી છે કે તેઓ પોતાની અનુકૂળતા મુજબ જંતર-મંતર પર પ્રદર્શન માટે તારીખ અને સમય નક્કી કરીને 24 કલાકમાં જણાવી દે. જો પોલીસ તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ નહીં મળે, તો ગઠબંધન અને પાર્ટી પોતાની વ્યૂહરચના મુજબ આગળની જાહેરાત કરશે.
અગાઉ CJPના મુખ્ય નેતાઓની અટકાયત કરવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે યોજાનારા આંદોલન પહેલા દિલ્હી પોલીસે અટકાયતી પગલાં રૂપે સીજીપીના સ્થાપક અભિજીત દિપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસની એરપોર્ટ પરથી જ અટકાયત કરી હતી. ત્યારબાદ તેમને દિલ્હીની એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી શરતી જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. અદાલતે તેમને એક વર્ષ સુધી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાય તેવી પ્રવૃત્તિઓથી દૂર રહેવા નિર્દેશ આપ્યો હતો.
'અમે ફરીથી રસ્તા પર ઉતરીશું': અભિજીત દિપકે
પોલીસ અટકાયત અને કાનૂની શરતો વચ્ચે પણ સીજીપીના સ્થાપક અભિજીત દિપકેએ પોતાનું આંદોલન ચાલુ રાખવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે, "અમે એવા કોઈ પણ બાંહેધરી પત્ર પર સહી નથી કરી, જેમાં એવું લખ્યું હોય કે અમે વિરોધ પ્રદર્શન નહીં કરીએ. અમે જનતાના હક અને લોકશાહી માટે ફરીથી રસ્તા પર ઉતરીશું." તેમના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, પોલીસ કાર્યવાહી છતાં સીજીપીના કાર્યકરો પાછળ હટવાના મૂડમાં નથી.
ચૂંટણી પ્રક્રિયામાં ગડબડના મુદ્દે ઈન્ડિયા ગઠબંધનની પણ માર્ચ
બીજી તરફ, SIR અને ચૂંટણી પ્રક્રિયામાં કથિત ગડબડના મુદ્દે ઈન્ડિયા ગઠબંધનના નેતાઓએ પણ દિલ્હીમાં મોરચો મંડ્યો છે. ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ સોમવારે સુપ્રીમ કોર્ટ તરફ વિરોધ માર્ચ કાઢીને મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ કરી રહ્યા છે, જેના કારણે રાજધાની દિલ્હીમાં રાજકીય ગરમાવો વધી ગયો છે.








