CJP Protest at Delhi: દિલ્હીના જંતર-મંતર પર 10 ઑક્ટોબરે યોજાનારા વિરોધ પ્રદર્શન પહેલાં દેશની રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા સામે જવાબદારી નક્કી કરવાની માગ સાથે પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. દિલ્હી પોલીસે મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હોવા છતાં આયોજકોએ પ્રદર્શન યોજવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.
દિલ્હીમાં કડક સુરક્ષા, હજારો જવાનો તૈનાત
પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં પોલીસ અને અર્ધલશ્કરી દળોની મોટી સંખ્યામાં તૈનાતી કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, રાજધાનીમાં 35,000થી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. જંતર-મંતર અને આસપાસના વિસ્તારોમાં બેરિકેડિંગ વધારવામાં આવ્યું છે, જ્યારે અનેક માર્ગો પર અવરજવર નિયંત્રિત કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે પ્રદર્શન માટે મંજૂરી આપવામાં આવી નથી અને કાયદો-વ્યવસ્થા જાળવવા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યાં છે.
મેટ્રો અને ટ્રેન વ્યવહાર પર અસર
સુરક્ષાનાં પગલાંની અસર જાહેર પરિવહન પર પણ પડી છે. અહેવાલો અનુસાર, દિલ્હીનાં લગભગ 60 મેટ્રો સ્ટેશનો પર સેવાઓને અસર પહોંચી છે અને કેટલીક લાંબા અંતરની ટ્રેનો રદ કરવામાં આવી છે અથવા તેમના સમયમાં ફેરફાર કરાયો છે. મધ્ય દિલ્હીના આશરે ચાર કિલોમીટરના વિસ્તારમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ પણ અસ્થાયી રીતે બંધ કરવામાં આવી છે. આ પગલાંને કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
દીપકેનું નિવેદન: 'પરિવર્તનની જવાબદારી ઉપાડો'
CJPના સ્થાપક અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પર સંદેશ આપતાં લખ્યું હતું કે, “જિંદગી જીવવાના બે જ રસ્તા હોય છે… એક, જે થઈ રહ્યું છે તેને થવા દો, સહન કરતા જાઓ… અથવા જવાબદારી ઉઠાવો તેને બદલવાની!” દીપકે અને તેમના સાથીઓએ સ્પષ્ટ કર્યું છે કે પોલીસ જ્યાં રોકશે ત્યાં પણ તેઓ વિરોધ નોંધાવશે. તેમણે ધરપકડનો સામનો કરવા માટે પણ તૈયાર હોવાનું જણાવ્યું છે. આયોજકોના મતે, આ પ્રદર્શનનો હેતુ મતદાર યાદી સુધારણા પ્રક્રિયા અંગે સવાલો ઉઠાવવાનો અને ચૂંટણી પંચની જવાબદારી નક્કી કરવાની માગ કરવાનો છે.
SIR પ્રક્રિયા અને મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માગ
CJP અને તેની સાથે જોડાયેલા વિદ્યાર્થી સંગઠનોનો આરોપ છે કે SIR પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીમાંથી નામો દૂર થવા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. સંગઠન આ પ્રક્રિયા રદ કરવાની, મતદારોનાં નામ દૂર કરવા બદલ જવાબદારી નક્કી કરવાની અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ કરી રહ્યું છે. બીજી તરફ, મતદાર યાદી સુધારણા પ્રક્રિયા અંગેના આક્ષેપો રાજકીય વિવાદનું કેન્દ્ર બન્યા છે.
સુપ્રીમ કોર્ટની ટકોર, મુસાફરોની મુશ્કેલીનો મુદ્દો
પ્રદર્શનને લઈને જાહેર પરિવહન પર લાગેલા નિયંત્રણોનો મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. અહેવાલો અનુસાર, અદાલતે સુરક્ષા વ્યવસ્થા જરૂરી હોવાનું સ્વીકારતાં સાથે જ મેટ્રો અને ટ્રેન સેવાઓ પરના નિયંત્રણો પ્રમાણસર હોવા જોઈએ અને સામાન્ય નાગરિકોની અવરજવરને બિનજરૂરી રીતે અસર ન થવી જોઈએ તેવી ટકોર કરી હતી. દિલ્હીમાં વિરોધ પ્રદર્શનને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. હવે સૌની નજર એ વાત પર છે કે પોલીસના પ્રતિબંધો વચ્ચે CJPના કાર્યકરો જંતર-મંતર સુધી પહોંચી શકશે કે નહીં અને પ્રદર્શન દરમિયાન સ્થિતિ કેવી રહે છે.








