Gyanesh Kumar Resignation: કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકેએ આગામી ચૂંટણીઓને લઈને ચૂંટણી પંચ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે દાવો કર્યો કે જ્યાં સુધી મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર પદ પર રહેશે, ત્યાં સુધી ચૂંટણીમાં ભાગ લેવાનો કોઈ અર્થ નથી. તેમના કહેવા મુજબ, ચૂંટણીના પરિણામો પહેલેથી જ નક્કી થઈ જાય છે. CJP છેલ્લા કેટલાક સમયથી જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે આંદોલન કરી રહી છે.
'જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે પછી જ ખબર પડશે'
પત્રકારો સાથે વાતચીત દરમિયાન અભિજિત દીપકેએ આરોપ લગાવ્યો કે ભાજપ એવા રાજ્યોમાં પણ ચૂંટણી જીતી રહી છે, જ્યાં અગાઉ 'મોદી લહેર'ના સમયમાં પણ તેને સફળતા મળી નહોતી. દીપકેએ કહ્યું કે જ્યાં સુધી જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે અને મુક્ત તથા નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત નહીં થાય ત્યાં સુધી આવી ચૂંટણીઓમાં ભાગ લેવાનો કોઈ અર્થ નથી. તેમણે એવો પણ દાવો કર્યો કે જ્ઞાનેશ કુમાર પદ પરથી હટ્યા બાદ અને SIR પર રોક લાગ્યા પછી જ ભાજપ વાસ્તવમાં કેટલી બેઠકો જીતે છે તે સ્પષ્ટ થશે.
MPSC પરીક્ષાના મુદ્દે વિદ્યાર્થીઓને સમર્થન
મીડિયા અહેવાલો અનુસાર, દીપકે આ નિવેદનો પુણેમાં આપ્યા હતા. તેઓ મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (MPSC)ની પરીક્ષામાં કથિત અનિયમિતતાઓ સામે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને સમર્થન આપવા ત્યાં પહોંચ્યા હતા. CJP અગાઉ પણ ચૂંટણી પ્રક્રિયા અને SIRને લઈને સરકાર તથા ચૂંટણી પંચ સામે વિરોધ નોંધાવી ચૂકી છે. સપ્ટેમ્બરમાં પાર્ટીએ જ્ઞાનેશ કુમરને રાજીનામું આપવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું અને માંગ સ્વીકારવામાં નહીં આવે તો દેશવ્યાપી આંદોલનની ચેતવણી આપી હતી.
'કેસ કરો, લોકશાહી બચાવવાની લડત ચાલુ રહેશે'
શિવાજી પાર્કમાં જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે થયેલા વિરોધ બાદ પોતાની સામે કેસ નોંધાવવાના અહેવાલો વચ્ચે અભિજિત દીપકેએ સોશિયલ મીડિયા પર પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે વધુ કેસો કરવામાં આવે તો પણ લોકશાહી બચાવવા માટે તેમની લડત ચાલુ રહેશે. આ વિરોધને લઈને મુંબઈ પોલીસ દ્વારા પરવાનગી સંબંધિત મુદ્દો પણ સામે આવ્યો હતો. CJPએ 2 ઓક્ટોબરે શિવાજી પાર્કમાં વિરોધનું આયોજન કર્યું હતું, જ્યારે પોલીસ તરફથી કાર્યક્રમની પરવાનગી આપવામાં આવી ન હોવાનું અહેવાલોમાં જણાવાયું હતું.
ચૂંટણી પંચને લઈને રાજકીય ગરમાવો
આ સમગ્ર વિવાદ વચ્ચે ચૂંટણી પંચની આંતરિક કામગીરીને લઈને પણ રાજકીય ચર્ચા તેજ બની છે. અહેવાલો અનુસાર, ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ મતદાર નોંધણી, મતદાર યાદી અને ટેક્નોલોજી સિસ્ટમ સાથે જોડાયેલા કેટલાક નિર્ણયોમાં વાંધા નોંધાવ્યા હતા. જોકે, ચૂંટણી પંચે આ બાબતોને સંસ્થાકીય મતભેદ તરીકે રજૂ કરવામાં આવતા વાંધો ઉઠાવ્યો છે. બીજી તરફ CJP સહિતના વિરોધી જૂથો ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને નિષ્પક્ષતા અંગે સતત સવાલો ઉઠાવી રહ્યા છે.








