CJP's Abhijeet Dipke Demands Maharashtra Minister Dada Bhuse's Resignation: મહારાષ્ટ્રની સરકારી શાળાઓની કથળતી સ્થિતિ અને વિદ્યાર્થીઓને મળતી પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને રાજકીય વિરોધ તેજ બન્યો છે. લાતુર જિલ્લાના ઔસા તાલુકાના ઉજની ગામની જિલ્લા પરિષદ શાળાની મુલાકાત બાદ કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજિત દીપકેએ રાજ્યના શિક્ષણ મંત્રી દાદા ભુસે સામે આકરા પ્રહાર કર્યા છે. તેમણે દાદા ભુસેના રાજીનામાની માંગ સાથે સરકાર પર વિદ્યાર્થીઓની અવગણના કરવાનો આરોપ લગાવ્યો છે.
'સ્કૂલ ઠીક કરો' અભિયાન હેઠળ શાળાની મુલાકાત
અભિજિત દીપકેએ ગયા અઠવાડિયે શરૂ કરેલા 'સ્કૂલ ઠીક કરો' અભિયાન અંતર્ગત લાતુરની આ સરકારી શાળાની મુલાકાત લીધી હતી. શાળાની સ્થિતિ નિહાળ્યા બાદ તેમણે સરકાર અને શિક્ષણ વિભાગ સામે સવાલો ઉઠાવ્યા હતા. દીપકેએ કહ્યું, કે રાજકીય નેતાઓ વિદ્યાર્થીઓ માટે પૂરતું કામ કરતા નથી તો લોકો તેમને મત શા માટે આપે? તેમણે એવો સવાલ પણ કર્યો કે શું લોકોને માત્ર નેતાઓને હેલિકોપ્ટરમાં ફરતા જોવા માટે મત આપવો જોઈએ?
'મંત્રીઓના કૂતરાઓને પણ વિદ્યાર્થીઓ કરતાં સારી સુવિધા'
શાળાની સ્થિતિ અંગે આકરા શબ્દોમાં બોલતા અભિજિત દીપકેએ આક્ષેપ કર્યો કે મંત્રીઓના કૂતરાઓને પણ સરકારી શાળાના વિદ્યાર્થીઓ કરતાં વધુ સારી સુવિધાઓ મળે છે. તેમણે કહ્યું કે સરકારે સરકારી શાળાઓની સ્થિતિ સુધારવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને શિક્ષણ મંત્રી દાદા ભુસેએ આ સ્થિતિની જવાબદારી સ્વીકારીને પદ પરથી રાજીનામું આપવું જોઈએ.
નેતાઓ પોતાના બાળકોને સરકારી શાળામાં મોકલે: દીપકે
અભિજિત દીપકેએ સરકાર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને પડકાર આપતા કહ્યું કે જો તેમને ખરેખર સરકારી શાળાઓની સ્થિતિ અંગે ચિંતા હોય તો તેઓ પોતાના બાળકોને આ જ શાળાઓમાં અભ્યાસ માટે મોકલે. તેમનો આક્ષેપ છે, કે વર્ષોથી સરકારો સત્તામાં હોવા છતાં સરકારી શાળાઓની મૂળભૂત સમસ્યાઓનું કાયમી નિરાકરણ આવ્યું નથી.
શાળામાં કચરો-ભંગારથી વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલ
દીપકેએ શાળાની સુરક્ષા વ્યવસ્થા અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. શાળાના પાછળના ભાગમાં ભંગાર અને કચરો જમા થયેલો હોવાથી સાપ સહિતના જીવજંતુઓનો ખતરો રહેતો હોવાનો તેમણે દાવો કર્યો હતો. તાજેતરમાં શાળાઓમાં સાપ કરડવાથી બાળકોના મોતની ઘટનાઓનો ઉલ્લેખ કરીને તેમણે વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે સરકાર અને અધિકારીઓની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા.
વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત ટ્રાન્સપોર્ટની પણ માંગ
અભિજિત દીપકેએ ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત પરિવહનની વ્યવસ્થા કરવાની પણ માંગ કરી છે. અનેક વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવા માટે લાંબું અંતર પગપાળા કાપવું પડતું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. સરકાર દ્વારા સરકારી શાળાઓની ઈમારતો, સ્વચ્છતા, સુરક્ષા, પરિવહન અને અન્ય પાયાની સુવિધાઓ પર તાત્કાલિક ધ્યાન આપવામાં આવે તેવી માંગ સાથે તેમણે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ ઉઠાવી છે.








