Supreme Court News: ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે INDIA બ્લોકના સાંસદોને મુલાકાત ન આપી શકવાનું કારણ સ્પષ્ટ કરતાં કહ્યું કે સુપ્રીમ કોર્ટના દરવાજા દરેક માટે ખુલ્લા છે. કોઈપણ સામાન્ય નાગરિક કે ચૂંટાયેલા જનપ્રતિનિધિને પોતાની ફરિયાદ માટે અરજી કરવાનો અધિકાર છે. કોર્ટ કાયદા અનુસાર તેમની સમસ્યાઓ સાંભળશે અને યોગ્ય કાર્યવાહી કરશે. CJIએ જણાવ્યું કે તેમને રવિવારે વિપક્ષી સાંસદોનો પત્ર મળ્યો હતો અને તેમણે એ જ રાત્રે તેનો જવાબ આપી દીધો હતો. પત્રમાં શું લખ્યું હતું તે અંગે પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે આ અંગે વિપક્ષી સાંસદોને જ પૂછવું જોઈએ.
રાહુલ ગાંધી અને ખડગેએ મુલાકાત માટે સમય માગ્યો હતો
રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ CJI સૂર્યકાંત પાસેથી સોમવારે સાંજે 4થી 5 વાગ્યાની વચ્ચે મુલાકાત માટે સમય માગ્યો હતો. તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે કાર્યવાહી કરવાની માગ સાથે આવેદનપત્ર સોંપવા ઇચ્છતા હતા. જોકે, CJIએ મુલાકાતનો ઇનકાર કર્યો હતો. અહેવાલો અનુસાર, તેમણે વિપક્ષને પોતાની માગણીઓ માટે ન્યાયિક પ્રક્રિયા અપનાવી અરજી દાખલ કરવાની સલાહ આપી હતી.
CJIએ મુલાકાત ન આપી શકવાનાં 4 કારણો જણાવ્યાં;
SIR અને CEC સંબંધિત કેસો પહેલેથી પેન્ડિંગ
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, CJIએ વિપક્ષને જણાવ્યું હતું કે તેઓ જે મુદ્દાઓ ઉઠાવવા માગે છે, તેમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) સાથે જોડાયેલા કેસોનો સમાવેશ થાય છે. આ મુદ્દાઓને લગતી અરજીઓ પહેલેથી જ કોર્ટમાં પેન્ડિંગ છે.વહીવટી સ્તરે ફરિયાદો પર કાર્યવાહી શક્ય નથી
CJIએ સ્પષ્ટ કર્યું કે બંધારણીય વ્યવસ્થા હેઠળ કોર્ટ વહીવટી સ્તરે આ પ્રકારની ફરિયાદો પર કાર્યવાહી કરી શકતી નથી. આવા મુદ્દાઓ માટે ન્યાયિક પ્રક્રિયા હેઠળ અરજી દાખલ કરવી જરૂરી છે.અરજી થાય તો બીજા દિવસે સુનાવણી શક્ય
CJIએ વિપક્ષને જણાવ્યું હતું કે બંધારણની કલમ 32 હેઠળ સુપ્રીમ કોર્ટમાં મૂળભૂત અધિકારોના રક્ષણ માટે અરજી કરી શકાય છે. જો સોમવારે અરજી દાખલ કરવામાં આવે, તો તેને મંગળવારે સુનાવણી માટે સૂચિબદ્ધ કરી શકાય છે. તે દિવસે સંબંધિત પેન્ડિંગ કેસોની સુનાવણી પણ થવાની હતી.મૂળભૂત અધિકારોના રક્ષણ માટે કોર્ટ પ્રતિબદ્ધ
CJIએ ભારપૂર્વક જણાવ્યું કે નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવું સુપ્રીમ કોર્ટની જવાબદારી છે. કોઈપણ નાગરિક કે ચૂંટાયેલા પ્રતિનિધિ પોતાના અધિકારોના ઉલ્લંઘન અંગે ન્યાય મેળવવા માટે કોર્ટનો સંપર્ક કરી શકે છે.
CJIના ઇનકાર છતાં વિપક્ષ કાઢશે સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ
CJIએ મુલાકાત આપવાનો ઇનકાર કર્યા બાદ પણ વિપક્ષી દળોએ પોતાની માગણીઓના સમર્થનમાં સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કાઢવાની જાહેરાત કરી છે. કોંગ્રેસે આ કાર્યક્રમને ‘ચાલો દિલ્હી—માર્ચ ફોર ડેમોક્રેસી’ નામ આપ્યું છે. જાહેરાત મુજબ, વિપક્ષી નેતાઓ બપોરે 1:30 વાગ્યે કનોટ પ્લેસ અને બારાખંભા રોડના જંક્શન પર એકત્ર થવાના છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે આ માર્ચમાં યુવાનો, વિપક્ષી દળો, નાગરિક સંગઠનો અને લોકશાહી તથા બંધારણમાં વિશ્વાસ રાખનારા લોકો જોડાશે. તેમણે કહ્યું કે આ કાર્યક્રમ પક્ષ, લિંગ, જાતિ, સમુદાય અને રાજ્યની સીમાઓથી ઉપર ઊઠીને ભારતીયો તરીકે યોજવામાં આવશે.
અગાઉ વિપક્ષે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આવેદનપત્ર આપ્યું હતું
આ પહેલાં શુક્રવારે INDIA બ્લોકના નેતાઓએ સંસદથી વિજય ચોક સુધી માર્ચ કાઢી હતી. ત્યારબાદ તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આવેદનપત્ર સોંપ્યું હતું. બીજી તરફ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બેંગલુરુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર દેશમાં અવ્યવસ્થા ઊભી કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે અગાઉના પ્રદર્શન દરમિયાન ભારે પોલીસ બંદોબસ્ત અને લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યાનો ઉલ્લેખ કરીને સરકાર પર યુવાનોના આંદોલનથી ડરવાનો આરોપ પણ મૂક્યો હતો. ખડગેએ કહ્યું હતું કે વિપક્ષ CJIને માત્ર વિનંતી કરી શકે છે, તેમની સામે માગણી મૂકી શકે નહીં.








