CBSE 12th Revaluation 2026: CBSE દ્વારા ધોરણ 12ની ઉત્તરવહીઓના પુનર્મૂલ્યાંકન માટેની અરજી પ્રક્રિયા 1 જૂનથી શરૂ થવાની હતી, પરંતુ નિર્ધારિત દિવસે પણ ઓનલાઇન પોર્ટલ કાર્યરત ન થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા વધી છે. બોર્ડે અગાઉથી જાહેરાત કરી હતી કે અરજી માટેનું પોર્ટલ શરૂ કરવામાં આવશે, પરંતુ બપોર સુધી વેબસાઇટ મેન્ટેનન્સ મોડમાં જ જોવા મળી હતી.
ખામીમુક્ત સેવા આપવાનો દાવો
CBSEએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, ટેક્નિકલ સમસ્યાઓ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે અને ટૂંક સમયમાં પોર્ટલ શરૂ કરવામાં આવશે. આ સમગ્ર મામલાએ ફરી એકવાર CBSEની ઓનલાઇન વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઉભા કર્યા છે. બોર્ડે વિદ્યાર્થીઓને વધુ પારદર્શક અને ખામીમુક્ત સેવા આપવાનો દાવો કર્યો હતો, છતાં વારંવાર સર્જાતી ટેક્નિકલ અડચણો વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીનું કારણ બની રહી છે. ખાસ કરીને ધોરણ 12ના પરિણામો બાદ રી-ઇવેલ્યુએશન સમયસર શરૂ થવું ઘણા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તેમના ઉચ્ચ અભ્યાસ અને પ્રવેશ પ્રક્રિયાઓ તેના પર આધારિત હોય છે.
બોર્ડે અરજી કરવાની અંતિમ તારીખ વધારવી પડી
શરૂઆતમાં બોર્ડે આ પ્રક્રિયા 29 મેના રોજ શરૂ કરવાની યોજના જાહેર કરી હતી. જોકે, સ્કેન કરેલી ઉત્તરવહીઓ સંબંધિત વિવાદો અને વિદ્યાર્થીઓની ફરિયાદોને ધ્યાનમાં રાખીને સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ આ મુદ્દે હસ્તક્ષેપ કર્યો હતો. ત્યારબાદ CBSEએ નવી જાહેરાત કરીને 1 જૂનથી અરજી સ્વીકારવાની વાત કરી હતી. આ પહેલાં સ્કેન કરેલી ઉત્તરવહીઓ મેળવવા માટે પણ વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. 19 મેથી શરૂ કરાયેલ પોર્ટલ પ્રથમ જ દિવસે લાંબા સમય સુધી બંધ રહ્યું હતું. પરિણામે બોર્ડે અરજી કરવાની અંતિમ તારીખ વધારવી પડી હતી. બીજા દિવસે પણ પોર્ટલ નિયમિત રીતે કાર્યરત ન હોવાથી વિદ્યાર્થીઓને અરજી અને ફી ભરવામાં તકલીફો પડી હતી. ઘણા વિદ્યાર્થીઓએ ઓનલાઇન ચુકવણી ન થવાની ફરિયાદો પણ નોંધાવી હતી.
સ્કેન કરેલી ઉત્તરવહીઓ મેળવવામાં પણ મુશ્કેલી
માત્ર અરજી પ્રક્રિયામાં જ નહીં, પરંતુ ઉત્તરવહીઓની સ્કેન કરેલી કોપી મેળવતી વખતે પણ અનેક ગેરરીતિઓ સામે આવી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ નકલો અસ્પષ્ટ હોવાની ફરિયાદ કરી, તો કેટલાકે પાનાં ગુમ હોવાનું અથવા ઉત્તરવહીમાં ગડબડ જોવા મળ્યાનું જણાવ્યું હતું. આવી ફરિયાદોને કારણે CBSEએ ઘણી વખત સમયમર્યાદા લંબાવવી પડી હતી. શિક્ષણ મંત્રાલયે પણ આ સમસ્યાઓની નોંધ લઈને વિદ્યાર્થીઓને સહાય કરવાની ખાતરી આપી હતી.
4 લાખથી વધુ વિદ્યાર્થીઓએ અરજી કરી
CBSEએ 26 મેના રોજ જાહેર કરેલા આંકડા અનુસાર, સ્કેન કરેલી ઉત્તરવહીઓ મેળવવા માટે 4 લાખથી વધુ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. કુલ મળીને 11 લાખથી વધુ ઉત્તરવહીઓની નકલ માંગવામાં આવી હતી. બોર્ડ દ્વારા લગભગ 9 લાખ જેટલી ઉત્તરવહીઓની ડિજિટલ નકલો વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ આંકડાઓ દર્શાવે છે કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ પ્રક્રિયા સાથે જોડાયેલા છે, જેના કારણે પોર્ટલનું સમયસર અને સરળતાથી કાર્યરત રહેવું અત્યંત જરૂરી બની જાય છે.








