CBSE 10th board update: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષા સંબંધિત મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નવા નિયમો મુજબ, પ્રથમ તબક્કાની બોર્ડ પરીક્ષામાં હાજરી આપવી દરેક વિદ્યાર્થી માટે ફરજિયાત ગણાશે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વિદ્યાર્થી ઓછામાં ઓછા ત્રણ વિષયોની પરીક્ષામાં હાજર નહીં રહે, તો તેને 'કમ્પલસરી રિપિટેશન' શ્રેણીમાં મૂકવામાં આવશે અને તેને સીધી બીજી પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
મૂલ્યાંકન પ્રક્રિયા નક્કી કરવામાં આવશે
CBSE વર્ષ 2026થી ધોરણ 10 માટે બે તબક્કાની બોર્ડ પરીક્ષા પદ્ધતિ અમલમાં મૂકવાની તૈયારીમાં છે. બોર્ડના કહેવા મુજબ, કેટલીક પરિસ્થિતિઓને કારણે કેટલાક વિદ્યાર્થીઓ પ્રથમ તબક્કાની પરીક્ષા આપી શકતા નથી, પરંતુ તેમ છતાં પ્રથમ પરીક્ષા આપવી જરૂરી રહેશે. કારણ કે પ્રથમ તબક્કાના પરિણામોના આધારે જ બીજી પરીક્ષાની પાત્રતા અને મૂલ્યાંકન પ્રક્રિયા નક્કી કરવામાં આવશે. બોર્ડને વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી રજૂઆતો પણ મળી હતી કે કેટલીક વાજબી પરિસ્થિતિઓને કારણે તેઓ પ્રથમ પરીક્ષા આપી શકશે નહીં, તેથી તેમને સીધા બીજા તબક્કામાં બેસવાની મંજૂરી આપવી જોઈએ. જોકે, બોર્ડે નિયમોમાં કોઈ છૂટછાટ ન આપતા સ્પષ્ટ કર્યું છે કે પ્રથમ પરીક્ષામાં ઉપસ્થિતિ અનિવાર્ય રહેશે.
મુખ્ય નિયમો શું કહે છે?
પ્રથમ પરીક્ષામાં હાજરી ફરજિયાત:
ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓએ પ્રથમ બોર્ડ પરીક્ષા આપવી જ પડશે. ગેરહાજરીને ગંભીરતાથી લેવામાં આવશે.
ત્રણ વિષયમાં સુધારાની તક:
જે વિદ્યાર્થીઓ પ્રથમ પરીક્ષામાં પાસ થઈ જશે, તેઓ પોતાના પરિણામને વધુ સારા બનાવવા માટે વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન અને ભાષા જેવા મુખ્ય વિષયોમાંથી વધુમાં વધુ ત્રણ વિષયમાં ફરી પરીક્ષા આપી શકશે.
ત્રણ કે તેથી વધુ વિષયમાં ગેરહાજરીના પરિણામો:
જો કોઈ વિદ્યાર્થી પ્રથમ પરીક્ષામાં ત્રણ અથવા વધુ વિષયમાં હાજર નહીં રહે, તો તેને બીજી પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આવા વિદ્યાર્થીઓને 'કમ્પલસરી રિપિટેશન' હેઠળ રાખી આગામી મુખ્ય પરીક્ષામાં બેસવું પડશે, જે સામાન્ય રીતે આગામી ફેબ્રુઆરીમાં યોજાય છે.
કમ્પાર્ટમેન્ટ વિદ્યાર્થીઓ માટે રાહત:
પ્રથમ પરીક્ષામાં કમ્પાર્ટમેન્ટ મળેલા વિદ્યાર્થીઓને બીજી પરીક્ષામાં એ જ કેટેગરી હેઠળ ફરી તક આપવામાં આવશે.
વધારાના વિષય અંગે પ્રતિબંધ:
ધોરણ 10 પાસ કર્યા પછી વિદ્યાર્થીઓ કોઈ નવા અથવા વધારાના વિષયમાં પરીક્ષા આપી શકશે નહીં, એવો પણ નિયમ બોર્ડે સ્પષ્ટ કર્યો છે.
કમ્પાર્ટમેન્ટ અને સુધારાની સંયુક્ત તક:
જે વિદ્યાર્થીઓ કેટલાક વિષયોમાં કમ્પાર્ટમેન્ટમાં છે અને અન્ય વિષયોમાં ગુણ સુધારવા માંગે છે, તેઓ બંને કેટેગરી હેઠળ પરીક્ષા આપી શકશે.
વિષય બદલવાની મંજૂરી:
કોઈ વિદ્યાર્થી એક વિષયમાં પાસ થઈ ચૂક્યો હોય પરંતુ બીજા વિષયમાં સુધારો કરવા ઇચ્છે, તો જરૂરી પ્રક્રિયા અનુસરી વિષય બદલવાની તક પણ મળશે. આ નવા નિયમોનો હેતુ પરીક્ષા પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત, પારદર્શક અને વિદ્યાર્થીકેન્દ્રિત બનાવવાનો છે. સાથે જ, વિદ્યાર્થીઓ નિયમિત રીતે અભ્યાસ કરે અને પ્રથમ તબક્કાની પરીક્ષાને ગંભીરતાથી લે તેવો સંદેશ પણ બોર્ડ દ્વારા આપવામાં આવ્યો છે.








