CBI Files FIR Against Zee Founder Subhash Chandra: દેશના જાણીતા મિડિયા હાઉસ ઝી (Zee) ગ્રુપના સ્થાપક સુભાષ ચંદ્રા ફરી એકવાર મોટી કાનૂની મુશ્કેલીમાં ફસાયા છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ તેમની સામે એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (LICHFL) સાથે આશરે રૂ. 1,322 કરોડથી વધુ રકમની છેતરપિંડી આચરવા બદલ કેસ દાખલ કર્યો છે. સીબીઆઈ દ્વારા નોંધવામાં આવેલી પ્રથમ માહિતી અહેવાલ (FIR) માં સુભાષ ચંદ્રાને મુખ્ય આરોપી એટલે કે 'આરોપી નંબર 1' દર્શાવવામાં આવ્યા છે. આ સમાચાર બહાર આવતાની સાથે જ ભારતીય બિઝનેસ અને મિડિયા જગતમાં ભારે ચર્ચા જાગી છે.
લોન લેવા દર્શાવી ₹59,000 કરોડથી વધુની નેટવર્થ
તપાસ એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર, વર્ષ 2018 દરમિયાન સુભાષ ચંદ્રાની કંપનીઓ અને સંબંધી સંસ્થાઓએ LICHFL પાસેથી કરોડો રૂપિયાની લોન મેળવી હતી. આ લોન મંજૂર કરાવવા માટે સુભાષ ચંદ્રાએ પોતાની અંગત ગેરંટી અને નેટવર્થ સર્ટિફિકેટ જમા કરાવ્યું હતું. તે સમયે તેમણે પોતાની કુલ નેટવર્થ રૂ. 59,113 કરોડથી વધુ દર્શાવી હતી. આટલી મોટી સંપત્તિ અને ગેરંટીના આધારે નાણાકીય સંસ્થાએ તેમની કંપનીઓને બિઝનેસ એક્સપાન્શન અને રેન્ટલ સિક્યોરિટાઇઝેશન માટે સરળતાથી મોટી રકમની ધિરાણ સુવિધાઓ મંજૂર કરી દીધી હતી.
પૈસા પાછા આપવાનો વારો આવ્યો ત્યારે ‘મારી પાસે કંઈ નથી’ કહ્યું
લોન લીધા બાદ કંપનીઓ દ્વારા નિયમિત રીતે હપ્તા ભરવામાં ન આવ્યા અને નાણાકીય ગોટાળા સામે આવવા લાગ્યા. જ્યારે નાણાકીય સંસ્થાઓએ પોતાના બાકી નાણાંની વસૂલાત માટે દબાણ કર્યું અને સુભાષ ચંદ્રાની પર્સનલ ગેરંટીનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમણે ચોંકાવનારો દાવો કર્યો હતો. સુભાષ ચંદ્રાએ બાદમાં એવો બચાવ રજૂ કર્યો કે તેમની પાસે આટલી મોટી રકમની સંપત્તિ ક્યારેય હતી જ નહીં. આ પ્રકારના વર્તનથી ધિરાણ આપનાર સંસ્થા સાથે મોટો વિશ્વાસઘાત થયો હોવાનું સીબીઆઈની તપાસમાં બહાર આવ્યું છે.
ગુનાહિત ષડયંત્ર અને છેતરપિંડીની કલમો હેઠળ કેસ
સીબીઆઈ હેડ ઓફિસ ખાતે દાખલ કરાયેલી આ ફરિયાદના આધારે ઓગસ્ટના અંતમાં વિધિવત FIR નોંધવામાં આવી છે. એજન્સીએ સુભાષ ચંદ્રા અને તેમના સહયોગીઓ સામે ભારતીય દંડ સંહિતા (IPC) ની ગંભીર કલમો જેવી કે ગુનાહિત ષડયંત્ર (Criminal Conspiracy), છેતરપિંડી (Cheating) અને ગુનાહિત વિશ્વાસઘાત (Criminal Breach of Trust) હેઠળ કેસ નોંધ્યો છે. સીબીઆઈનો આરોપ છે કે તેમણે ખોટા દસ્તાવેજો અને નેટવર્થના ખોટા આંકડા રજૂ કરીને સરકારી નાણાકીય સંસ્થા સાથે છેતરપિંડી આચરી છે.
તપાસનો ધમધમાટ: આગામી દિવસોમાં મોટો વળાંક શક્ય
CBI હવે આ કેસમાં લોનની મંજૂરી પ્રક્રિયા, નાણાં ક્યાં ટ્રાન્સફર કરવામાં આવ્યા અને કઈ કંપનીઓમાં આ ફંડ ડાયવર્ટ કરાયું તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ ઉપરાંત, લોન મંજૂર કરનારા તત્કાલીન અધિકારીઓની ભૂમિકા પણ તપાસ હેઠળ આવી શકે છે. સુભાષ ચંદ્રા સામે આટલી મોટી કાનૂની કાર્યવાહી બાદ તેમની મુશ્કેલીઓમાં ભારે વધારો થવાની શક્યતા છે, અને આગામી દિવસોમાં આ કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે.








