California highway plane crash: અમેરિકાના કેલિફોર્નિયાના સેન જોસમાં એક વ્યસ્ત એક્સપ્રેસ-વે પર નાનું વિમાન અચાનક ક્રેશ થતાં અફરાતફરી મચી ગઈ હતી. વિમાનની હાઈવે પરની ભયાનક દુર્ઘટના નજીકથી પસાર થતી એક કારના ડેશકેમમાં કેદ થઈ ગઈ હતી. વિમાન જે રીતે રસ્તા પર પટકાયું અને ક્ષણભરમાં તેનો આગળનો ભાગ કચડાઈ ગયો, તે દૃશ્ય કોઈને પણ હચમચાવી દે તેવું હતું. જોકે, આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર ત્રણેય મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો અને સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.
ઓછી ઊંચાઈએ અને ખતરનાક ખૂણે ઉડતું જોવા મળ્યું
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફૂટેજ અનુસાર, શનિવારે સેન જોસના કેપિટોલ એક્સપ્રેસ-વે અને એક્સ કેલિબર ડ્રાઇવના જંક્શન નજીક એક નાનું પ્રોપેલર વિમાન અત્યંત ઓછી ઊંચાઈએ અને ખતરનાક ખૂણે ઉડતું જોવા મળ્યું હતું. વિમાન રસ્તાની બાજુમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તેની પાંખ અચાનક સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે જોરદાર રીતે અથડાઈ હતી. અથડામણ એટલી ગંભીર હતી કે વિમાનની પાંખ તૂટી ગઈ હતી અને ત્યારબાદ વિમાન પરથી પાઇલટનો કાબૂ છૂટી જતાં તે અનિયંત્રિત થઈને પાકા રસ્તા પર ઊંધું પટકાયું હતું.
આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો
વિમાન રસ્તા પર પટકાતાં જ તેનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. અકસ્માતની ગંભીરતા જોઈને આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, સૌથી રાહતની વાત એ રહી કે વિમાનમાં સવાર બે વયસ્કો અને એક બાળક સહિત ત્રણેય મુસાફરો જીવતા બચી ગયા હતા. સેન જોસ ફાયર ડિપાર્ટમેન્ટે ત્રણેયને સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તબીબી તપાસમાં કોઈને જીવલેણ ઈજાઓ થઈ ન હોવાનું સામે આવ્યું હતું. બીજી તરફ, હાઈવે પર અન્ય કોઈ વાહન આ દુર્ઘટનાની ઝપેટમાં ન આવતાં મોટી જાનહાનિ ટળી હતી. અકસ્માત બાદ રસ્તા પર ઢોળાયેલા ઈંધણને પણ સુરક્ષા કર્મચારીઓએ સાફ કરી દીધું હતું.
બીજી વિમાન દુર્ઘટનાની યાદ પણ તાજી કરી
આ ઘટનાએ સેન જોસમાં છેલ્લા 48 કલાક દરમિયાન બનેલી બીજી વિમાન દુર્ઘટનાની યાદ પણ તાજી કરી હતી. આ અકસ્માતના એક દિવસ પહેલાં, શુક્રવારે રીડ-હિલવ્યૂ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં તકનીકી ખામી સર્જાતાં અન્ય એક નાનું વિમાન ક્રેશ-લેન્ડ થયું હતું. જોકે, તે ઘટનામાં પણ વિમાનમાં સવાર બંને વ્યક્તિઓ સુરક્ષિત બહાર નીકળી આવ્યાં હતાં અને કોઈ ઈંધણ લીકેજ થયું નહોતું. ટૂંકા ગાળામાં બનેલી આ બે વિમાન દુર્ઘટનાઓએ ફરી એકવાર હવાઈ સુરક્ષા અને ટેકનિકલ ખામીઓ અંગે સવાલો ઊભા કર્યા છે.








