BRICS Summit 2026: દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે 18મા BRICS શિખર સંમેલનનો આજથી પ્રારંભ થયો છે, જે 13 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ વૈશ્વિક મહાસંમેલનમાં ભાગ લેવા માટે વિશ્વભરના અનેક દિગ્ગજ નેતાઓ દિલ્હી પહોંચી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તમામ વૈશ્વિક મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે. સાથે જ તેમણે સમિટ દરમિયાન વૈશ્વિક મુદ્દાઓ પર સકારાત્મક અને સાર્થક ચર્ચા થવાની આશા વ્યક્ત કરી છે.
વૈશ્વિક નેતાઓના આગમન વચ્ચે PM મોદીનો સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે આગામી દિવસોમાં વિશ્વભરના અગ્રણી નેતાઓ BRICS સમિટ માટે એકત્ર થઈ રહ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી કે આ સંમેલન વિશ્વ કલ્યાણની ભાવના સાથે વિવિધ વૈશ્વિક મુદ્દાઓ પર સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા માટે મહત્વપૂર્ણ મંચ બનશે. આ સાથે PM મોદીએ એક પ્રાચીન સંસ્કૃત શ્લોકનો ઉલ્લેખ કરીને સારા લોકોની સંગતિ, સજ્જનો સાથે સંવાદ અને મિત્રતાના મહત્વનો સંદેશ આપ્યો છે. તેમના આ સંદેશને BRICS સમિટમાં સહયોગ અને સકારાત્મક સંવાદની ભાવના સાથે જોડવામાં આવી રહ્યો છે.
દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા
આંતરરાષ્ટ્રીય સ્તરના આ મહત્વપૂર્ણ આયોજનને ધ્યાનમાં રાખીને રાજધાની દિલ્હીમાં સુરક્ષાના કડક બંદોબસ્ત કરવામાં આવ્યા છે. સુરક્ષા માટે અંદાજે 15 હજાર પોલીસકર્મીઓ, અર્ધલશ્કરી દળોની 200 કંપનીઓ અને 500થી વધુ CCTV કેમેરા તહેનાત કરવામાં આવ્યા છે. BRICS સમિટમાં ભાગ લેવા માટે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન દિલ્હી પહોંચી ચૂક્યા છે. બીજી તરફ, ચીનના પ્રમુખ શી જિનપિંગ પણ લગભગ સાત વર્ષ બાદ પહેલીવાર ભારતની મુલાકાતે આવી રહ્યા છે. દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, મલેશિયા અને ઇથિોપિયા સહિતના અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો તેમજ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પણ સમિટમાં હાજરી આપશે.
પુતિન અને શી જિનપિંગ સાથે PM મોદીની મહત્વપૂર્ણ બેઠક
BRICS સમિટ દરમિયાન PM મોદી અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાશે. આ બેઠકમાં સંરક્ષણ, ઊર્જા, પરમાણુ સહયોગ અને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો સહિતના મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. આ ઉપરાંત શનિવારે સાંજે PM મોદી ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે પણ મુલાકાત કરશે. આ બેઠકમાં સીમા વિવાદ અને વેપાર સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.
સેન્ડ આર્ટ દ્વારા વિદેશી મહેમાનોનું અનોખું સ્વાગત
વિદેશી મહેમાનોના સ્વાગત માટે ભારતની કલા અને સંસ્કૃતિની ઝલક પણ જોવા મળી રહી છે. ઓડિશાના પુરીમાં જાણીતા કલાકાર માનસ કુમાર સાહુએ આકર્ષક સેન્ડ આર્ટ તૈયાર કરીને વૈશ્વિક મહેમાનોનું અનોખી રીતે સ્વાગત કર્યું છે. આ વૈશ્વિક મહાસંમેલનના અંતે 'ન્યૂ દિલ્હી ડિક્લેરેશન' એટલે કે નવી દિલ્હી ઘોષણાપત્ર જાહેર કરવામાં આવશે, જેની સાથે 18મા BRICS શિખર સંમેલનનું સમાપન થશે.








