Brajmohan Ram Odisha Governor: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોન આવે અને કોઈ વ્યક્તિ એક-બે નહીં, પરંતુ 10 વખત ફોન ન ઉપાડે તો નવાઈ લાગે! આવો જ એક રસપ્રદ કિસ્સો ઝારખંડના પૂર્વ સાંસદ બ્રજમોહન રામે જણાવ્યો છે. ઓડિશાના રાજ્યપાલ તરીકે નિયુક્ત થયા બાદ તેમણે ખુલાસો કર્યો કે મંગળવારે સવારે વડાપ્રધાન મોદીએ તેમને ખાનગી નંબર પરથી વારંવાર ફોન કર્યો હતો, પરંતુ નંબર ઓળખી ન શકવાને કારણે તેમણે ફોન ઉપાડ્યો નહોતો. બાદમાં ફોન વડાપ્રધાનનો હોવાનું જાણવા મળતાં તેમણે વાત કરી હતી. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ તેમને ફોન કરીને નવી જવાબદારી અંગે જાણ કરી હતી.
ખાનગી નંબર પરથી વારંવાર આવતા ફોનને અવગણ્યા
બ્રજમોહન રામે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે મંગળવારે સવારે તેમના મોબાઇલ પર ખાનગી નંબર પરથી સતત ફોન આવી રહ્યા હતા. જોકે, સ્ક્રીન પર નંબર દેખાતો ન હોવાથી તેમણે ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. ત્યારબાદ તેમને જાણ થઈ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સાથે વાત કરવા માગે છે. વડાપ્રધાનનો ફોન આવ્યા બાદ તેમણે વાતચીત કરી હતી. બ્રજમોહન રામના જણાવ્યા અનુસાર, મોદીએ ‘જોહાર’ કહીને તેમનું અભિવાદન કર્યું અને સંગઠન સંબંધિત વિગતો જાણી હતી. આ સાથે તેમને સરકાર તરફથી મોટી જવાબદારી સોંપવામાં આવી રહી હોવાની જાણ પણ કરવામાં આવી હતી.
અમિત શાહે ફોન કરીને રાજ્યપાલ બનાવવાની જાણ કરી
બ્રજમોહન રામે વધુમાં જણાવ્યું કે બપોરના સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પણ તેમને ફોન આવ્યો હતો. શાહે તેમને ઓડિશાના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવી રહ્યા હોવાની જાણ કરી હતી. આ માહિતી અન્ય કોઈને ન આપવા માટે પણ કહેવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. રાજ્યપાલ તરીકેની નિયુક્તિ બાદ બ્રજમોહન રામ ચર્ચામાં આવ્યા છે. ઝારખંડના રાજકીય વર્તુળોમાં પણ તેમની નવી જવાબદારીને લઈને અભિનંદનનો દોર શરૂ થયો હતો.
ઝારખંડ ભાજપના નેતાઓએ પાઠવ્યાં અભિનંદન
બ્રજમોહન રામની નિયુક્તિને ઝારખંડ ભાજપના નેતાઓએ રાજ્ય માટે ગૌરવની બાબત ગણાવી હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ આદિત્ય સાહુ અને કેન્દ્રીય સંરક્ષણ રાજ્યમંત્રી સંજય સેઠે તેમને અભિનંદન પાઠવ્યાં હતાં. વિપક્ષના નેતા બાબુલાલ મરાંડીએ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બ્રજમોહન રામ પોતાના અનુભવ અને માર્ગદર્શનના આધારે ઓડિશામાં રાજ્યપાલ તરીકેની બંધારણીય જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવશે.
દલિત સમાજ માટે ગૌરવની વાત ગણાવી
ભાજપના નેતા અને મોરચાના સ્થાપક પ્રમુખ રણજીત રામે આ નિયુક્તિ બદલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે બ્રજમોહન રામને રાજ્યપાલની જવાબદારી મળવી ઝારખંડના દલિત સમાજ માટે ગૌરવ અને આનંદની બાબત છે. તેમણે વધુમાં કહ્યું કે ભાજપે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને રાષ્ટ્રપતિ તથા રાજ્યપાલ જેવા બંધારણીય પદો સુધી પહોંચાડીને પ્રતિનિધિત્વ આપ્યું છે.








