Bolivia Military Base Explosion: દક્ષિણ અમેરિકાના બોલિવિયામાં 4 સપ્ટેમ્બરના રોજ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રાજધાની લા પાઝથી આશરે 30 કિલોમીટર દૂર વિયાચા વિસ્તારમાં આવેલા એક સૈન્ય મથકમાં જોરદાર વિસ્ફોટ થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, ઘટનામાં ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયા છે, જ્યારે 60થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ફટાકડા અને આતશબાજીની સામગ્રીના સ્ટોરેજમાં વિસ્ફોટ
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ, વિસ્ફોટ બપોરે આશરે 2:30 વાગ્યે થયો હતો. સૈન્ય મથકના જે વિસ્તારમાં વિસ્ફોટ થયો ત્યાં બોલિવિયાના સંરક્ષણ મંત્રાલય દ્વારા સરકારી કાર્યક્રમો અને ઉત્સવોમાં ઉપયોગમાં લેવાતી ફટાકડા અને આતશબાજીની સામગ્રીનો જથ્થો રાખવામાં આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ, અહીં યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા હથિયારો કે દારૂગોળો રાખવામાં આવ્યો નહોતો. જો, કે સ્ટોરેજમાં વિસ્ફોટ કયા ચોક્કસ કારણોસર થયો તે હજુ સ્પષ્ટ થયું નથી. શોર્ટ સર્કિટ, વધુ પડતી ગરમી અથવા અન્ય કોઈ તકનીકી ખામી સહિતના સંભવિત કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
50થી વધુ મકાનોને નુકસાન
સ્થાનિક આરોગ્ય અધિકારી રીટાના જણાવ્યા મુજબ, દુર્ઘટનામાં 10થી 15 લોકોનાં મોતની આશંકા છે અને આશરે 62 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગંભીર રીતે દાઝેલા લોકોને સારવાર માટે લા પાઝની મોટી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આસપાસના 50થી વધુ મકાનોના કાચ તૂટી ગયા હતા અને અન્ય નુકસાન પણ થયું હતું. ઘટના બાદ પોલીસ, એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ તથા રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી.
બીજા વિસ્ફોટનો ખતરો, લોકોને દૂર રહેવાની અપીલ
ફાયર બ્રિગેડના અધિકારીઓએ ઘટનાસ્થળે હજુ પણ ગરમી અને આતશબાજીના અવશેષો હોવાની ચેતવણી આપી છે. જેના કારણે વધુ એક વિસ્ફોટ થવાની સંભાવના નકારી શકાય તેમ નથી. આ જોખમને ધ્યાનમાં રાખીને તંત્રએ સ્થાનિક લોકોને ઘટનાસ્થળથી ઓછામાં ઓછા 150 મીટર દૂર રહેવાની અપીલ કરી છે. સુરક્ષા દળો અને ફાયર બ્રિગેડ દ્વારા વિસ્તારને સુરક્ષિત બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વિસ્ફોટનું ચોક્કસ કારણ શોધવા તપાસ શરૂ
હાલમાં રાહત અને બચાવ કામગીરી સાથે વિસ્ફોટના ચોક્કસ કારણની તપાસ પણ ચાલી રહી છે. અધિકારીઓ દ્વારા સ્ટોરેજમાં રાખવામાં આવેલી સામગ્રી અને ઘટનાસ્થળની પરિસ્થિતિની તપાસ કરવામાં આવી રહી છે. મૃતકો અને ઈજાગ્રસ્તોની અંતિમ સત્તાવાર સંખ્યા અંગે વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે.








