Iran arrives in Pakistan: મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે યોજાનારી શાંતિ મંત્રણાથી પૂર્વે મોહમ્મદ બાઘર ગાલીબાફે અમેરિકાને કડક અને પ્રતીકાત્મક સંદેશ આપ્યો છે. તેહરાન થી ઇસ્લામાબાદ જતાં વિમાનમાં બેસતા પહેલાં તેમણે એક અનોખું દૃશ્ય સર્જ્યું, જે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. માહિતી મુજબ, ઘાલીબાફે વિમાનની ખાલી બેઠકો પર મીનાબ શહેરમાં થયેલા મિસાઇલ હુમલામાં મોતને ભેટેલા બાળકોના ફોટા ગોઠવ્યા હતા. આ સાથે જ તેમણે લોહીથી ખરડાયેલી સ્કૂલ બેગો પણ સીટ પર મુકીને શહીદ થયેલા બાળકોને શ્રદ્ધાંજલિ આપી હતી. ફોટાઓની બાજુમાં પુષ્પગુચ્છો મુકીને તેમણે આ ઘટનાની ગંભીરતા વિશ્વ સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો.
મિસાઇલ હુમલામાં અનેક બાળકોના મોત થયા
ઉલ્લેખનીય છે કે યુદ્ધના શરૂઆતના દિવસે જ મિનાબમાં આવેલી એક શાળા પર થયેલા મિસાઇલ હુમલામાં અનેક બાળકોના મોત થયા હતા અને શાળાની ઇમારતને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ હુમલાને લઈને ઈરાન સતત અમેરિકા અને Israel પર આક્ષેપો કરી રહ્યું છે. વિમાનમાં કરાયેલું આ પ્રદર્શન માત્ર શ્રદ્ધાંજલિ પૂરતું નહોતું, પરંતુ આવનારી શાંતિ મંત્રણામાં ઈરાનના કડક વલણનો સંકેત પણ માનવામાં આવી રહ્યું છે. વિશ્લેષકો માને છે કે આ પગલાં દ્વારા ઈરાન આંતરરાષ્ટ્રીય સમુદાય સામે પોતાની વાતને વધુ અસરકારક રીતે રજૂ કરવા માગે છે.
ભૂતકાળમાં અનેક સંઘર્ષો સાથે જોડાણ રહ્યું
બીજી તરફ, મંત્રણાનું સ્થળ તરીકે ઇસ્લામાબાદ પસંદ કરાયું તે મુદ્દે પણ ચર્ચા શરૂ થઈ છે. કેટલાક નિરીક્ષકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે પાકિસ્તાન જેવા દેશમાં, જેનું ભૂતકાળમાં અનેક સંઘર્ષો સાથે જોડાણ રહ્યું છે, ત્યાં શાંતિ મંત્રણાનું આયોજન કેટલું યોગ્ય છે. આ સમગ્ર ઘટનાક્રમ દર્શાવે છે કે શાંતિ તરફ આગળ વધવા માટેના પ્રયત્નો વચ્ચે પણ ભાવનાત્મક અને રાજકીય સંદેશાઓનું મહત્વ ઓછું નથી, અને આવનારા દિવસોમાં આ મંત્રણાનો પરિણામ વૈશ્વિક રાજનીતિ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.








