Manipur CM: ભારતીય જનતા પાર્ટીના યુમનામ ખેમચંદ સિંહે મણિપુરના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે. મણિપુરના રાજ્યપાલ અજય ભલ્લાએ તેમને લોકભવનમાં પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. મંગળવારે તેમને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ત્યારબાદ બુધવારે બપોરે મણિપુરમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવી દેવામાં આવ્યું હતું, જેના પગલે ભાજપ માટે સરકાર બનાવવાનો માર્ગ મોકળો થયો હતો. ઉલ્લેખનીય છે કે, મણિપુરમાં હિંસા ફાટી નીકળ્યા બાદ છેલ્લા એક વર્ષથી રાષ્ટ્રપતિ શાસન લાગેલું હતું.
બે નાયબ મુખ્યમંત્રી બનાવાયા
ખેમચંદ સિંહની સાથે નેમચા કીપજેન અને લોસી દીખોને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવવામાં આવ્યા છે. આ બંનેને પણ મણિપુરના ગવર્નર અજય ભલ્લાએ લોકભવનમાં શપથ લેવડાવ્યા હતા.
ભૂતકાળ પર એક નજર
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં લાંબા સમય સુધી ચાલેલી વંશીય હિંસા વચ્ચે 9 ફેબ્રુઆરી, 2025ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી એન. બીરેન સિંહે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
કોણ છે ખેમચંદ સિંહ?
ખેમચંદ સિંહ બે ટર્મથી ધારાસભ્ય છે અને તેઓ મેઈતેઈ સમુદાયમાંથી આવે છે. તેમણે વર્ષ 2017 અને ત્યારબાદ 2022માં સતત બે વાર સિંગજમેઈ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતી છે. અગાઉ એન. બીરેન સિંહની સરકારમાં તેમની પાસે ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ જેવા મહત્વના વિભાગોની જવાબદારી હતી. આ ઉપરાંત, વિધાનસભા સ્પીકર તરીકેની તેમની નિષ્પક્ષ કાર્યશૈલીની પણ હાલ ભારે ચર્ચા થઈ રહી છે.








