Diwali Railway Ticket Scam: દિવાળીના તહેવારો અને વેકેશન દરમિયાન પરિવાર સાથે પોતાના વતન કે પ્રવાસે જવાનું આયોજન કરી રહેલા સામાન્ય નાગરિકો માટે કન્ફર્મ રેલવે ટિકિટ મેળવવી લોઢાના ચણા ચાવવા જેવું મુશ્કેલ બની ગયું છે. તહેવારોની સિઝનમાં ટ્રેનોમાં થતી ભારે ભીડ અને મુસાફરોની મજબૂરીનો સીધો ગેરલાભ ઉઠાવીને બુકિંગ એજન્ટો અને દલાલો દ્વારા ટિકિટ બુકિંગ સિસ્ટમમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી રહી છે. આ અંગેની ગંભીર ફરિયાદો હવે રેલવેના ઉચ્ચ અધિકારીઓથી લઈને નવી દિલ્હીમાં રેલવે મંત્રાલય સુધી પહોંચી છે. પ્રાથમિક અહેવાલો મુજબ, ગુજરાતથી ઉત્તર ભારત, જમ્મુ-કટરા, ઉત્તરાખંડ અને દક્ષિણ ભારત તરફ જતી લોકપ્રિય ટ્રેનોમાં બોગસ અને ડમી મુસાફરોના નામે અગાઉથી જ કન્ફર્મ સીટો બુક કરી લેવાનું એક સુવ્યવસ્થિત નેટવર્ક સક્રિય બન્યું છે.
8 વાગ્યે વિન્ડો ખુલતાં જ સર્વર ડાઉન અને 10 મિનિટમાં તમામ સીટો ગાયબ
IRCTCના ઓનલાઈન એડવાન્સ રિઝર્વેશન પીરિયડ (ARP) અંતર્ગત જ્યારે સવારે બરાબર 8:00 વાગ્યે ટિકિટ બુકિંગની વિન્ડો ખુલે છે, ત્યારે સામાન્ય નાગરિકો માટે એક વિચિત્ર સ્થિતિ સર્જાય છે. બુકિંગ શરૂ થતાં જ પોર્ટલ પર અચાનક ભારે લોડ આવી જાય છે અને ટેકનિકલ ખામીઓ સર્જાવા લાગે છે. સવારે 8:01 વાગ્યે જે ટ્રેનોમાં સેંકડો કન્ફર્મ સીટો ઉપલબ્ધ દર્શાવતી હોય છે, તેમાં 8:05 વાગ્યે બુકિંગનો પ્રયાસ કરતા જ 'હાઈ લોડ' કે સર્વર એરરનો મેસેજ આવવા લાગે છે. ત્યારબાદ 8:06 વાગ્યે પેમેન્ટ કે આગળની પ્રક્રિયા વખતે 'અનેબલ ટુ પ્રોસેસ' જેવી નોટિફિકેશનથી યુઝર્સ અટકી પડે છે. પરિણામે, માત્ર 10 જ મિનિટના ગાળામાં એટલે કે 8:10 વાગ્યા સુધીમાં તમામ કન્ફર્મ સીટો ફુલ થઈ જાય છે અને સિસ્ટમમાં 'રિગ્રેટ' કે લાંબુ 'વેઇટિંગ' દર્શાવાય છે. નવાઈની વાત એ છે કે બધી સીટો ભરાઈ ગયા પછી પોર્ટલ એકદમ સ્મૂધ ચાલવા લાગે છે.
ટૂર ઓપરેટરો પાસે 'ગેરંટેડ કન્ફર્મ ટિકિટ' ક્યાંથી? કાળાબજારી અને ભ્રષ્ટાચારની શંકા
એક તરફ જ્યાં પોતાના ઘરના ચાર સભ્યો માટે સામાન્ય નાગરિક ઓનલાઈન કે વિન્ડો પરથી એકપણ કન્ફર્મ ટિકિટ મેળવી શકતો નથી, તો બીજી તરફ કેટલાક ખાનગી ટૂર ઓપરેટરો અને ટિકિટ એજન્ટો ખુલ્લેઆમ 'ગેરંટેડ કન્ફર્મ રેલવે ટિકિટ' સાથેના દિવાળી પ્રવાસ પેકેજ વેચી રહ્યા છે. નિયમ મુજબ ભારતીય રેલવે દ્વારા કોઈપણ ટૂર ઓપરેટરને કોઈ ખાસ કોચ કે અલગ ક્વોટા ફાળવવામાં આવતો નથી, તેમ છતાં આ ઓપરેટરો પાસે સો ટકા કન્ફર્મ ટિકિટો ક્યાંથી આવે છે તે એક મોટો પ્રશ્ન અને તપાસનો વિષય છે. આક્ષેપ એવો છે કે એજન્ટો અગાઉથી ડમી નામો પર ટિકિટો બુક કરી લે છે અને બાદમાં 5 નવેમ્બરથી 25 નવેમ્બર જેવા પીક તહેવારના દિવસોમાં પ્રવાસીઓ પાસેથી તગડી રકમ વસૂલે છે. છેલ્લી ઘડીએ મુસાફરોને બીજાના નામે છાપેલી કન્ફર્મ ટિકિટ પર જોખમી પ્રવાસ કરવા મજબૂર કરાય છે, જે સમગ્ર કૌભાંડમાં રેલવેના જ કેટલાક કર્મચારીઓની મિલીભગત તરફ આંગળી ચીંધે છે.
ગુજરાતથી ઉપડતી આ ટ્રેનો અને રૂટ્સ શંકાના દાયરામાં
આ કૌભાંડનો વ્યાપ કેટલો મોટો છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અમદાવાદ, સાબરમતી, અને ગાંધીનગર જેવા મુખ્ય સ્ટેશનોથી ઉપડતી લાંબા અંતરની ટ્રેનોની ટિકિટો રાજસ્થાન કે અન્ય રાજ્યોના પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) કાઉન્ટર પરથી તથા શંકાસ્પદ એજન્ટ આઈડી દ્વારા બુક કરવામાં આવી રહી છે. રજૂ થયેલી ફરિયાદમાં સાબરમતી-જમ્મુ તાવી, હાપા-કટરા, જામનગર-કટરા, સર્વોદય એક્સપ્રેસ, જમ્મુ તાવી વિવેક એક્સપ્રેસ, ગાંધીનગર કેપિટલ-દૌલતપુર ચોક, આશ્રમ એક્સપ્રેસ, યોગા એક્સપ્રેસ, સાબરમતી-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ તેમજ સાબરમતી-બનારસ સુપરફાસ્ટ સહિત બિહાર અને પશ્ચિમ બંગાળ તરફ જતી તમામ મુખ્ય ટ્રેનોના બુકિંગ ડેટાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માગ કરવામાં આવી છે.
રેલવે તંત્ર અને IRCTC સમક્ષ સઘન તપાસ અને કાર્યવાહીની માંગ
સામાન્ય મુસાફરોના હક પર ત્રાપ મારીને આચરવામાં આવતા આ ટિકિટ કૌભાંડ સામે હવે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તત્કાલ અને સવારના સામાન્ય બુકિંગ સમયે જ સર્વર ડાઉન થઈ જવું અને સોફ્ટવેર કે બોટ (Bot) દ્વારા ટિકિટો બુક થઈ જવી એ માત્ર ટેકનિકલ ખામી નથી પરંતુ આયોજનબદ્ધ આર્થિક ગેરરીતિ છે. મુસાફર હિતરક્ષક સમિતિઓ અને જાગૃત નાગરિકોએ રેલવે વિજિલન્સ અને IRCTC પાસે માગ કરી છે કે તહેવારના દિવસોમાં થયેલા બુકિંગના IP એડ્રેસ, પેમેન્ટ સોર્સ અને મુસાફરોના આઈડી કાર્ડનું આકસ્મિક ચેકિંગ (Surprise Verification) હાથ ધરવામાં આવે, જેથી વાસ્તવિક મુસાફરોને ટિકિટ મળી શકે અને કાળાબજારી કરતું નેટવર્ક પકડાઈ શકે.








