India Weather News: બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર હવે ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને વધુ મજબૂત બનવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ, આ સિસ્ટમ આગામી 24 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે અને ઉત્તર આંધ્ર પ્રદેશ તથા દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા તરફ આગળ વધશે. 23-24 સપ્ટેમ્બરે આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે.
'અર્નબ' નામનું ચક્રવાત બનશે?
Skymetના પૂર્વાનુમાન મુજબ, આ સિસ્ટમમાં વધુ મજબૂત બની ચક્રવાતમાં ફેરવાવાની ક્ષમતા છે. જો તે ચક્રવાતી તોફાનની તીવ્રતા પ્રાપ્ત કરે તો તેનું નામ ‘અર્નબ’ રાખવામાં આવશે. જોકે, હાલ તેની તીવ્રતા અને અંતિમ ટ્રેક અંગે સંપૂર્ણ સ્પષ્ટતા થઈ નથી. IMDના હાલના બુલેટિનમાં તેને ડિપ્રેશન અને આગામી તબક્કામાં ડીપ ડિપ્રેશન તરીકે દર્શાવવામાં આવ્યું છે.
23 સપ્ટેમ્બરે આંધ્ર-ઓડિશા કાંઠે અસર
IMD અનુસાર, ડિપ્રેશન 23 સપ્ટેમ્બરની આસપાસ ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા તરફ આગળ વધશે. ઉત્તર આંધ્ર પ્રદેશમાં 23 અને 24 સપ્ટેમ્બરે અત્યંત ભારે વરસાદ સાથે તેજ પવનની ચેતવણી આપવામાં આવી છે. ઓડિશામાં પણ 22 સપ્ટેમ્બરે ભારે, જ્યારે 23 અને 24 સપ્ટેમ્બરે અત્યંત ભારે વરસાદનું એલર્ટ છે.
8 રાજ્યોમાં વરસાદની અસર
આ હવામાન પ્રણાલીની અસર માત્ર તટીય વિસ્તારો પૂરતી મર્યાદિત રહેવાની નથી. પૂર્વ અને મધ્ય ભારતના અનેક વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિ વધવાની શક્યતા છે. Skymetના પૂર્વાનુમાન મુજબ ઓડિશા, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા ઉપરાંત છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, પૂર્વ મધ્ય પ્રદેશ અને વિદર્ભમાં પણ 23થી 27 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની અસર જોવા મળી શકે છે.
ઓડિશામાં તંત્ર એલર્ટ મોડ પર
ઓડિશા માટે IMDએ 22 સપ્ટેમ્બરે ખૂબ ભારે વરસાદ, 23 અને 24 સપ્ટેમ્બરે અત્યંત ભારે વરસાદ તથા 25 સપ્ટેમ્બરે ખૂબ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને સ્થાનિક સ્તરે પૂર જેવી સ્થિતિનું જોખમ રહેવાની શક્યતા છે. તંત્ર દ્વારા હવામાન વિભાગની ચેતવણીઓનું પાલન કરવા અને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.








