Bangkok havey rain: થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં માત્ર ત્રણ દિવસમાં આખા મહિના જેટલો વરસાદ ખાબકતાં શહેરમાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ, દુકાનો અને રહેણાંક વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાઈ ગયું છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ બેંગકોકને આપત્તિગ્રસ્ત વિસ્તાર જાહેર કર્યો છે. ગયા અઠવાડિયે માત્ર બે-ત્રણ દિવસમાં શહેરમાં રેકોર્ડ 320 મીમી એટલે કે 12.6 ઇંચ વરસાદ નોંધાયો હતો, જે લગભગ સમગ્ર સપ્ટેમ્બર મહિનાના સરેરાશ વરસાદ જેટલો છે.
ભારે વરસાદ અને પૂરના કારણે ઓછામાં ઓછા 8 લોકોનાં મોત
આ પૂરની અસર માત્ર બેંગકોક પૂરતી મર્યાદિત રહી નથી. થાઇલેન્ડના 41 પ્રાંતોમાં ભારે વરસાદ અને પૂરના કારણે ઓછામાં ઓછા 8 લોકોનાં મોત થયા છે, જ્યારે 5.80 લાખથી વધુ ઘરો પ્રભાવિત થયા છે. ગૃહમંત્રી અનસિત સંપુન્થરાટના જણાવ્યા અનુસાર, માત્ર બેંગકોકમાં જ 80 હજારથી વધુ લોકો પોતાના ઘરોમાં ફસાયેલા છે. લગભગ 5,901 લોકોને 234 સ્થળાંતર કેન્દ્રોમાં આશ્રય લેવો પડ્યો છે.
પરિવહન સેવાઓને ભારે અસર થઈ
કમર સુધી પાણી ભરાઈ જતાં બેંગકોકમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. પૂરથી મેટ્રો એટલે કે BTS, કેબ અને ઈ-રિક્ષા જેવી પરિવહન સેવાઓને ભારે અસર થઈ છે. કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થવા સાથે પીવાના પાણીની અછત પણ સર્જાઈ છે. સ્થિતિ એટલી ગંભીર બની છે કે અનેક લોકોને પોતાના પાલતુ પ્રાણીઓ સાથે સુરક્ષિત સ્થળે જવાની ફરજ પડી છે. સુપરમાર્કેટ અને કરિયાણાની દુકાનોમાં પણ જરૂરી ચીજવસ્તુઓની અછત જોવા મળી રહી છે.
બોટની મદદથી લોકોને દૈનિક ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે
પૂરગ્રસ્ત વિસ્તારોમાં ખોરાક પહોંચાડવા માટે રાહત કામગીરી તેજ કરવામાં આવી છે. મોબાઇલ રસોડાં અને બોટની મદદથી લોકોને દૈનિક ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે. ભારે વરસાદ અને પૂર ઉપરાંત ફ્લાઇટમાં વિક્ષેપ સર્જાતા સેંકડો મુસાફરો એરપોર્ટ પર પણ અટવાઈ ગયા છે. ભારતીય પ્રવાસીઓને પણ બિનજરૂરી મુસાફરી ટાળવાની ચેતવણી આપવામાં આવી છે.
327 મિલિયન ડોલરનું આર્થિક નુકસાન થઈ શકે
રંગસિત યુનિવર્સિટીના અર્થશાસ્ત્રીઓના અંદાજ મુજબ, થાઇલેન્ડમાં આવેલા આ પૂરના કારણે ઓછામાં ઓછું 11 અબજ બાહ્ટ એટલે કે આશરે 327 મિલિયન ડોલરનું આર્થિક નુકસાન થઈ શકે છે. પૂર અને તેની અસરને કારણે દેશનો GDP વૃદ્ધિદર ઘટીને 2.1 ટકા સુધી પહોંચવાની પણ ધારણા વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદ વચ્ચે હવે થાઇલેન્ડમાં રાહત અને બચાવ કામગીરી સૌથી મોટો પડકાર બની છે.








