Class 2 Girl Death Balrampur Divine Public School: ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લા મથકે આવેલી ડીવાઈન પબ્લિક સ્કૂલમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં ધોરણ-2માં અભ્યાસ કરતી માસુમ વિદ્યાર્થીની વૈષ્ણવી તિવારીનું વર્ગખંડમાં જ પોતાના સ્થાન પર બેઠા-બેઠા અચાનક જ મોત નિપજ્યું હતું. સોમવારે સવારે લગભગ 11 વાગ્યાના સુમારે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તાર અને શાળા પરિસરમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટના સમયે બાળકી વર્ગખંડમાં અન્ય બાળકો સાથે સામાન્ય રીતે વાતચીત કરી રહી હતી અને અચાનક જ તે બેભાન થઈને ઢળી પડી હતી.
ડીજેના ભારે અવાજને કારણે તબિયત બગડી હોવાનો સ્કૂલ સંચાલકોનો દાવો
સ્કૂલ સંચાલક મંડળના જણાવ્યા અનુસાર આ ઘટના બની તે સમયે શાળાની નજીકથી ગણેશ વિસર્જનની એક શોભાયાત્રા પસાર થઈ રહી હતી. આ યાત્રામાં અત્યંત તીવ્ર અવાજમાં ડીજે વાગી રહ્યું હતું. સંચાલકોનો દાવો છે કે, ડીજેના ધ્રુજારી ઉપજાવતા અને ભારે અવાજના કારણે બાળકીની તબિયત અચાનક લથડી હતી અને તે બેભાન થઈ ગઈ હતી. ડીજેના અવાજથી ઘેરાયેલા વાતાવરણમાં બાળકી ગભરાઈ ગઈ હોવાની અને તેના કારણે તેને શારીરિક તકલીફ થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ કરુણ ઘટના
શાળાના સીસીટીવી કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો અનુસાર સવારે 10.58 વાગ્યે વૈષ્ણવી સંપૂર્ણપણે સામાન્ય સ્થિતિમાં હતી. બહાર વાગી રહેલા ડીજેના અવાજને સાંભળીને વર્ગખંડના બાળકો થોડીવાર માટે નાચવા લાગ્યા હતા. આ દરમિયાન વૈષ્ણવી પણ પોતાની બેંચ પરથી ઊભી થઈ હતી પરંતુ, તરત જ બેસી ગઈ હતી. તે એકવાર લથડાઈ હતી પરંતુ, ક્ષણભરમાં જ પોતાનું સંતુલન સંભાળી લીધું હતું. જોકે, તેના થોડા જ સેકન્ડો પછી તે ફરીથી જમીન પર ઢળી પડી હતી અને ત્યારબાદ ઊભી થઈ શકી નહોતી.
શિક્ષકોએ હોસ્પિટલ પહોંચાડી પરંતુ તબીબોએ મૃત જાહેર કરી
વૈષ્ણવીને જમીન પર પડેલી જોઈને વર્ગખંડના શિક્ષક તાત્કાલિક તેની પાસે દોડી ગયા હતા. તેમણે બાળકીને ઊંચકીને ખુરશી પર બેસાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, તેના શરીરમાં કોઈ હલનચલન નહોતું. શાળાના કર્મચારીઓ અને શિક્ષકો તેને તાત્કાલિક ડિસ્ટ્રિક્ટ મેમોરિયલ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને પરિવારજનોને પણ જાણ કરી હતી. હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં તબીબોએ બાળકીની તપાસ કરી તેને મૃત જાહેર કરી હતી.
પોલીસ તપાસ અને તબીબોનું નિવેદન
હોસ્પિટલના વરિષ્ઠ તબીબ ગિરિધર ચૌહાણના જણાવ્યા અનુસાર બાળકીને મૃત હાલતમાં લાવવામાં આવી હતી, જેથી પોસ્ટમોર્ટમ વગર મોતનું ચોક્કસ કારણ જણાવવું શક્ય નથી. જોકે, પરિવારજનો પોસ્ટમોર્ટમ કરાવ્યા વિના જ મૃતદેહને પોતાના વતન સિદ્ધાર્થનગર લઈ ગયા હતા. બીજી તરફ સીટી સર્કલ ઓફિસર અભિષેક સિંહે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા દ્વારા ડીજેના અવાજથી મોત થયાની માહિતી મળી છે, પરંતુ પોલીસ મથકે કોઈ સત્તાવાર સૂચના આપવામાં આવી નહોતી. પોલીસે આંગણે સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
અવાજ અને સાઉન્ડ પ્રદૂષણથી સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરો
હૃદય અને મગજ પર અસર: તીવ્ર અવાજ (HIGH DECIBEL SOUND) ના કારણે બાળકના હૃદયના ધબકારા અનિયંત્રિત થઈ શકે છે, જેને મેડિકલ ભાષામાં 'ઓકોસ્ટિક શોક' અથવા સાઉન્ડ ટ્રોમા કહે છે.
ધ્વનિ પ્રદૂષણના નિયમો: સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ રહેણાંક અને શૈક્ષણિક વિસ્તાર (Silence Zone) માં નિયત મર્યાદા (50થી 55 ડેસિબલ) થી વધુ અવાજમાં સ્પીકર કે ડીજે વગાડવા પર કાનૂની મનાઈ છે.
બાળકોમાં સાયકોલોજિકલ સ્ટ્રેસ: 85 ડેસિબલથી વધુ અવાજ બાળકોમાં અચાનક ગભરાટ (Panic Attack) અને શ્વાસ લેવામાં તકલીફ ઊભી કરી શકે છે, જે કેટલાક કિસ્સાઓમાં જીવલેણ નીવડી શકે છે.








