Bageshwar Baba West Bengal Durga Puja Controversy: બાગેશ્વર ધામના મુખ્ય પુજારી ધીરેન્દ્ર કૃષ્ણ ગર્ગ ઉર્ફે બાબા બાગેશ્વરે પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાના લિલુઆમાં ત્રણ દિવસીય હનુમંત કથા દરમિયાન હિન્દુઓને નવરાત્રિ અને દુર્ગા પૂજા દરમિયાન શાકાહારી ભોજન અપનાવવાની અપીલ કરી હતી. તેમના આ નિવેદન બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય વિવાદ શરૂ થયો છે. વિપક્ષી પક્ષોનો આરોપ છે કે આવી અપીલ બંગાળની પરંપરાગત ખાનપાનની સંસ્કૃતિમાં દખલ સમાન છે.
ભાજપના પ્રદેશ પ્રમુખે જ બાબા બાગેશ્વરની અપીલ ફગાવી
વિવાદ વચ્ચે પશ્ચિમ બંગાળ ભાજપના પ્રમુખ સામિક ભટ્ટાચાર્યે ધીરેન્દ્ર શાસ્ત્રીનું નામ લીધા વિના તેમની અપીલ સામે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે બંગાળીઓ માછલી અને માંસ કેમ ન ખાઈ શકે? તેમણે સ્વામી વિવેકાનંદના સંદર્ભ સાથે કહ્યું કે માં કાળીને મટન ચઢાવવાની પરંપરાનો પણ ઉલ્લેખ મળે છે. સામિક ભટ્ટાચાર્યે વધુમાં કહ્યું કે પશ્ચિમ બંગાળના લોકો શું ખાશે અને શું પહેરશે તે અંગે કોઈ રાજકીય પક્ષ કે સાધુ ફરમાન જારી કરી શકે નહીં. બંગાળીઓ પોતાની પરંપરા અને સંસ્કૃતિ પ્રમાણે જીવન જીવશે અને બહારથી આવીને કોઈ શું કહે છે તેની ચિંતા કરવાની જરૂર નથી.
લેખક અને અર્થશાસ્ત્રીએ પણ નોંધાવ્યો વિરોધ
આ મામલે પત્રકાર અને લેખક અભિજીત મજૂમદાર તેમજ પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર સંજીવ સાન્યાલે પણ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી હતી. તેમના મતે, શાક્ત હિન્દુ પરંપરામાં માંસાહારનું પણ મહત્વનું સ્થાન છે અને કેટલીક પ્રાચીન પરંપરાઓમાં દુર્ગા પૂજા દરમિયાન દેવીને અર્પણ થતા ભોગમાં માંસનો સમાવેશ થતો આવ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે સમગ્ર વિવાદની સરખામણી સત્યજીત રેની પ્રસિદ્ધ ફિલ્મ ‘મહાપુરુષ’ના કાલ્પનિક પાત્ર ‘બિરિંચી બાબા’ સાથે કરીને કટાક્ષ પણ કર્યા હતા.
દુર્ગા પૂજા માટે રાજ્ય સરકારે જાહેર કરી નવી માર્ગદર્શિકા
વિવાદ વચ્ચે પશ્ચિમ બંગાળ સરકારે આગામી દુર્ગા પૂજાને લઈને વિશેષ નિયમો અને માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. આ મુજબ 16 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર સુધી તહેવારની ઉજવણી થશે અને તમામ મૂર્તિ વિસર્જન 24 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે.
બંગાળમાં નવરાત્રિ દરમિયાન પણ માંસાહાર સામાન્ય
ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોની સરખામણીમાં પશ્ચિમ બંગાળની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ અલગ જોવા મળે છે. બંગાળમાં માછલી અને માંસાહાર પરંપરાગત ખાણીપીણીનો મહત્વનો ભાગ છે અને દુર્ગા પૂજા દરમિયાન પણ ઘણા લોકો માંસાહાર કરતા હોય છે. આ કારણે બાબા બાગેશ્વરની શાકાહારી ભોજન અપનાવવાની અપીલ બાદ બંગાળમાં ધાર્મિક પરંપરા, ખાનપાન અને સાંસ્કૃતિક ઓળખનો મુદ્દો ફરી એકવાર રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.








