Arjun Singh Bangladesh Statement: બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યાના મુદ્દે પશ્ચિમ બંગાળના મંત્રી અર્જુન સિંહે આક્રમક નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે ભારત 16 ડિસેમ્બર સુધીમાં બાંગ્લાદેશ પર કબજો કરી લેશે અને પાડોશી દેશમાં હિન્દુઓની થયેલી હત્યાનો બદલો લેવામાં આવશે. મંગળવારે વાતચીત દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું. અર્જુન સિંહના આ નિવેદનથી ભારત-બાંગ્લાદેશ સંબંધો અને શેખ હસીનાની સંભવિત વાપસીને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે રાજકીય માહોલ ગરમાયો છે.
'હિન્દુઓની હત્યાનો બદલો જરૂર લઈશું'
વાતચીત દરમિયાન અર્જુન સિંહે કહ્યું હતું કે, 'અમે 16 ડિસેમ્બર સુધીમાં બાંગ્લાદેશ પર કબજો કરી લઈશું. હવે બહુ થઈ ગયું, બાંગ્લાદેશને લઈને વધુ કોઈ બહાનું નહીં ચાલે. બાંગ્લાદેશમાં જે રીતે હિન્દુઓની હત્યા કરવામાં આવી છે, અમે તેનો બદલો જરૂર લઈશું, તેમાં કોઈ શંકા નથી.' બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર થઈ રહેલી હિંસાને લઈને તેમણે આક્રમક વલણ વ્યક્ત કર્યું છે.
શેખ હસીનાની વાપસીની અટકળો વચ્ચે નિવેદનથી ગરમાયો માહોલ
અર્જુન સિંહનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે બાંગ્લાદેશનાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની 16 ડિસેમ્બરે સ્વદેશ વાપસીની અટકળો ચાલી રહી છે. અહેવાલો મુજબ, અવામી લીગ દ્વારા શેખ હસીનાને બાંગ્લાદેશ પરત લાવવા માટે ત્યાંની સરકાર પાસે વિમાનની માગ કરવામાં આવી છે. જોકે, આ મામલે બાંગ્લાદેશ સરકારે કડક વલણ અપનાવ્યું છે.
બાંગ્લાદેશ સરકારનો જવાબ: 'હાથકડી પહેરાવીને જ પરત લવાશે'
શેખ હસીનાની સંભવિત વાપસીને લઈને બાંગ્લાદેશના વિદેશ રાજ્યમંત્રી હુમાયુ કબીરે પણ આકરું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે શેખ હસીનાને સામાન્ય રીતે નહીં, પરંતુ કેદીની જેમ જ પરત લાવવામાં આવશે. હુમાયુ કબીરના જણાવ્યા અનુસાર, શેખ હસીનાને હાથકડી પહેરાવીને અને કડક સુરક્ષા દેખરેખ હેઠળ જ બાંગ્લાદેશ પરત આવવા દેવામાં આવશે. આમ, એક તરફ શેખ હસીનાની વાપસીને લઈને રાજકીય ખેંચતાણ ચાલી રહી છે, તો બીજી તરફ હિન્દુઓની હત્યાના મુદ્દે અર્જુન સિંહના નિવેદનથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના તણાવ અંગે નવી ચર્ચા શરૂ થઈ છે.








