Anil ambani bank fraud case: રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (ADAG) સાથે સંકળાયેલા ₹40,000 કરોડના મસમોટા બેંક ફ્રોડ કેસમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય તપાસ એજન્સીઓ CBI અને ED પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે બંને એજન્સીઓ તપાસમાં થઈ રહેલા વિલંબનું કોઈ વ્યાજબી કારણ રજૂ કરી શકી નથી. એજન્સીઓ પહેલેથી જ ઘણો સમય વેડફી ચૂકી છે અને હવે આવી ઢીલાશ જરાય ચલાવી લેવામાં આવશે નહીં. આ ટિપ્પણી સાથે જ દેશના કોર્પોરેટ જગતમાં ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે.
અનિલના વકીલ મુકુલ રોહતગીએ આપી ખાતરી
ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે આ મામલે કડક વલણ અપનાવ્યું છે. અરજદાર અને પૂર્વ IAS અધિકારી ઈ.એ.એસ. શર્માએ અનિલ અંબાણી દેશ છોડીને ભાગી જવાની આશંકા વ્યક્ત કરી હતી. જોકે, અનિલ અંબાણીના વકીલ મુકુલ રોહતગીએ કોર્ટને ખાતરી આપી હતી કે તેમના અસીલ કોર્ટની પરવાનગી વગર વિદેશ જશે નહીં. તેમ છતાં, કોર્ટે રેકોર્ડ પર લીધું છે કે અનિલ અંબાણી પર વિદેશ જવા માટે કાયદાકીય મનાઈ હુકમ રહેશે.
‘અનિલ અંબાણી સામે પહેલેથી જ સર્ક્યુલર જારી કરાયો છે’
સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને માહિતગાર કર્યા હતા કે અનિલ અંબાણી વિરુદ્ધ તપાસ એજન્સીઓએ પહેલેથી જ લુકઆઉટ સર્ક્યુલર (LOC) જારી કરી દીધો છે. આનો અર્થ એ છે કે દેશના તમામ એરપોર્ટ્સ અને એક્ઝિટ પોઈન્ટ્સ પર એલર્ટ છે. મહેતાએ વધુમાં જણાવ્યું કે અનિલ ગ્રુપની કંપનીઓ દ્વારા અંદાજે ₹40,000 કરોડના ફંડનું ‘સાયફનિંગ’ (નાણાં સગેવગે કરવા) કરવામાં આવ્યું હોવાના ગંભીર આરોપો છે.
EDનો દાવો- 8 હજાર કરોડથી વધુની સંપત્તિ થઈ જપ્ત
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે આ કેસમાં ગુના દ્વારા મેળવેલી આવક ₹20,000 કરોડથી વધુ હોવાનો અંદાજ છે. એજન્સી અત્યાર સુધીમાં ₹8,078 કરોડની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત (Attach) કરી ચૂકી છે. કોર્ટે આટલી મોટી રકમ સગેવગે થવાના મામલે મૌખિક રીતે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આ અર્થતંત્ર સાથે જોડાયેલો ગંભીર ગુનો છે.
CBI અને EDએ હવે સ્ટેટસ રિપોર્ટ સોંપવો પડશે
સુપ્રીમ કોર્ટે બંને તપાસ એજન્સીઓને ચાર અઠવાડિયાની આખરી મુદત આપી છે. આ સમયગાળામાં CBI અને ED એ કેસની વર્તમાન સ્થિતિ અંગેનો ‘સ્ટેટસ રિપોર્ટ’ સીલબંધ કવરમાં દાખલ કરવો પડશે. કોર્ટ જાણવા માંગે છે કે આટલા વર્ષોની તપાસ બાદ એજન્સીઓ કયા તારણ પર પહોંચી છે અને ચાર્જશીટ દાખલ કરવામાં કેમ વિલંબ થઈ રહ્યો છે. જો રિપોર્ટ સંતોષકારક નહીં હોય તો કોર્ટ તપાસની દેખરેખ માટે અન્ય આદેશો પણ આપી શકે છે.
બેંકોના નાણાં વસૂલવા માટે કોર્ટનું આકરું વલણ
એક સમયે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાં સામેલ અનિલ અંબાણી માટે હવે કાયદાકીય ફાંસો વધુ મજબૂત બની રહ્યો છે. બેંકોના હજારો કરોડ રૂપિયા ડૂબ્યા હોવાથી સુપ્રીમ કોર્ટ આ મામલે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાના મૂડમાં નથી. આ કેસના પરિણામો દેશના બેંકિંગ સેક્ટર અને અન્ય ડિફોલ્ટર્સ માટે પણ એક મોટો સંદેશ સાબિત થશે. આગામી સુનાવણીમાં એજન્સીઓ જે રિપોર્ટ સોંપશે તેના પરથી અનિલ અંબાણીનું ભવિષ્ય નક્કી થશે.








