દેશ-વિદેશ

ચાલુ ફ્લાઇટમાં પેસેન્જરને ટેપથી બાંધી દીધો! યાત્રીઓને બટકા ભર્યા, મારઝૂડ કરી; અમેરિકામાં ઈમરજન્સી લેન્ડિંગ

7 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
ચાલુ ફ્લાઇટમાં પેસેન્જરને ટેપથી બાંધી દીધો! યાત્રીઓને બટકા ભર્યા, મારઝૂડ કરી; અમેરિકામાં ઈમરજન્સી લેન્ડિંગ

American Airlines Flight 618 Incident: અમેરિકામાં અમેરિકન એરલાઇન્સની એક ફ્લાઇટમાં 67 વર્ષીય મુસાફરે અચાનક ભારે હોબાળો મચાવતા વિમાનમાં અફરાતફરી ફેલાઈ ગઈ હતી. મુસાફરે બાજુમાં બેઠેલા મુસાફર પર હુમલો કર્યો અને બચાવ માટે આવેલી મહિલાને પણ ધક્કો માર્યો હોવાનો આરોપ છે. સ્થિતિ કાબૂ બહાર જતાં ત્રણ મુસાફરોએ તેને કાબૂમાં લીધો હતો. ત્યારબાદ ડક્ટ ટેપ અને ઝિપ ટાઈની મદદથી તેને સીટ સાથે બાંધી દેવામાં આવ્યો હતો. ઘટનાને પગલે ફ્લાઇટને બાલ્ટીમોર ડાયવર્ટ કરીને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.


ચાલુ ફ્લાઇટમાં અચાનક બૂમો પાડવા લાગ્યો
આ ઘટના 3 સપ્ટેમ્બરની રાત્રે અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ 618માં બની હતી. આ ફ્લાઇટ ટેક્સાસના ડલ્લાસ-ફોર્ટ વર્થથી ન્યૂ જર્સીના નેવાર્ક જઈ રહી હતી. રિપોર્ટ્સ અનુસાર, ટેકઓફના આશરે બે કલાક બાદ 67 વર્ષીય મુસાફર અચાનક બૂમો પાડવા લાગ્યો હતો. તે જીસસ અને નરકમાં જવા જેવી વાતો કરતો હતો. ફ્લાઇટ એટેન્ડન્ટે તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે વધુ આક્રમક બની ગયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આરોપ છે કે તેણે એક અશ્વેત ફ્લાઇટ એટેન્ડન્ટ સામે જાતિવાદી અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો અને સમલૈંગિક લોકો વિશે પણ વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી. ત્યારબાદ તેણે નજીક બેઠેલા એક મુસાફર પર હુમલો કર્યો હતો.

ત્રણ મુસાફરો બચાવ માટે આગળ આવ્યા
મુસાફર હિંસક બન્યા બાદ ત્રણ પુરુષ મુસાફરો તેને રોકવા માટે આગળ આવ્યા હતા. તેમાં નિવૃત્ત અધિકારી જુઆન મેજિયાનો પણ સમાવેશ થતો હતો. મેજિયાના જણાવ્યા મુજબ, થોડી જ સેકન્ડમાં વિમાનનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. અચાનક મુસાફર બૂમો પાડવા અને મારપીટ કરવા લાગ્યો હતો. આરોપીને કાબૂમાં લેવાના પ્રયાસ દરમિયાન તેણે મેજિયાના હાથ પર બટકું ભર્યું હોવાનો પણ દાવો છે. સ્થિતિ વધુ વણસતા ફ્લાઇટ ક્રૂએ મુસાફરોને ડક્ટ ટેપ અને ઝિપ ટાઈ આપી હતી.

ડક્ટ ટેપ અને ઝિપ ટાઈથી સીટ સાથે બાંધી દીધો
મુસાફર વારંવાર છૂટવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેથી મુસાફરો અને ક્રૂ મેમ્બર્સે મળીને તેને સીટ પર રોકવા માટે ડક્ટ ટેપ અને ઝિપ ટાઈનો ઉપયોગ કર્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને તસવીરોમાં મુસાફરના હાથ-પગ બાંધેલા જોવા મળી રહ્યા છે. તેના માથાને પણ ટેપની મદદથી સીટના સહારે રાખવામાં આવ્યું હોવાનું વીડિયોમાં દેખાય છે. આ ઘટનામાં મેજિયાના હાથ પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા હતા.

બાલ્ટીમોરમાં ઉતરતા જ પોલીસે કરી અટકાયત
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફ્લાઇટને બાલ્ટીમોર-વોશિંગ્ટન ઇન્ટરનેશનલ થર્ગુડ માર્શલ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. વિમાન લેન્ડ થતાં જ મેરીલેન્ડ ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટી પોલીસે મુસાફરની અટકાયત કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીની ઓળખ 67 વર્ષીય આર્થર લેન લુન્ડિન તરીકે થઈ છે. તે એરિઝોનાના ટક્સનનો રહેવાસી હોવાનું જણાવાયું છે. તેની સામે સેકન્ડ-ડિગ્રી એસોલ્ટ અને ડિસઓર્ડરલી કન્ડક્ટના આરોપો લગાવવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, લુન્ડિનના હાથમાં ખુલ્લો ઘા પણ હતો. પેરામેડિક્સે તેની તપાસ કરી હતી અને સારવાર બાદ તેને મુસાફરી માટે સુરક્ષિત જાહેર કરવામાં આવ્યો હતો.

FBI અને FAA પણ તપાસમાં જોડાયા
સ્થાનિક પોલીસની કાર્યવાહી ઉપરાંત FBI પણ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. આ ઘટનામાં ફેડરલ કાયદા હેઠળ કોઈ ગુનો બને છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. FAA દ્વારા પણ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. કોર્ટ રેકોર્ડ અનુસાર, લુન્ડિન પ્રારંભિક સુનાવણીમાં હાજર થયો હતો અને ત્યારબાદ તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. તેની આગામી સુનાવણી 19 ઓક્ટોબરે નક્કી કરવામાં આવી છે.

રિયલ એસ્ટેટ કંપનીએ નોકરીમાંથી કાઢી મૂક્યો
લુન્ડિન એરિઝોનાની રિયલ એસ્ટેટ કંપની લોંગ રિયાલિટીમાં કામ કરતો હતો. ઘટના સામે આવ્યા બાદ કંપનીએ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો અને પોતાની વેબસાઇટ પરથી તેની પ્રોફાઇલ પણ હટાવી દીધી હતી. અમેરિકન એરલાઇન્સે જણાવ્યું છે કે મુસાફરો અને ક્રૂની સુરક્ષા તેની પ્રાથમિકતા છે. લુન્ડિનને વિમાનમાંથી ઉતાર્યા બાદ ફ્લાઇટે ફરી ઉડાન ભરી હતી અને અંતે નેવાર્કની યાત્રા પૂર્ણ કરી હતી.

Tags:
Shocking Incidentચોંકાવનારી ઘટનાInternational Newsદેશ વિદેશPassenger Assault
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026