Donald Trump Nobel Peace Prize 2026: વર્ષ 2026નો નોબેલ શાંતિ પુરસ્કાર દક્ષિણ આફ્રિકાના ભારતીય (તમિલ) મૂળના પ્રખ્યાત ન્યાયવિદ અને યુએનના પૂર્વ માનવાધિકાર કમિશનર નેવાનાથેમ "નાવી" પિલ્લેને આપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. નોર્વેજિયન નોબેલ કમિટીના આ નિર્ણય બાદ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારે નારાજગી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પર પોતાની ભડાશ કાઢતા ટ્રમ્પે દાવો કર્યો છે કે, તેમણે વૈશ્વિક સ્તરે અનેક યુદ્ધો અટકાવ્યા હોવા છતાં તેમની ઉપેક્ષા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, તેઓ ઓછામાં ઓછા 8 નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવાના હકદાર હતા.
'કોણ છે આ મહિલા? ક્યારેય નામ નથી સાંભળ્યું': ટ્રમ્પ
પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં ટ્રમ્પે નોબેલ વિજેતા નાવી પિલ્લેની યોગ્યતા પર સીધા સવાલો ઉઠાવ્યા હતા. ટ્રમ્પે લખ્યું કે, "આ મહિલા કોણ છે? તેમના વિશે સામાન્ય જનતા કે પછી મેં અગાઉ ક્યારેય કંઈ સાંભળ્યું નથી. તેઓ સ્પષ્ટપણે ઇઝરાયેલ વિરોધી વલણ ધરાવે છે. યુનાઇટેડ નેશન્સમાં કામ કરનાર એક એવા લિબરલ વ્યક્તિને નોબેલ આપી દેવામાં આવ્યો જેના યોગદાન વિશે કોઈને જાણકારી નથી." ટ્રમ્પે ઉમેર્યું કે, આ નિર્ણય નોર્વે દેશના ઇતિહાસ પર ક્યારેય ન ભૂંસાઈ એવો કાળો ડાઘ છે.
ભારત-પાકિસ્તાન સહિત 8 સશસ્ત્ર સંઘર્ષો રોક્યા હોવાનો ટ્રમ્પનો મોટો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે, તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન વૈશ્વિક શાંતિ સ્થાપવા માટે અભૂતપૂર્વ કામગીરી કરી છે. તેમણે જણાવ્યું કે કમ્બોડિયા-થાઇલેન્ડ, કોસોવો-સરબિયા, કોંગો-રવાન્ડા, ઇઝરાયેલ-ઇરાન, ઇજિપ્ત-ઇથોપિયા, આર્મેનિયા-અઝરબૈજાન અને ઇઝરાયેલ-હમાસ ઉપરાંત ભારત અને પાકિસ્તાન વચ્ચેના ભયાનક યુદ્ધને અટકાવવામાં તેમની ભૂમિકા મહત્વની હતી. ટ્રમ્પના મતે, માત્ર ભારત-પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ રોકવાનું સરાહનીય કાર્ય જ નોબેલ પુરસ્કાર આપવા માટે પૂરતું હતું.
વેનેઝુએલા અને મધ્ય પૂર્વમાં બંધકોની મુક્તિનો શ્રેય લીધો
પોતાના સમર્થનમાં વધુ દલીલો આપતા ટ્રમ્પે કહ્યું કે, તેમણે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે મધ્યસ્થી કરીને તમામ જીવંત અને મૃત 28 બંધકોને તેમના પરિવાર સુધી પહોંચાડ્યા છે. આ ઉપરાંત ઇરાનને પરમાણુ હથિયાર બનાવતા રોકવામાં અને મધ્ય પૂર્વને તબાહીથી બચાવવામાં તેઓ સફળ રહ્યા છે. યુરોપમાં ૯૦૦ થી વધુ રાજકીય કેદીઓની મુક્તિ અને વિશ્વભરમાંથી 196 બંધકોને સ્વદેશ પરત લાવવાનો શ્રેય પણ તેમણે પોતાની કૂટનીતિને આપ્યો હતો.
કોણ છે 2026ના નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નાવી પિલ્લે?
બીજી તરફ, નોબેલ કમિટીએ આંતરરાષ્ટ્રીય કાયદા અને માનવાધિકારોના રક્ષણ માટે નાવી પિલ્લેના આજીવન પ્રદાનની પ્રશંસા કરી છે. 85 વર્ષીય નાવી પિલ્લેનો જન્મ દક્ષિણ આફ્રિકાના ડરબનમાં ભારતીય તમિલ પરિવારમાં થયો હતો. તેઓ રંગભેદ વિરોધી ચળવળના સક્રિય નેતા રહ્યા છે અને દક્ષિણ આફ્રિકાની હાઈકોર્ટના પ્રથમ બિન-શ્વેત મહિલા ન્યાયાધીશ બન્યા હતા. તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટના જજ અને યુએન માનવાધિકાર હાઇ કમિશનર તરીકે વૈશ્વિક સ્તરે માનવ અધિકારો માટે અપ્રતિમ કાર્ય કર્યું છે.








