Allahabad High Court: અલ્લાહાબાદ હાઈકોર્ટે એક ચુકાદામાં કહ્યું છે કે, જે પત્ની સારી નોકરી ધરાવે છે અને પોતાનું ગુજરાન ચલાવવા માટે પૂરતું કમાય છે તે સીઆરપીસીની કલમ 125 હેઠળ ગુજરાન ભથ્થાની હકદાર નથી.
હાઈકોર્ટે ફેમિલી કોર્ટનો આદેશ રદ કર્યો
અલ્હાબાદ હાઈકોર્ટે ફેમિલી કોર્ટના તે આદેશને રદ કરી દીધો હતો, જેમાં પતિને પત્નીને દર મહિને ₹5,000 ગુજરાન ભથ્થું આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ફેમિલી કોર્ટે આ ભથ્થું માત્ર આવક સંતુલિત કરવા અને બંને પક્ષો વચ્ચે સમાનતા લાવવાના હેતુથી મંજૂર કર્યું હતું. જોકે, હાઈકોર્ટે નોંધ્યું કે પત્ની ખુદ દર મહિને ₹36,000 કમાતી હતી, જે તેના ભરણપોષણ માટે પૂરતું હતું.
પત્નીએ બેરોજગાર હોવાનો દાવો કર્યો
હાઈકોર્ટે આ કેસમાં પત્નીના વર્તન પર પણ ગંભીર ટિપ્પણી કરી હતી. શરૂઆતમાં પત્નીએ ફેમિલી કોર્ટમાં પોતે બેરોજગાર અને અભણ હોવાનો ખોટો દાવો કર્યો હતો, જ્યારે વાસ્તવિક રેકોર્ડ દર્શાવે છે કે તે પોસ્ટ ગ્રેજ્યુએટ છે અને એક કંપનીમાં સીનિયર સેલ્સ કોઓર્ડિનેટર તરીકે દર મહિને ₹36,000નો પગાર મેળવી રહી છે.
ભરણપોષણ માટે અસમર્થ હોય તો જ ભથ્થું આપી શકાય
હાઈકોર્ટે સીઆરપીસીની કલમ 125ની મૂળભૂત જોગવાઈઓ અને વ્યાખ્યા પર ભાર મૂક્યો હતો. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, કલમ 125 હેઠળ પત્નીને ગુજરાન ભથ્થું ત્યારે જ આપી શકાય, જ્યારે તે પોતાનું ભરણપોષણ કરવામાં અસમર્થ હોય. આ કેસમાં પત્નીએ પોતે જ સ્વીકાર્યું હતું કે તે દર મહિને ₹36,000 કમાય છે, જે તેને ગુજરાન ભથ્થા માટેની પાત્રતામાંથી બહાર કાઢે છે.
વૃદ્ધ માતા-પિતાની જવાબદારી અને સામાજિક જવાબદારીઓ
કોર્ટે આદેશમાં પતિ પરની જવાબદારીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે કહ્યું કે, જે પત્ની પર બીજી કોઈ નાણાકીય જવાબદારી નથી, તેના માટે ₹36,000ની રકમ ઓછી ન કહી શકાય. તેનાથી વિપરીત, પતિ પર તેના વૃદ્ધ માતા-પિતાની અને અન્ય સામાજિક જવાબદારીઓ પૂર્ણ કરવાનો વધારાનો બોજ છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને પતિને ભથ્થું ચૂકવવાનો આદેશ અન્યાયી ગણાય.
ભરણપોષણ કરી શકતી કમાઉ મહિલા હકદાર નહીં
ચુકાદાનો સાર આપતા કોર્ટે કહ્યું કે, કલમ 125(1)(a) હેઠળ પત્ની તેના પતિ પાસેથી કોઈપણ ગુજરાન ભથ્થું મેળવવા માટે હકદાર નથી, કારણ કે તે એક કમાનાર મહિલા છે અને પોતાનું ભરણપોષણ કરી શકે છે. હાઈકોર્ટના આ ચુકાદાથી હવે તેવા કેસોમાં સ્પષ્ટતા મળશે, જ્યાં પત્નીઓ સક્ષમ હોવા છતાં પતિ પાસેથી ભરણપોષણની માગણી કરે છે.








