Air India plane fails to land: લખનઉના ચૌધરી ચરણ સિંહ (અમૌસી) એરપોર્ટ પર દિલ્હીથી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-1717ને લેન્ડિંગ પહેલાં અચાનક ‘Go-Around’ કરવું પડ્યું હતું. મળતી માહિતી મુજબ, કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પણ આ જ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા. લેન્ડિંગની પ્રક્રિયા દરમિયાન પાયલોટે સુરક્ષાને પ્રાથમિકતા આપતાં વિમાનને રનવે પરથી ઉતારવાને બદલે ફરી ઊંચાઈ પર લઈ જવાનો નિર્ણય લીધો હતો.
પાયલોટ દ્વારા Go-Around પ્રક્રિયા હાથ ધરવામાં આવે
પ્રથમ લેન્ડિંગ પ્રયાસ દરમિયાન વિમાનનો એપ્રોચ ‘અનસ્ટેબલ’ જણાયો હતો. આવી સ્થિતિમાં વિમાનનું લેન્ડિંગ ચાલુ રાખવાને બદલે પાયલોટ દ્વારા Go-Around પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. પાયલોટે વિમાનને ફરી ઊંચાઈ પર લઈ જઈને બીજા પ્રયાસ માટે યોગ્ય સ્થિતિ તૈયાર કરી હતી. ત્યારબાદ સેફ એપ્રોચ સાથે વિમાનને ફરી એરપોર્ટ તરફ લાવવામાં આવ્યું હતું.
Go-Around કરવું સામાન્ય એર સેફ્ટી પ્રક્રિયાનો ભાગ
બીજા પ્રયાસમાં એર ઇન્ડિયાની ફ્લાઇટનું લખનઉ એરપોર્ટના રનવે પર સફળતાપૂર્વક અને સુરક્ષિત લેન્ડિંગ થયું હતું. એરપોર્ટ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, અનસ્ટેબલ એપ્રોચ દરમિયાન Go-Around કરવું સામાન્ય એર સેફ્ટી પ્રક્રિયાનો ભાગ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય પાયલોટને લેન્ડિંગ માટે વધુ અનુકૂળ અને સુરક્ષિત સ્થિતિ મેળવવાની તક આપવાનો હોય છે.
જાનહાનિ કે અન્ય નુકસાન થયું હોવાની માહિતી સામે આવી
વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થયા બાદ તેમાં સવાર રાહુલ ગાંધી સહિત તમામ મુસાફરોએ રાહત અનુભવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે અન્ય નુકસાન થયું હોવાની માહિતી સામે આવી નથી. પાયલોટ દ્વારા સમયસર લેવામાં આવેલા સુરક્ષાત્મક નિર્ણયને કારણે ફ્લાઇટનું લેન્ડિંગ બીજા પ્રયાસમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.








