Air India Express Emergency Landing Lucknow: વારાણસીથી દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટનું ગુરુવારે સવારે લખનૌના ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. મળતી માહિતી મુજબ વિમાન હવામાં હતું ત્યારે તેના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં ધુમાડો હોવાનું દર્શાવતું સ્મોક ડિટેક્શન એલાર્મ વાગવા લાગ્યું હતું. જે બાદ પાઇલટે સમયસૂચકતા વાપરી તુરંત લખનૌ એર ટ્રાફિક કન્ટ્રોલ (ATC)નો સંપર્ક કર્યો હતો અને ઈમરજન્સી લેન્ડિંગની પરવાનગી માગી હતી.
બનાવની ગંભીરતા જોઈ ફાયર બ્રિગેડ અને ટેકનિકલ ટીમ તૈનાત
ATCમાંથી લીલી ઝંડી મળતા જ પાઇલટે વિમાનને સુરક્ષિત રીતે લખનૌ એરપોર્ટ પર લેન્ડ કરાવ્યું હતું. વિમાન નીચે ઊતરતાની સાથે જ એરપોર્ટની રિસ્પોન્સ ટીમ, ફાયર બ્રિગેડની ગાડીઓ અને ટેકનિકલ એક્સપર્ટ્સની ટીમે મોરચો સંભાળી લીધો હતો. આ વિમાને (ફ્લાઇટ નંબર IX 1253) વારાણસી એરપોર્ટથી ગુરુવારે સવારે 8.00 વાગ્યે ટેક-ઓફ કર્યું હતું. ટેક-ઓફના થોડા સમય બાદ એલાર્મ વાગતાં સવારે 8.52 વાગ્યે લખનૌ લેન્ડ કરાયું હતું.
155 મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત રીતે બહાર કઢાયા
સવારે 9.02 વાગ્યે તમામ 155 મુસાફરો અને ક્રૂ સભ્યોને વિમાનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ટેક્નિકલ ટીમે વિમાનની ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. પ્રાથમિક તપાસમાં વિમાનમાં કે કાર્ગો વિસ્તારમાં ધુમાડા કે આગનો કોઈ પુરાવો મળ્યો નહોતો. ધુમાડો ન હોવા છતાં એલાર્મ કેમ વાગ્યું (ફોલ્સ એલાર્મ) તે અંગે ટેકનિકલ નિષ્ણાતો દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
છેલ્લા 2 વર્ષમાં ઉત્તર પ્રદેશમાં બનેલી મુખ્ય એવિએશન ઘટનાઓ
19 ઓગસ્ટ, 2026: ગોરખપુર એરપોર્ટ પર ઇન્ડિગો પ્લેનનું ટેલ-સ્ટ્રાઇક (પાછળનો ભાગ જમીન સાથે અથડાયો), બાદમાં સુરક્ષિત લેન્ડિંગ.
21 જાન્યુઆરી, 2026: પ્રયાણગરાજમાં વાયુસેનાનું ટ્રેનર પ્લેન ટેકનિકલ ખામીના કારણે તળાવમાં લેન્ડ કરાવવું પડ્યું, બંને પાઇલટ પેરાશૂટથી બચી ગયા.
12 નવેમ્બર, 2025: મુંબઈ-વારાણસી એર ઇન્ડિયા ફ્લાઇટને બોમ્બની ધમકી મળતાં વારાણસીમાં ઈમરજન્સી લેન્ડિંગ.
14 સપ્ટેમ્બર, 2025: દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું ટેકનિકલ ખામીના કારણે લખનૌમાં ઇમરજન્સી લેન્ડિંગ (151 મુસાફરો).
25 મે, 2025: દિલ્હી-વારાણસી ઇન્ડિગો ફ્લાઇટનું સુરક્ષા કારણોસર વારાણસીમાં ઉતારણ.
6 મે, 2025: મુંબઈ-ગોરખપુર ઇન્ડિગો ફ્લાઇટમાં ખામી સર્જાતાં મુંબઈ પરત ફરવું પડ્યું (190 મુસાફરો).
કાર્ગો સ્મોક ડિટેક્શન અને પ્લેન સેફ્ટી અંગે વિશેષ માહિતી
કાર્ગો સ્મોક ડિટેક્શન સિસ્ટમ (Cargo Smoke Detection): આધુનિક કોમર્શિયલ વિમાનોના બેગેજ/કાર્ગો હોલ્ડમાં ઓપ્ટિકલ સ્મોક ડિટેક્ટર્સ લાગેલા હોય છે. ક્યારેક ભેજ, ધૂળના રજકણો અથવા સેન્સરની ટેકનિકલ ખામી (Faulty Sensor)ના કારણે ધુમાડો ન હોવા છતાં 'ફોલ્સ એલાર્મ' (False Alarm) વાગી જતું હોય છે.
SOP અને પ્રોટોકોલ: એવિએશન નિયમો મુજબ, હવામાં સ્મોક એલાર્મ વાગે એટલે પાઇલટે તેને 'રિયલ ઇમરજન્સી' સમજીને નજીકના ઉપલબ્ધ એરપોર્ટ પર નિર્ણય લઈને લેન્ડિંગ કરાવવું ફરજિયાત હોય છે.
DGCA દ્વારા તપાસ: નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA) દ્વારા આવી દરેક ઈમરજન્સી લેન્ડિંગ ઘટનાઓની સ્વતંત્ર તપાસ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં ફ્લાઇટ સેફ્ટી જાળવી શકાય.








