National herald case: નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને નેતા વિપક્ષ રાહુલ ગાંધીને કોર્ટ તરફથી રાહત મળતા રાજનીતિ ગરમાઈ છે. આ મુદ્દાને લઈ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ અમદાવાદમાં ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલય પર જવાની તૈયારી કરતા પોલીસે અમિત ચાવડા સહિતના નેતાઓને ડીટેઈન કર્યા હતા. આ સમયે કાર્યકર્તા પોલીસ વચ્ચે ઝપાઝપીના દૃશ્યો સર્જાયા હતા. અમિત ચાવડાએ કહ્યું હતું કે, કોંગ્રેસ અંગ્રેજો સામે લડી હતી અને ઝૂકી નહોતી. હવે રાહુલ ગાંધીના નેતૃત્વમાં નવા અંગ્રેજો સામે નવી લડાઈ શરૂ કરવામાં આવી છે. જેમાં પણ કોંગ્રેસ ક્યારેય ઝૂકશે નહીં.
'સત્યમેવ જયતે'ના નારા સાથે પદયાત્રા યોજવામાં આવી
નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના સિનિયર નેતા અને દેશના વિપક્ષના નેતા રાહુલ ગાંધીને કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી હતી. જેને લઇને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે 'સત્યમેવ જયતે'ના નાદ સાથે પદયાત્રાનું આયોજન અમદાવાદના નેહરુબ્રિજ ખાતે કરવામાં આવ્યું હતું. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ અને કાર્યકર્તાઓ પદયાત્રામાં જોડાયા હતા. શહેર અને પ્રદેશના નેતાઓ કાર્યકર્તાઓ સાથે ચાલતા ચાલતા નેહરુ બ્રિજથી ખાનપુર ભાજપ કાર્યાલય તરફ જઈ રહ્યા હતા. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓને પોલીસ સાથે થોડું ઘર્ષણ પણ થયું હતું.
ખાનપુર ભાજપ કાર્યાલય પહોંચે તે પહેલા ડીટેઈન કરાયા
કોંગ્રેસના નેતાઓને કાર્યકર્તાઓ દ્વારા હાથમાં બેનરો લઈને પદયાત્રા યોજવામાં આવી હતી. સત્યમેવ જયતે, ભય વગરની રાજનીતિ કોંગ્રેસની ઓળખ, દેશ બંધારણથી ચાલશે સરકારી એજન્સીઓના દૂર ઉપયોગથી નહીં એવા બેનરો સાથે કોંગ્રેસ દ્વારા પદયાત્રા યોજવામાં આવી હતી. જોકે ખાનપુર ભાજપ કાર્યાલય સુધી રેલી પહોંચે તે પહેલા જ પોલીસ દ્વારા તેઓની અટકાયત કરી લેવામાં આવી હતી.
અમે ડરવાના અને ઝૂકવાના નથી: અમિત ચાવડા
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આ એ કોંગ્રેસ છે જે અંગ્રેજો સામે લડ્યા હતા અને ઝૂક્યા નહોતા. આ રાહુલ ગાંધીના નેતૃત્વમાં નવા અંગ્રેજો સામે નવી લડાઈ શરૂ થઈ છે. આખરે સત્યનો વિજય થયો છે. ભાજપ સરકારની જે મેલી મનસા હતી તે બળ નથી આવી. આ આઝાદીની નવી લડાઈ છે. ડરાવવા ધમકાવવાની રાજનીતિ લાંબી નહીં ચાલે. આજે પણ લડીશું, કાલે પણ લડીશું. અમે ડરવાના અને ઝૂકવાના નથી.
2000થી વધુની સંપત્તિ હડપવાનો આરોપ
ઉલ્લેખનીય છે કે નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ અને સોનિયા ઉપરાંત સુમન દુબે, સેમ પિત્રોડા, યંગ ઇન્ડિયન, ડોટેક્સ મર્ચન્ડાઇઝ અને સુનીલ ભંડારી આરોપી છે. તેમના પર નેશનલ હેરાલ્ડ અખબારના પ્રકાશક, એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) કંપનીની ₹2,000 કરોડથી વધુની સંપત્તિ હડપવાનો આરોપ છે.








