Delhi AIIMS News: ભારતીય આરોગ્ય ક્ષેત્ર માટે વર્ષ 2026 ઐતિહાસિક સિદ્ધિઓ લઈને આવ્યું છે. બ્રાન્ડ ફાઈનાન્સ દ્વારા જાહેર કરવામાં આવેલા ‘ગ્લોબલ ટોપ 250 હોસ્પિટલ રેન્કિંગ’માં ભારતની પ્રતિષ્ઠિત સંસ્થા AIIMS દિલ્હીએ વિશ્વની શ્રેષ્ઠ હોસ્પિટલોની યાદીમાં છઠ્ઠું સ્થાન પ્રાપ્ત કરીને નવો ઈતિહાસ રચ્યો છે. સરકારી આરોગ્ય તંત્રની ક્ષમતા પર સવાલ ઉઠાવનારાઓ માટે આ એક જડબાતોડ જવાબ છે. આ યાદીમાં માત્ર AIIMS જ નહીં, પણ કેન્સરની સારવાર માટે દુનિયાભરમાં જાણીતું મુંબઈનું ટાટા મેમોરિયલ સેન્ટર પણ 13મા ક્રમે સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે. આ સિદ્ધિ ભારતને મેડિકલ ટુરિઝમના ગ્લોબલ હબ તરીકે સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
કેવી રીતે નક્કી થયો રેન્કિંગ?
આ આંતરરાષ્ટ્રીય રેન્કિંગ કોઈ સામાન્ય પ્રક્રિયા નથી. વિશ્વની પ્રતિષ્ઠિત હોસ્પિટલ બ્રાન્ડ્સનું મૂલ્યાંકન કરવા માટે અત્યંત કડક માપદંડો નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં સારવારની ગુણવત્તા, સંશોધન અને ઇનોવેશન, દર્દીઓનો સંતોષ અને બ્રાન્ડની વિશ્વસનીયતા જેવા પાસાઓનો સમાવેશ થાય છે. AIIMS દિલ્હીએ આ તમામ ક્ષેત્રોમાં અમેરિકા અને યુરોપની મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલોને પછાડીને ટોપ-10માં સ્થાન બનાવ્યું છે. તે સાબિત કરે છે કે ભારતની જાહેર આરોગ્ય વ્યવસ્થા હવે વિશ્વસ્તરીય ટેકનોલોજી અને નિષ્ણાત તબીબો સાથે સજ્જ છે.
13માં ક્રમે સ્થાન મેળવી મુંબઈની સંસ્થાએ વૈશ્વિક માન્યતા પ્રાપ્ત કરી
કેન્સર સામેની જંગમાં ટાટા મેમોરિયલ સેન્ટરનું યોગદાન હવે આખી દુનિયાએ સ્વીકાર્યું છે. રેન્કિંગમાં 13મું સ્થાન મેળવનાર આ સંસ્થાએ જટિલ શસ્ત્રક્રિયાઓ અને સસ્તા દરે ગુણવત્તાયુક્ત સારવાર આપવામાં વિશ્વમાં ડંકો વગાડ્યો છે. બ્રાન્ડ ફાઈનાન્સના રિપોર્ટ મુજબ, ટાટા મેમોરિયલની સંશોધન પ્રવૃત્તિઓ અને માનવીય અભિગમે તેને રેન્કિંગમાં ઉપર લાવવામાં મદદ કરી છે. ભારતના બે મેડિકલ કેન્દ્રોનું ટોપ-15માં હોવું એ દર્શાવે છે કે જટિલ રોગોની સારવાર માટે હવે દુનિયાની નજર ભારત તરફ છે.
જૉન્સ હૉપકિન્સ મેડિસિન દુનિયામાં ટોચ પર
વર્ષ 2026ની આ યાદીમાં અમેરિકાની પ્રખ્યાત ‘જૉન્સ હૉપકિન્સ મેડિસિન’ સંસ્થા પ્રથમ ક્રમે રહી છે. જોકે, ભારત માટે હકારાત્મક બાબત એ છે કે પ્રથમ ક્રમ અને AIIMS (છઠ્ઠો ક્રમ) વચ્ચેના સ્કોરમાં હવે બહુ મોટો તફાવત રહ્યો નથી. ભારતની જાહેર આરોગ્ય સંસ્થાઓ જે રીતે ઝડપથી આગળ વધી રહી છે, તે જોતા નિષ્ણાતો માની રહ્યા છે કે આગામી વર્ષોમાં ભારતીય હોસ્પિટલો ટોપ-3માં સ્થાન મેળવે તો નવાઈ નહીં. અમેરિકા અને બ્રિટન જેવી મહાસત્તાઓની સંસ્થાઓની હરોળમાં ભારતની મજબૂત હાજરીએ વૈશ્વિક હેલ્થકેર નકશા પર ભારતનું કદ વધાર્યું છે.
મધ્યમ વર્ગની આશાનું કેન્દ્ર એવું AIIMS હવે ગ્લોબલ બ્રાન્ડ
AIIMS દિલ્હીની આ સફળતા માત્ર આંકડાકીય નથી, પણ કરોડો ભારતીયોના વિશ્વાસની જીત છે. સરકારી હોસ્પિટલ હોવા છતાં, ખાનગી કોર્પોરેટ હોસ્પિટલો જેવી સુવિધાઓ અને વિશ્વના શ્રેષ્ઠ તબીબો દ્વારા થતું સંશોધન તેને અલગ તારે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ સિદ્ધિને બિરદાવતા તેને ‘વિકસિત ભારત’ તરફનું વધુ એક પગલું ગણાવ્યું છે. પબ્લિક હેલ્થ સેક્ટરમાં ભારતનું આ પર્ફોર્મન્સ આવનારા સમયમાં દેશની આરોગ્ય નીતિઓ માટે માર્ગદર્શક સાબિત થશે.








