125 year heat record broken: અલ નીનોની અસર વચ્ચે દેશમાં વરસાદની અછત જોવા મળી રહી છે. બીજી તરફ, કેટલાક રાજ્યોમાં ભારે ગરમી પડવાની પણ આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, વર્ષ 2026નો ઓગસ્ટ મહિનો 1901 પછીનો એટલે કે છેલ્લા 125 વર્ષમાં સૌથી ગરમ ઓગસ્ટ રહ્યો છે. ઓગસ્ટ દરમિયાન દેશનું સરેરાશ તાપમાન 28.01 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય સરેરાશ 27.34 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઘણું વધારે છે. હવે સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાની શક્યતા છે. જેના કારણે દેશના અનેક વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહી શકે છે.
અલ નીનોની અસરથી વધ્યો ગરમી અને સૂકાનો ખતરો
હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મોહાપાત્રાના જણાવ્યા અનુસાર, ઓગસ્ટ 2026 દરમિયાન સરેરાશ તાપમાન 28.01 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. એટલું જ નહીં, રાત્રિનું સરેરાશ લઘુત્તમ તાપમાન પણ 24.36 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની સપાટીના તાપમાનમાં વધારો થયો છે અને અલ નીનોની સ્થિતિ વધુ મજબૂત થવાની શક્યતા છે. તેની અસર ભારતીય ચોમાસા પર પણ પડી રહી છે, જેના કારણે આગામી સમયમાં વરસાદની અછત અને ગરમીનો સામનો કરવો પડી શકે છે.
સપ્ટેમ્બરમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડશે
IMDના અનુમાન પ્રમાણે સપ્ટેમ્બર મહિનામાં સમગ્ર દેશમાં કુલ વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની શક્યતા છે. સપ્ટેમ્બર મહિનાનો લાંબા ગાળાનો સરેરાશ વરસાદ (LPA) આશરે 167.9 મિમી છે. પરંતુ આ વખતે વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની આગાહી કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનામાં પણ દેશમાં માત્ર 213.3 મિમી વરસાદ નોંધાયો હતો, જે વર્ષ 2001 પછીનો સાતમો સૌથી ઓછો ઓગસ્ટ વરસાદ છે. ખાસ વાત એ છે કે ઓગસ્ટ દરમિયાન ચાર લો-પ્રેશર સિસ્ટમ બની હતી અને તે કુલ 26 દિવસ સુધી સક્રિય રહી હતી. તેમ છતાં તેની અસર મુખ્યત્વે ગંગાના મેદાની વિસ્તારો સુધી મર્યાદિત રહી હતી. દેશના અન્ય ઘણા વિસ્તારોમાં વરસાદની અછત જોવા મળી હતી.
દિવસમાં ગરમી અને રાતે પણ રાહત નહીં મળે
સપ્ટેમ્બર મહિનામાં માત્ર વરસાદની અછત જ નહીં, પરંતુ દિવસનું મહત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં ઊંચું રહેવાની શક્યતા છે. એટલે કે દિવસ દરમિયાન તડકો અને ગરમી વધુ અનુભવાઈ શકે છે, જ્યારે રાત્રે પણ તાપમાનમાં ખાસ ઘટાડો નહીં થાય. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે, આગામી દિવસોમાં દેશના અનેક વિસ્તારોમાં હોટ અને ડ્રાય ફેઝ જોવા મળી શકે છે. ઓછો વરસાદ અને વધતું તાપમાન ખેતી, પાણીની ઉપલબ્ધતા અને સામાન્ય જનજીવન માટે પડકારરૂપ બની શકે છે.








