Cardiff Summit Threatens To Break 300 Year Old United Kingdom: યુનાઇટેડ કિંગડમ (UK)ના 300થી વધુ વર્ષ જૂના યુનિયન સામે હાલ સૌથી મોટું બંધારણીય સંકટ ઊભું થયું છે. સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તરી આયર્લેન્ડની ડેવોલ્વ્ડ સરકારોના નેતાઓએ લંડન સ્થિત વેસ્ટમિન્સ્ટર સરકાર સામે સીધો મોરચો ખોલ્યો છે. વેલ્સની રાજધાની કાર્ડિફમાં સેન્ટ ડેવિડ્સ હોટેલ અને ‘સેનેડ’ ખાતે યોજાયેલી અભૂતપૂર્વ કોન્ફરન્સમાં ત્રણેય દેશોના નેતાઓ ઐતિહાસિક સંયુક્ત ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરી રહ્યા છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય પોતાના વિસ્તારોમાં આઝાદી અને સ્વ-નિર્ણય માટે લોકમત યોજવાના અધિકાર પર લંડનનો વીટો ખતમ કરવાનો છે.
ત્રણેય પ્રદેશોમાં એકસાથે રાષ્ટ્રવાદી પક્ષોની સત્તા
યુકેના રાજકીય ઇતિહાસમાં આ એક મહત્વપૂર્ણ વળાંક માનવામાં આવી રહ્યો છે. પહેલીવાર ત્રણેય બિન-અંગ્રેજ પ્રદેશોમાં અલગતાવાદી અથવા રાષ્ટ્રવાદી પક્ષો સત્તામાં છે. સ્કોટલેન્ડમાં ફર્સ્ટ મિનિસ્ટર જોન સ્વિનીના નેતૃત્વ હેઠળ સ્કોટિશ નેશનલ પાર્ટી સત્તામાં છે. સ્વિનીએ લંડનની કેન્દ્રીય વ્યવસ્થાને નિષ્ફળ ગણાવી છે અને દાવો કર્યો છે કે બ્રિટિશ વડાપ્રધાન એન્ડી બર્નહામને ઇતિહાસ ‘યુનાઇટેડ કિંગડમના અંતિમ વડાપ્રધાન’ તરીકે યાદ કરી શકે છે. વેલ્સમાં રૂન એપ્પ લોવર્થના નેતૃત્વ હેઠળ પ્લાઇડ કિમરૂ પક્ષ વેલ્સની સ્વાયત્તતા અને આઝાદીના મુદ્દે વધુ આક્રમક વલણ અપનાવી રહ્યો છે. જ્યારે ઉત્તરી આયર્લેન્ડમાં ફર્સ્ટ મિનિસ્ટર મિશેલ ઓ’નીલ અને રિપબ્લિક ઓફ આયર્લેન્ડના વિરોધ પક્ષના નેતા મેરી લૂ મેકડોનાલ્ડ આયર્લેન્ડના પુનઃ એકીકરણની માંગને વેગ આપી રહ્યા છે.
બ્રેક્ઝિટથી આત્મ-નિર્ણયના અધિકાર સુધી
ત્રણેય પ્રદેશોમાં વધી રહેલી અલગતાવાદી ચળવળ પાછળ વર્ષોથી ચાલતા રાજકીય અને આર્થિક કારણો છે. 2016ના બ્રેક્ઝિટ જનમત સંગ્રહમાં સ્કોટલેન્ડ અને ઉત્તરી આયર્લેન્ડના બહુમતી મતદારોએ યુરોપિયન યુનિયનમાં રહેવાની તરફેણ કરી હતી. જોકે સમગ્ર યુકેમાં ઈંગ્લેન્ડના બહુમતી મતને કારણે બ્રિટન EUમાંથી બહાર નીકળ્યું. ત્યારથી આ પ્રદેશોમાં લંડન સામે અસંતોષ વધ્યો હોવાનો દાવો કરવામાં આવે છે. સ્કોટલેન્ડમાં 2014ના સ્વતંત્રતા જનમત સંગ્રહમાં 55 ટકા મતદારોએ યુકે સાથે રહેવાની અને 45 ટકાએ આઝાદીની તરફેણ કરી હતી. જોકે બદલાયેલા રાજકીય સંજોગો વચ્ચે સ્કોટિશ સરકાર ફરીથી જનમત સંગ્રહની માંગ કરી રહી છે. આ માંગને વેસ્ટમિન્સ્ટર અને બ્રિટનની સુપ્રીમ કોર્ટ તરફથી અવરોધનો સામનો કરવો પડ્યો છે.
ઉત્તરી આયર્લેન્ડ પાસે આયર્લેન્ડ સાથે જોડાવાનો કાયદેસર રસ્તો
ઉત્તરી આયર્લેન્ડનો મુદ્દો થોડો અલગ છે. ગુડ ફ્રાઇડે એગ્રીમેન્ટ હેઠળ જો બહુમતી જનતા ઇચ્છે તો બોર્ડર પોલ મારફતે ઉત્તરી આયર્લેન્ડને આયર્લેન્ડ ગણરાજ્ય સાથે જોડવાનો રસ્તો ઉપલબ્ધ છે. આ જોગવાઈને કારણે ત્યાં આયર્લેન્ડના પુનઃ એકીકરણની માંગ સતત રાજકીય ચર્ચાનો મહત્વપૂર્ણ મુદ્દો બની રહી છે.
એન્ડી બર્નહામ પર દબાણ, ટ્રમ્પના નિવેદનથી પણ ચર્ચા તેજ
આ સમગ્ર સંકટ વચ્ચે બ્રિટનના વડાપ્રધાન એન્ડી બર્નહામ પર પણ રાજકીય દબાણ વધી રહ્યું છે. બર્નહામે અગાઉ સંસદમાં જણાવ્યું હતું કે જો સ્કોટલેન્ડની જનતામાં અલગ થવા અંગે સ્પષ્ટ જનમત જોવા મળે, તો લોકશાહી પ્રક્રિયા હેઠળ રેફરેન્ડમના અધિકારને નકારી શકાય નહીં. બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડબલિન પ્રવાસ દરમિયાન ઉત્તરી આયર્લેન્ડના આયર્લેન્ડ ગણરાજ્ય સાથે પુનઃ એકીકરણ અંગે સકારાત્મક ટિપ્પણી કરી હતી. ટ્રમ્પના આ નિવેદનને કારણે આયરિશ રાષ્ટ્રવાદીઓમાં પણ ઉત્સાહ વધ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કાર્ડિફ સમિટ બાદ જો સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તરી આયર્લેન્ડ સંયુક્ત રીતે લંડન સરકાર સામે અસહકાર અથવા સમાંતર કાનૂની લડતનો માર્ગ અપનાવે છે, તો આગામી વર્ષોમાં ‘યુનાઇટેડ કિંગડમ’ના રાજકીય અને ભૌગોલિક ભવિષ્ય અંગેની ચર્ચા વધુ ઉગ્ર બની શકે છે.








