Rahul Gandhi on Lalan Singh Voter ID vs Aadhaar card: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશની મતદાર યાદીમાંથી નામો કપાવા અને કથિત વોટ ચોરીના મુદ્દાને ફરી એકવાર ગંભીરતાથી ઉઠાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (અગાઉનું ટ્વિટર) પર કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રી લલન સિંહનો એક વીડિયો શેર કરતા નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલે આરોપ લગાવ્યો કે, હવે સરકારી યોજનાઓનો લાભ આપવા માટે કેન્દ્ર સરકાર આધાર કાર્ડની જગ્યાએ વોટર આઈડી (મતદાન કાર્ડ) ને પ્રાથમિક આધાર બનાવી રહી છે.
'ગરીબનું પેન્શન તેના વોટર કાર્ડનું ગુલામ ન હોઈ શકે'
રાહુલ ગાંધીએ લલન સિંહના આ કથિત નિવેદનને ગરીબોના મૂળભૂત અધિકારો સાથે જોડતા કહ્યું કે, "કોઈપણ ગરીબ વ્યક્તિનું પેન્શન તેના વોટર કાર્ડનું ગુલામ ક્યારેય ન હોઈ શકે." તેમણે દેશની જનતાને આ મામલાની ગંભીરતા સમજવા અપીલ કરતા કહ્યું કે કેન્દ્રીય મંત્રી ખુલ્લેઆમ કહી રહ્યા છે કે હવે સરકારી યોજનાઓનો લાભ આધાર કાર્ડથી નહીં પરંતુ વોટર આઈડી પરથી નક્કી થશે. રાહુલે તેને એક મોટા ષડયંત્રનો ભાગ ગણાવ્યો છે.
'SIRના બહાને કરોડો મતદારોના નામ કાપવામાં આવી રહ્યા છે'
પોતાની પોસ્ટમાં રાહુલ ગાંધીએ SIRનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો. તેમણે આક્ષેપ કર્યો કે, SIR પ્રક્રિયાના બહાને જાણીજોઈને એવા કરોડો લોકોના નામ મતદાર યાદીમાંથી કાપવામાં આવી રહ્યા છે, જેઓ ભાજપ વિરુદ્ધ નારાજગી ધરાવે છે. જો આ પ્રક્રિયાને અટકાવવામાં નહીં આવે, તો આગામી સમયમાં વધુ નામો હટાવવામાં આવી શકે છે.
ચૂંટણી પંચ અને CEC જ્ઞાનેશ કુમાર પર ગંભીર આક્ષેપો
રાહુલ ગાંધીએ માત્ર સરકાર પર જ નહીં, પરંતુ ભારતના ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે, મતદાર યાદી એક સ્વતંત્ર ચૂંટણી પંચના હાથમાં હોવી જોઈએ પરંતુ અત્યારે તે મોદી સરકારના કથિત "કર્મચારી" જ્ઞાનેશ કુમારના હાથમાં છે. રાહુલે દાવો કર્યો કે કોંગ્રેસ પાસે ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગતથી થયેલી વોટ ચોરીના નક્કર પુરાવાઓ છે. એવી મતદાર યાદી તૈયાર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે જેમાં બહુમતી હંમેશા ભાજપ તરફી જ રહે.
'જો નામ કપાશે તો તમારો હક પણ છીનવાઈ જશે'
સરકારી યોજનાઓ અને વોટર કાર્ડના કનેક્શન પર ચિંતા વ્યક્ત કરતા રાહુલે કહ્યું કે, જો ભવિષ્યમાં મતદાર યાદીમાં તમારું નામ નહીં હોય, તો યોજનાઓનો લાભ લેવામાં મોટી અડચણો આવશે. તેમણે પ્રશ્ન પૂછ્યો કે, "આજે પંચાયતી રાજની યોજનાઓ માટે વોટર આઈડી ફરજિયાત કરાઈ રહ્યું છે, તો શું ભવિષ્યમાં રાશન, મનરેગા, આવાસ યોજના, સ્કોલરશિપ અને અનામત માટે પણ આ જ શરત લાગુ કરી દેવામાં આવશે?" તેમણે ચેતવણી આપી કે જે લોકો ભાજપને હટાવવા માંગે છે, તેમના નામો શોધી શોધીને કાપવામાં આવી રહ્યા છે. આ માત્ર વોટની ચોરી નથી, પરંતુ ગરીબોના હક્ક છીનવવાનો પ્રયાસ છે.
"સરકાર જનતાને નહીં, જનતા સરકારને ચૂંટે છે"
રાહુલ ગાંધીએ પોતાના નિવેદનના અંતમાં લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, મતદાન કરવું એ દરેક નાગરિકનો કોઈ પણ શરત વિનાનો બંધારણીય અધિકાર છે. લોકશાહીની વ્યાખ્યા એ છે કે જનતા પોતાની પસંદગીની સરકાર ચૂંટે છે, પરંતુ ભાજપની રણનીતિ એવી છે કે 'સરકાર પોતાની પસંદગીની જનતા નક્કી કરે.' રાહુલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન આ સરમુખત્યારશાહી ક્યારેય સાંખી લેશે નહીં. નોંધનીય છે કે, રાહુલે ઉઠાવેલો આ મુદ્દો આગામી શિયાળુ સત્રમાં સંસદમાં પણ ભારે હોબાળો મચાવી શકે છે. આધાર કાર્ડને વોટર આઈડી સાથે લિંક કરવાના સરકારી નિર્ણયનો વિરોધ પક્ષો પહેલેથી જ વિરોધ કરતા આવ્યા છે, કારણ કે તેનાથી ડેટા લીક અને ટાર્ગેટેડ વોટર ડિલીશનનો ભય રહેલો છે.








