Parvinder Jhota Mansa Murder Case Punjab: પંજાબના માનસા જિલ્લામાં ડ્રગ્સ વિરુદ્ધ અવાજ ઉઠાવનાર જાણીતા એન્ટી-ડ્રગ એક્ટિવિસ્ટ પરવિંદર સિંહ ઝોટાની ધોળા દિવસે કરવામાં આવેલી હત્યાને કારણે સમગ્ર રાજ્યમાં ભારે રોષ અને તણાવની સ્થિતિ પ્રવર્તી રહી છે. પરવિંદર ઝોટા નશાના ગેરકાયદેસર વેપાર સામે સોશિયલ મીડિયા પર લાઈવ થઈને પર્દાફાશ કરતા હતા. મંગળવારે એક મેડિકલ સ્ટોર પર નશાના વેચાણ અંગે પૂછપરછ દરમિયાન થયેલી બોલાચાલી બાદ તેમની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
મુખ્ય શૂટર અશ્વિની રાજસ્થાનથી ધરપકડ, નિહંગ સિખો અને લોકોનો આક્રોશ
ઘટનાની ગંભીરતાને જોતા પંજાબ પોલીસની વિવિધ ટીમોએ ત્વરિત કાર્યવાહી કરીને બુધવારે સવારે આ હત્યાકાંડના મુખ્ય શૂટર તથા આરોપી અશ્વિની કુમારને રાજસ્થાનમાંથી ઝડપી લીધો હતો. બીજી તરફ, ઘટનાથી રોષે ભરાયેલા સ્થાનિક લોકો અને નિહંગ સિખોએ આરોપીના ઘર અને દુકાન પર જબરદસ્ત હોબાળો મચાવ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ આરોપીના ઘરના સામાનને બહાર ફેંકીને તોડફોડ કરી હતી અને તેની મેડિકલ સ્ટોરની દુકાનને આગના હવાલે કરીને ફૂંકી મારી હતી.
#WATCH | Mansa, Punjab: A crowd sets fire to the shop of Ashvini, the man who is accused of fatally shooting anti-drug activist Parvinder Singh Jhota yesterday. https://t.co/lR0HMOvet9
— ANI (@ANI) October 14, 2026
મુખ્ય આરોપીના ઘર પર ચાલ્યું બુલડોઝર
પરવિંદર ઝોટાની હત્યા બાદ ફેલાયેલા ભારે જનઆક્રોશ અને વિપક્ષોના દબાણને પગલે ભગવંત માન સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. બુધવારે બપોરે જિલ્લા પ્રશાસન અને પોલીસ વહીવટી તંત્ર દ્વારા મુખ્ય આરોપી અશ્વિનીના ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફેરવીને તેને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે. સરકાર દ્વારા લેવાયેલા આ કડક પગલાથી અપરાધીઓમાં કાયદો અને વ્યવસ્થાનો ખૌફ બેસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જોકે મૃતકના પરિવારજનોએ હજુ સુધી અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કર્યો છે અને કડક ન્યાયની માગ કરી છે.
અગાઉના બનાવો અને નશા વિરોધી ચળવળ સામે જોખમ
પંજાબ ડ્રગ્સના દૂષણ સામે લડતા સામાજિક કાર્યકર્તાઓ પર હુમલા થવાની આ પહેલી ઘટના નથી. અગાઉ પણ રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં નશા વિરોધી અભિયાન ચલાવતા અગ્રણીઓ પર જીવલેણ હુમલા થયા છે. વિરોધ પક્ષોએ ભગવંત માન સરકારની નશા વિરુદ્ધ યુદ્ધ નીતિ પર સવાલો ઉઠાવતા કહ્યું છે કે, જો નશા વિરુદ્ધ અવાજ ઉઠાવનારા એક્ટિવિસ્ટ જ સુરક્ષિત ન હોય, તો સામાન્ય જનતાની સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ સર્જાય છે.
#WATCH | Punjab: House of the man, accused of shooting anti-drug activist Parvinder Singh Jhota, being demolished in Mansa. Police personnel are present at the spot. The accused was arrested from Churu, Rajasthan earlier today. https://t.co/UOl9AmkKWG
— ANI (@ANI) October 14, 2026
શાસન અને તંત્ર દ્વારા શાંતિ જાળવવા અપીલ
માનસામાં તણાવપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પ્રશાસન દ્વારા નાગરિકોને કાયદો હાથમાં ન લેવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. પંજાબ પોલીસ મુખ્ય આરોપી અને તેના સહયોગીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે કે આ નેટવર્ક પાછળ અન્ય કયા મોટા માફિયાઓ સંકળાયેલા છે.








