Supreme Court CJP Protest Jantar Mantar: કોકરોચ જનતા પાર્ટી દ્વારા દેશની રાજધાની દિલ્હીમાં આગામી 10 ઓક્ટોબરે વિરોધ પ્રદર્શન કરવાનું એલાન કરવામાં આવ્યું છે. આ શાંતિપૂર્ણ દેખાવો અને આંદોલન પહેલાં દિલ્હીમાં વહીવટી તંત્ર દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજધાનીમાં સુરક્ષાના ભાગરૂપે અત્યાર સુધીમાં 57 જેટલા મેટ્રો સ્ટેશનો બંધ કરી દેવામાં આવ્યા છે, જ્યારે દિલ્હી તરફ આવતી કેટલીક ટ્રેનો અને મુસાફરી પર પણ કાપ મૂકવામાં આવ્યો છે. આ વ્યાપક પ્રતિબંધો અને જનજીવન પર થતી અસરોને લઈને મામલો સીધો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે.
દિલ્હીમાં લાગુ કરાયેલા કડક પ્રતિબંધો સામે સુપ્રીમ કોર્ટમાં હસ્તક્ષેપની અપીલ
દિલ્હીમાં લાગુ કરાયેલા પ્રતિબંધો અને મેટ્રો-ટ્રેન સેવાઓ ઠપ કરવાના વિરોધમાં વરિષ્ઠ વકીલ અને સાંસદ કપિલ સિબ્બલે મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની બેન્ચ સમક્ષ તાકીદની સુનાવણી માટે આ મુદ્દો ઉઠાવ્યો હતો. કોર્ટમાં રજૂઆત કરતા કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, "તમામ ટ્રેનો રદ કરી દેવામાં આવી છે અને મેટ્રો સ્ટેશનો બંધ છે, જેના કારણે નાગરિકો ક્યાંય અવરજવર કરી શકતા નથી. મારા દેશમાં આ શું થઈ રહ્યું છે? આ તો એક શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન છે." આ પ્રતિબંધોની આલોચના કરતા અન્ય વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણનને પણ સવાલ કર્યો હતો કે માત્ર વહીવટી અક્ષમતાના કારણે તમે આખું શહેર કેવી રીતે બંધ કરી શકો છો?
'સંગઠનને વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ તે કાયદાના દાયરામાં હોવો જોઈએ'
મામલાની સુનાવણી દરમિયાન જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેન્ચે નાગરિકોના શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન અને સંગઠન બનાવવાની સ્વતંત્રતાના અધિકારને સમર્થન આપ્યું હતું પરંતુ, સાથેસાથે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે કોઈપણ પ્રદર્શન હંમેશાં પ્રવર્તમાન કાયદાકીય નિયમોના માળખામાં જ થવું જોઈએ. કોર્ટે અવલોકન કર્યું હતું કે, "આ બાબતને સંપૂર્ણપણે કાયદાકીય દ્રષ્ટિકોણથી જોવાની જરૂર છે. તેમાં કોઈ શંકા નથી કે બંધારણ દ્વારા નાગરિકોને સંગઠન બનાવવાનો અને વિરોધ કરવાનો અધિકાર મળ્યો છે, પરંતુ આ અધિકારનો ઉપયોગ કાયદાકીય જોગવાઈઓ મુજબ જ થવો જોઈએ."
નાગરિકોના મૂળભૂત અધિકારો અને કાયદો-વ્યવસ્થા વચ્ચે સંતુલન જાળવવું અનિવાર્ય
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, કોર્ટે વિરોધ પ્રદર્શનથી જોડાયેલી જમીની વાસ્તવિકતા અને સુરક્ષા વ્યવસ્થા બંનેને સમજવી પડશે. જો કોઈ વિરોધ પ્રદર્શન યોગ્ય પરવાનગી મેળવીને કરવામાં આવે, તો તે કાયદેસર ગણાય છે. કોર્ટે સ્પષ્ટતા કરી કે, જો પ્રદર્શનકારીઓ સંપૂર્ણપણે કાયદાનું પાલન ન કરે તો પણ તેનો અર્થ એ નથી કે લોકોને વિરોધ કરવાનો મૂળભૂત અધિકાર નથી, પરંતુ તેઓ જે પણ પગલાં ભરે છે તે પોતાના જોખમે હોય છે. બેન્ચે ભારપૂર્વક જણાવ્યું કે, એક તરફ પોતાના મૂળભૂત અધિકારો અને સ્વતંત્રતા ઈચ્છતા સામાન્ય નાગરિકો છે તો બીજી તરફ વિરોધ પ્રદર્શન કરવા માંગતો સમૂહ છે. આ બંને ક્ષેત્રો વચ્ચે યોગ્ય સંતુલન સ્થાપિત કરવું અત્યંત આવશ્યક છે.
પક્ષોની ગેરહાજરી અને વધુ વિગતો સાથે સુનાવણી હાથ ધરવા નિર્દેશ
સુનાવણી દરમિયાન કોર્ટે અરજદારોને સવાલ કર્યો હતો કે, જો વિરોધી પક્ષ અથવા સત્તાવાર તંત્ર હાલમાં સામે હાજર ન હોય તો કોર્ટ આ મામલે યોગ્ય સંતુલન કેવી રીતે બનાવી શકે? આ અંગે વકીલોએ કોર્ટને જણાવ્યું કે તેઓ વિરોધ પ્રદર્શનની પરવાનગી અને જમીની સ્થિતિ સાથે જોડાયેલા તમામ દસ્તાવેજો અને પૂરતી માહિતી એકત્ર કરીને ફરીથી કોર્ટ સમક્ષ હાજર થશે. દિલ્હી પોલીસ દ્વારા અગાઉ જ CJPના આ પ્રદર્શન માટે પરવાનગી ન આપવામાં આવી હોવાના અહેવાલો છે, જેના કારણે શનિવારે યોજાનારા આ આંદોલનને લઈને રાજકીય અને કાનૂની ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે.








