Irfan Ansari Controversy: ઝારખંડ સરકારના કોંગ્રેસ કોટાના આરોગ્ય મંત્રી ડૉ. ઈરફાન અંસારીના એક નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો છે. અંસારીએ દાવો કર્યો છે કે દેશમાં આશરે 40 લાખ યુવાનો રસ્તા પર ઉતરવા તૈયાર છે અને તેઓ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના આદેશની રાહ જોઈ રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ, રાહુલ ગાંધીએ જ હાલમાં આ યુવાનોને રોકી રાખ્યા છે. મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચેતવણી આપતાં કહ્યું કે જો સમયસર પરિસ્થિતિ નહીં સંભાળવામાં આવે તો ભારતની સ્થિતિ બાંગ્લાદેશ અને નેપાળ કરતાં પણ વધુ ખરાબ થઈ શકે છે.
બાંગ્લાદેશ અને નેપાળ જેવી સ્થિતિ સર્જાવાની ચેતવણી
એક ઇન્ટરવ્યૂ દરમિયાન ઈરફાન અંસારીએ જણાવ્યું હતું કે તાજેતરમાં દિલ્હી મુલાકાત વખતે તેઓ વિદ્યાર્થીઓને મળ્યા હતા. તેમના કહેવા પ્રમાણે, દેશમાં યુવાનો, ખેડૂતો, મજૂરો, મધ્યમ વર્ગ, દલિતો અને આદિવાસીઓમાં સરકાર પ્રત્યે ભારે નારાજગી છે. અંસારીએ સવાલ ઉઠાવ્યો હતો કે જો આટલી મોટી સંખ્યામાં યુવાનો રસ્તા પર ઉતરી આવશે તો સરકાર તેમને રોકવા માટે કેટલી સેના બોલાવશે? તેમણે એવો દાવો પણ કર્યો હતો કે દેશમાં 13 કરોડ મતદારોનાં નામ મતદાર યાદીમાંથી હટાવવામાં આવી રહ્યાં છે.
ભાજપે નિવેદનને અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર ગણાવ્યું
મંત્રીના નિવેદન સામે ભાજપે આકરો વિરોધ નોંધાવ્યો છે. ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ અંસારીના નિવેદનને અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર ગણાવ્યું હતું. તેમણે આ નિવેદનને કોંગ્રેસની અરાજકતાની રાજનીતિનું ઉદાહરણ ગણાવ્યું હતું. ભાજપના અન્ય પ્રવક્તા પ્રતુલ શાહદેવે પણ આ નિવેદનની ટીકા કરી હતી. તેમણે તેને રાષ્ટ્રવિરોધી ગણાવી કેન્દ્ર સરકાર પાસે ઈરફાન અંસારી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ઈરફાન અંસારીને મંત્રીમંડળમાંથી હટાવવાની VHPની માંગ
આ વિવાદમાં વિશ્વ હિંદુ પરિષદ (VHP) પણ મેદાનમાં આવી છે. સંગઠને ઈરફાન અંસારી પર ભડકાઉ નિવેદન આપવાનો અને રાષ્ટ્રવિરોધી માનસિકતા ધરાવવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ ઝારખંડ સરકારના મંત્રીમંડળમાંથી તેમને તાત્કાલિક હટાવવાની માંગ કરી છે. VHPના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલી વિપક્ષની સંયુક્ત રેલીની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે દેશભરમાંથી લોકોને એકઠા કરવાનો પ્રયાસ કરવા છતાં વિપક્ષી રેલીની વાસ્તવિકતા સૌની સામે આવી ગઈ છે. આ નિવેદન બાદ ઝારખંડના મંત્રી ઈરફાન અંસારી અને કોંગ્રેસ સામે ભાજપ તથા VHPના વિરોધને કારણે રાજકીય વિવાદ વધુ વકર્યો છે.








