Airport Privatisation India: ભારતમાં એરપોર્ટના ખાનગીકરણના આગામી તબક્કાની તૈયારીઓ તેજ બની છે. કેન્દ્ર સરકાર વારાણસી, અમૃતસર, ભુવનેશ્વર, રાયપુર અને તિરુચિરાપલ્લી સહિત 11 એરપોર્ટનું સંચાલન ખાનગી કંપનીઓને સોંપવાની યોજના બનાવી રહી છે. આ માટે ડિસેમ્બર સુધીમાં બિડિંગ પ્રક્રિયા શરૂ કરવાનો અને નાણાકીય વર્ષ 2027ના અંત સુધીમાં સોદાઓને આખરી સ્વરૂપ આપવાનો લક્ષ્યાંક હોવાનો અહેવાલ છે. રોકાણકારોને આકર્ષવા મુંબઈ ઉપરાંત દુબઈ અને સિંગાપોરમાં પણ રોડ-શો યોજવાની તૈયારી છે.
પહેલીવાર પાંચ ક્લસ્ટરમાં એરપોર્ટનું બંડલિંગ
એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા આ વખતે એક-એક એરપોર્ટને અલગ રીતે ઓફર કરવાને બદલે પાંચ ક્લસ્ટરમાં એરપોર્ટનું બંડલિંગ કરવાની યોજના છે. આ મોડેલમાં મોટા એરપોર્ટ સાથે નાના અને પ્રાદેશિક એરપોર્ટને જોડવામાં આવશે. અહેવાલ મુજબ, આ એરપોર્ટ 50 વર્ષના લીઝ કરાર હેઠળ ખાનગી ઓપરેટર્સને સોંપવાની યોજના છે.
પ્રસ્તાવિત ક્લસ્ટરની વિગતો આ પ્રમાણે છે:
વારાણસી ક્લસ્ટર: વારાણસી સાથે ગયા અને કુશીનગર એરપોર્ટ.
અમૃતસર ક્લસ્ટર: અમૃતસર સાથે કાંગડા એરપોર્ટ.
ભુવનેશ્વર ક્લસ્ટર: ભુવનેશ્વર સાથે હુબલી એરપોર્ટ.
રાયપુર ક્લસ્ટર: રાયપુર સાથે ઔરંગાબાદ એરપોર્ટ.
તિરુચિરાપલ્લી ક્લસ્ટર: તિરુચિરાપલ્લી સાથે તિરુપતિ એરપોર્ટ.
આ મોડેલનો હેતુ મોટા અને વધુ આવક આપતા એરપોર્ટ સાથે નાના તથા પ્રાદેશિક હવાઈ મથકોનો વિકાસ પણ સુનિશ્ચિત કરવાનો છે. આથી ખાનગી કંપનીઓએ માત્ર મોટા શહેરોના એરપોર્ટ પર જ નહીં, પરંતુ નાના એરપોર્ટના સંચાલન અને સુવિધાઓ સુધારવા પર પણ ધ્યાન આપવું પડશે.
ઈજારાશાહી અટકાવવા બિડિંગમાં મર્યાદા
એરપોર્ટ ક્ષેત્રમાં થોડાં જ મોટા જૂથોનું વર્ચસ્વ વધી ન જાય તે માટે સરકાર બિડિંગ પ્રક્રિયામાં મર્યાદાઓ નક્કી કરવાની તૈયારી કરી રહી છે. એક જ કંપની કેટલા એરપોર્ટ ક્લસ્ટર માટે બોલી લગાવી શકે તેની મર્યાદા નક્કી કરવાથી વિવિધ કંપનીઓને તક મળી શકે છે. લમાં અદાણી ગ્રૂપ અને GMR ગ્રૂપ જેવા મોટા ઓપરેટર્સ એરપોર્ટ ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. નવા નિયમોનો હેતુ સ્પર્ધા વધારવાનો અને એરપોર્ટ સંચાલન ક્ષેત્રમાં એકાધિકારની શક્યતા ઘટાડવાનો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
મુંબઈ, દુબઈ અને સિંગાપોરમાં યોજાશે રોડ-શો
પ્રસ્તાવિત ખાનગીકરણમાં સ્થાનિક તેમજ વિદેશી રોકાણકારોની ભાગીદારી વધારવા માટે પ્રમોશનલ રોડ-શો યોજવાની યોજના છે. મુંબઈ ઉપરાંત દુબઈ અને સિંગાપોર જેવા આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રોમાં સંભવિત રોકાણકારોને બંડલિંગ મોડેલ, બિડિંગની શરતો અને રોકાણની તકો વિશે માહિતી આપવામાં આવશે. રોડ-શો દ્વારા રોકાણકારોનો પ્રતિસાદ મેળવવા અને બિડિંગ પ્રક્રિયામાં વધુ કંપનીઓને જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.
અદાણી-GMR ઉપરાંત નવા રોકાણકારો પર નજર
સરકારને આશા છે કે વર્તમાન એરપોર્ટ ઓપરેટર્સ ઉપરાંત અન્ય ભારતીય અને આંતરરાષ્ટ્રીય રોકાણકારો પણ આ પ્રક્રિયામાં ભાગ લેશે. અહેવાલમાં પશ્ચિમ એશિયાના સોવરિન વેલ્થ ફંડ્સ અને JSW જેવા ભારતીય કોર્પોરેટ જૂથોના સંભવિત રસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ યોજના નક્કી કરેલા સમયપત્રક મુજબ આગળ વધે, તો એરપોર્ટના સંચાલન, માળખાકીય સુવિધાઓ અને પ્રાદેશિક કનેક્ટિવિટીમાં ખાનગી રોકાણની ભૂમિકા વધી શકે છે. જોકે, અંતિમ બિડિંગ નિયમો, ક્લસ્ટરની રચના અને સોદાની તારીખો અંગે સત્તાવાર જાહેરાતની વિગતો મહત્ત્વપૂર્ણ રહેશે.








