Kharge about Diwali and Eid: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના દિવાળીને લઈને આપેલા એક નિવેદનથી દેશના રાજકારણમાં નવો વિવાદ ઊભો થયો છે. દિવાળીની શુભેચ્છા પાઠવતી વખતે ખડગેએ આ તહેવારને 'ખુશીઓની ઈદ' ગણાવ્યો હતો. તેમના આ નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે અને તેને વોટબેંકની રાજનીતિ સાથે જોડીને સનાતન વિરોધી માનસિકતા હોવાનો આરોપ લગાવ્યો છે.
દિવાળીને 'ખુશીઓની ઈદ' ગણાવતા ખડગેનું નિવેદન ચર્ચામાં
વાતચીત દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દિવાળીના પર્વ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, "આ એક ખૂબ મોટો તહેવાર છે, જેને હિન્દુસ્તાનમાં બધા લોકો મનાવે છે. તેનું એક જ કારણ છે કે આ ખુશીઓની ઈદ છે, લાંબા સમય સુધી ચાલનારી ઈદ આ જ છે." ખડગેના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ હતી. ખાસ કરીને ભાજપે તેમના શબ્દોને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
ભાજપે કોંગ્રેસ પર લગાવ્યા વોટબેંકની રાજનીતિના આરોપ
ખડગેના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ભાજપના પ્રવક્તા સી.આર. કેસવને કોંગ્રેસની ટીકા કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ પોતાની વોટબેંકની રાજનીતિ માટે કરોડો હિન્દુ શ્રદ્ધાળુઓની આસ્થા અને ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. ભાજપે આ નિવેદનને સનાતન વિરોધી માનસિકતા સાથે જોડ્યું હતું અને કોંગ્રેસની રાજકીય વિચારધારા પર સવાલો ઉઠાવ્યા હતા.
સોનિયા ગાંધીના ઇન્ટરવ્યૂનો પણ ભાજપે ઉલ્લેખ કર્યો
આ વિવાદ વચ્ચે ભાજપે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના બ્રિટિશ અખબાર 'ધ ગાર્ડિયન'ને આપેલા ઇન્ટરવ્યૂનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમની આગામી પુસ્તક 'Belonging: A Journey of Love'ના સંદર્ભમાં ભાજપે 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી મસ્જિદ ધ્વસ્ત થવાની ઘટના અંગે સોનિયા ગાંધીની લાગણીઓને લઈને ટિપ્પણી કરી હતી. ભાજપે આ મુદ્દાને પણ કોંગ્રેસની વિચારધારા પર સવાલ ઉઠાવવા માટે રજૂ કર્યો હતો. ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ પણ કોંગ્રેસ પર સનાતન વિરોધી હોવાના આરોપ લગાવી આકરા પ્રહારો કર્યા હતા.
દિવાળીના તહેવાર વચ્ચે રાજકીય વિવાદે પકડ્યો જોર
ખડગેના નિવેદન બાદ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકીય નિવેદનબાજી તેજ બની છે. એક તરફ ભાજપ આ નિવેદનને હિન્દુ આસ્થા અને વોટબેંકની રાજનીતિ સાથે જોડીને કોંગ્રેસને ઘેરી રહી છે, તો બીજી તરફ આ મુદ્દો દેશના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. દિવાળી જેવા મોટા તહેવાર દરમિયાન શરૂ થયેલો આ વિવાદ આગામી દિવસોમાં વધુ વકરે તેવી શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ તરફથી ભાજપના આ આરોપોનો શું જવાબ આપવામાં આવે છે.








