Surat Murder News: સુરતના અત્યંત પોશ ગણાતા અડાજણ વિસ્તારમાં એક ચોંકાવનારી અને લોહીલુહાણ ઘટના સામે આવી છે. ઘરકંકાસ અને પરિવારમાં માન-સન્માન ન મળતું હોવાના લઘુતાગ્રંથિથી પીડાતા 65 વર્ષીય નિવૃત્ત સિવિલ એન્જિનિયરે પોતાની 54 વર્ષીય પત્નીની અત્યંત નિર્મમતાપૂર્વક હત્યા કરી નાખી છે. આ ઘટનાએ સમગ્ર સુરત શહેરમાં ચકચાર મચાવી દીધી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઊંઘતી પત્ની પર હથોડાથી જીવલેણ હુમલો
ઘટનાની વિગતો મુજબ, અડાજણના આનંદ મહેલ રોડ પર આવેલી 'સન રેસીડેન્સી'માં દિનેશ પરષોત્તમભાઇ પટેલ (65) તેમના પરિવાર સાથે રહેતા હતા. દિનેશભાઈ વ્યવસાયે સિવિલ એન્જિનિયર હતા અને છેલ્લા દોઢેક વર્ષથી નિવૃત્ત જીવન જીવી રહ્યા હતા. શુક્રવારે બપોરે જ્યારે તેમની પત્ની તૃપ્તિબેન (54) રૂમમાં ઊંઘી રહ્યા હતા, ત્યારે દિનેશભાઈએ વર્ષોથી મનમાં ભરેલો ઘરકંકાસનો ગુસ્સો કાઢવા માટે લોખંડનો હથોડો ઉઠાવ્યો હતો.
માથા અને ચહેરાના ભાગે હથોડાના ઉપરા-છાપરી ઘા ઝીંક્યા
તેમણે ઊંઘમાં રહેલા તૃપ્તિબેનના માથા અને ચહેરાના ભાગે હથોડાના ઉપરા-છાપરી ઘા ઝીંકવાનું શરૂ કર્યું હતું. આ હુમલો એટલો પ્રચંડ હતો કે તૃપ્તિબેનને બચવાની તક પણ મળી નહોતી અને ઘટનાસ્થળે જ તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.
હત્યા બાદ પુત્રને ફોન પર આપી કબૂલાત
હત્યા આચર્યા બાદ આરોપી દિનેશ પટેલે ઠંડા કલેજે ઘરને બહારથી તાળું મારી દીધું અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ તેમણે નોકરી પર ગયેલા પોતાના મોટા પુત્ર કૃણાલને ફોન કર્યો હતો. પિતાએ ફોન પર ધ્રુજારી વગર કહ્યું કે, "મેં મારું કામ કરી નાખ્યું છે." શરૂઆતમાં કૃણાલને પિતાની વાત સમજાઈ નહોતી, પરંતુ જ્યારે તેણે ફરી પૂછ્યું ત્યારે પિતાએ બેધડક કબૂલાત કરી કે, "મેં તારી માને મારી નાખી છે."
પુત્રના પગ નીચેથી જમીન સરકી ગઈ
પિતાના શબ્દો સાંભળી કૃણાલના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તે તાત્કાલિક ઘરે દોડી આવ્યો હતો, પરંતુ ઘર લોક હોવાથી અંદર જઈ શક્યો નહોતો. અંતે તેના નાના ભાઈ વિદીતને બોલાવી બીજી ચાવીથી દરવાજો ખોલતા જ બંને ભાઈઓ સ્તબ્ધ થઈ ગયા હતા. સામે જ તેમની માતાની લોહીલુહાણ લાશ પડી હતી અને બાજુમાં જ લોહીથી ખરડાયેલો હથોડો પડ્યો હતો.
માન-સન્માનનો અભાવ અને ઉગ્ર સ્વભાવ
ઘટનાની જાણ થતા જ અડાજણ પોલીસનો કાફલો અને ડીસીપી એલ. બી. ઝાલા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, દિનેશ પટેલ છેલ્લા દોઢ-બે વર્ષથી નિવૃત્ત હોવાથી કોઈ કામધંધો કરતા નહોતા. આ દરમિયાન ઘરમાં નાની-નાની બાબતો, જેમ કે જમવાનું બનાવવું અથવા ઘરની અન્ય બાબતોમાં અવારનવાર ઝઘડા થતા હતા. ડીસીપી એલ. બી. ઝાલાએ જણાવ્યું હતું કે, "આરોપીના મનમાં સતત એવી ભાવના ઘર કરી ગઈ હતી કે પરિવારમાં તેનું કોઈ માન-સન્માન જળવાતું નથી. પત્ની અને સંતાનો તેને યોગ્ય આદર આપતા નથી તેવું તેને લાગતું હતું. આરોપીનો સ્વભાવ મૂળથી જ ઉગ્ર હતો અને નિવૃત્તિ બાદ ખાલી હોવાને કારણે તે માનસિક રીતે વધુ વ્યગ્ર રહેતો હતો. આ લઘુતાગ્રંથિ અને આવેશમાં આવીને તેણે આ જઘન્ય અપરાધને અંજામ આપ્યો છે."
પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો
હત્યા બાદ ફરાર થયેલા દિનેશ પટેલને પકડવા માટે અડાજણ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી પતિને અડાજણ વિસ્તારમાંથી જ ઝડપી પાડ્યો હતો. પુત્રની ફરિયાદના આધારે પોલીસે દિનેશ પટેલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.








