Raima Islam Shimu murder case: કામ અને પરિવારની બે અલગ દુનિયામાં કેટલીક વાર સંબંધો જ સૌથી મોટા દુશ્મન બની જતા હોય છે. બાંગ્લાદેશી અભિનેત્રી રાયમા ઇસ્લામ શિમુની કરુણ કહાની કંઈક આવી જ છે, જેણે સૌને હચમચાવી દીધા હતા. 4 વર્ષ પહેલાં બનેલી આ ભયાનક ઘટનામાં અભિનેત્રીના પતિ સખાવાત અલી નોબેલનો જ હાથ હોવાનું સામે આવ્યું હતું, જેના કારણે આ કેસ આજે પણ લોકોના સ્મૃતિપટ પર તાજો છે.
શૂટિંગના બહાને ઘરથી નીકળેલા શિમુનું રહસ્યમય ગુમ થવું
આ દર્દનાક ઘટના વર્ષ 2022માં સામે આવી હતી. 16 જાન્યુઆરી, 2022ની સવારે લગભગ સાત વાગ્યે રાયમા પોતાના ઘરેથી બહાર નીકળી હતી. પરિવારના જણાવ્યા અનુસાર તે શૂટિંગ માટે જઈ રહી હતી, પરંતુ તે નિર્ધારિત લોકેશન પર પહોંચી જ નહોતી અને તેનો ફોન પણ સતત બંધ આવી રહ્યો હતો. આખો દિવસ કોઈ ભાળ ન મળતાં ચિંતાતુર પરિવારે બીજા દિવસે પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન કેરાનીગંજ વિસ્તારમાંથી એક બિનવારસી બોરી મળી આવી હતી, જેની અંદર એક મહિલાનો મૃતદેહ બે ટુકડામાં વહેંચાયેલો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી અને બાદમાં આ મૃતદેહ રાયમાનો હોવાની પુષ્ટિ થઈ હતી.
પતિ સુધી પહોંચવાની કડી
અભિનેત્રીની હત્યા બાદ શરૂઆતી તપાસમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક લોકો પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી, જેમાં અભિનેતા જાયદ ખાનની પણ પૂછપરછ કરવામાં આવી હતી કારણ કે, ભૂતકાળમાં તેમની સાથે વિવાદ થયો હતો. જોકે, પોલીસને ત્યાંથી કોઈ નક્કર પુરાવો મળ્યો નહોતો. મુખ્ય કડી પરિવારની જ કારમાંથી મળી આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી બ્લીચની તીવ્ર ગંધ આવી હતી, જેથી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ થયો હોવાની શંકા મજબૂત બની હતી. વળી, જે નાયલોનની દોરીથી શિબુનો મૃતદેહ બાંધવામાં આવ્યો હતો એવી જ દોરી કારમાંથી પણ મળી આવી હતી. આના આધારે પોલીસે અભિનેત્રીના પતિ સખાવાત અલી નોબેલ અને તેના મિત્ર એસ.એમ.વાય. અબ્દુલ્લા ફરહાદ સહિત છ લોકોની અટકાયત કરી હતી, જ્યાં સખાવાતે ગુનો કબૂલ્યો હતો.
પતિ સાથેનો વિવાદ અને ભયાનક અંજામ
પોલીસ પૂછપરછમાં એ વાત સામે આવી કે તે દિવસે સવારે રાયમા શૂટિંગ માટે નીકળી જ નહોતી, પરંતુ પતિ સાથે તેની બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વધી ગયો કે સખાવાતે તેની સાથે મારપીટ કરી ગળે ટૂંપો આપીને હત્યા કરી નાખી હતી. આ પાપ છુપાવવા તેણે મિત્ર ફરહાદને બોલાવ્યો અને લાશને બોરીમાં ભરીને કારની ડેકીમાં છુપાવી દીધી. દિવસના સમયે લોકોની નજરે ચડવાના ડરે તેઓ લાશ ફેંકી શક્યા નહોતા, પરંતુ રાત્રે આશરે 9 વાગ્યે બંનેએ કેરાનીગંજ પાસેના એક નિર્જન પુલની ઝાડીઓમાં મૃતદેહ ફેંકી દીધો હતો.
ઘરેલુ હિસાનો શિકાર બનેલી અભિનેત્રીનો સંઘર્ષ
આ કેસની તપાસમાં રાયમાના લગ્નજીવનના કાળાં સત્યો પણ બહાર આવ્યા હતા. અગાઉ પણ પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા અને મૃત્યુના થોડા મહિના પહેલાં જ અભિનેત્રીએ પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી. તેની પુત્રીએ પણ પોલીસ સમક્ષ પિતા દ્વારા માતા પર થતા અત્યાચારની વાત સ્વીકારી હતી. ઘટનાને ચાર વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં આ કેસમાં કાનૂની કાર્યવાહી ચાલુ છે અને હજુ સુધી કોઈ આખરી ન્યાયિક ફેંસલો આવ્યો નથી.








