Pune Lohagad Fort Murder Case: મહારાષ્ટ્રના પુણેમાં બનેલી ચર્ચિત કેતન અગ્રવાલ હત્યા કેસમાં એક સસપેન્સ સ્કીમ જેવો નવો વળાંક સામે આવ્યો છે. લોહગઢ કિલ્લા (Lohagad Fort) પરથી નીચે ફેંકી દેવાયેલા બિઝનેસમેન કેતન અગ્રવાલના મર્ડર કેસમાં હવે ચક્ષુદર્શી (આંખે જોનાર સાક્ષી)નો દાવો સામે આવ્યો છે. આ ચક્ષુદર્શીએ પોલિસ સમક્ષ કરેલા સનસનાટીભર્યા ખુલાસા મુજબ, કેતનને કિલ્લાની ઊંડી ખાઈમાં ધકેલવા પાછળ તેની મંગેતર સિયા ગોયલ અને તેનો કથિત પ્રેમી ચેતન ચૌધરી સીધા જવાબદાર છે.
લોહગઢ કિલ્લા પર બનેલી ઘટનાનો સનસનાટીભર્યો ખુલાસો
મહારાષ્ટ્રના લોહગઢ કિલ્લા પર બનેલી આ ઘટના શરૂઆતમાં માત્ર એક અકસ્માત કે ટ્રેકિંગ દરમિયાન પગ લપસવાની દુર્ઘટના લાગતી હતી. પરંતુ પોલીસ તપાસ અને હવે સામે આવેલા ચક્ષુદર્શીના નિવેદને આખા કેસનું ચિત્ર બદલી નાખ્યું છે. સાક્ષીએ પોલીસ સમક્ષ ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું છે કે તે દિવસે કિલ્લા પર શું બન્યું હતું. તેના જણાવ્યા મુજબ, કેતન અગ્રવાલ, તેની મંગેતર સિયા ગોયલ અને સિયાનો કથિત પ્રેમી ચેતન ચૌધરી કિલ્લાની ટોચ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન સિયા અને ચેતન વચ્ચે અગાઉથી નક્કી થયેલા ઈશારા મુજબ જ સમગ્ર ષડયંત્ર પાર પાડવામાં આવ્યું હતું.
સિયાએ ઈશારો કરી લાત મારી, પછી ચેતને ખાઈમાં ફેંક્યો
ચક્ષુદર્શીના નિવેદન અનુસાર, કિલ્લાના ભયાનક ખાઈ વાળા વિસ્તાર નજીક પહોંચતા જ સિયા ગોયલે અચાનક નીચે બેસીને કેતનના પગ પર જોરથી લાત મારી હતી. આ જ સમયે પાછળથી હૂડી (Hoodie) પહેરીને આવી રહેલા ચેતન ચૌધરી તરફ સિયાએ ઈશારો કર્યો હતો. ઈશારો મળતા જ ચેતને દોડીને આવીને કેતનને પાછળથી જોરદાર ધક્કો માર્યો હતો, જેના કારણે કેતન અંકુશ ગુમાવી બેઠો અને સીધો સેંકડો ફૂટ ઊંડી ખાઈમાં જઈ પડ્યો. આ સમગ્ર દ્રશ્ય જોઈને સાક્ષીના હોશ ઊડી ગયા હતા.
સાક્ષીને મળી હતી જાનથી મારી નાખવાની ધમકી
ઘટના જોઈને સ્તબ્ધ થઈ ગયેલા સાક્ષીએ જ્યારે આ કરતૂત બદલ આરોપી ચેતન ચૌધરીનો સામનો કર્યો અને વિરોધ દર્શાવ્યો, ત્યારે આરોપીએ તેને પણ ધમકાવવાનું શરૂ કર્યું હતું. ચેતને સાક્ષીને ચીમકી આપી હતી કે જો તે આ અંગે કોઈને પણ મોં ખુલશે કે પોલીસને જાણ કરશે, તો તેને પણ કેતનની જેમ જ કિલ્લા પરથી નીચે ફેંકી દેવામાં આવશે. આ ધમકી અને ભયાનક દ્રશ્યના કારણે સાક્ષી એટલો ડરી ગયો હતો કે તેણે તુરંત કોઈને વાત ન કરી અને ઘરે પહોંચ્યા પછી તેને ગભરામણ તથા તાવ આવી ગયો હતો. જોકે, બાદમાં હિંમત ભેગી કરીને તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો.
ડિજિટલ પુરાવા અને5,000થી વધુ પાનાની ચાર્જશીટ
પુણે ગ્રામીણ પોલીસે આ ચર્ચિત મર્ડર કેસમાં ઝીણવટભરી તપાસ કરીને કોર્ટમાં 5,000થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસ તપાસમાં લગભગ 12 TB જેટલો ડિજિટલ ડેટા, ફોરેન્સિક પુરાવા, મોબાઈલ ચેટ્સ અને કૉલ રેકોર્ડ્સ રિકવર કરવામાં આવ્યા છે. તપાસમાં એ વાત પણ સામે આવી હતી કે આ હત્યાને અંજામ આપતા પહેલા સિયા અને ચેતને પુણેના એક ખુલ્લા મેદાનમાં ઘટનાનું રિહર્સલ (મૉક ડ્રિલ) પણ કર્યું હતું જેથી લોહગઢ કિલ્લા પર કોઈ ભૂલ ન થાય અને કોઈ પુરાવો ન બચે.
પ્રેમ, દગો અને કાવતરાનો પર્દાફાશ
કેતન અગ્રવાલ અને સિયા ગોયલના લગ્ન નક્કી થયા હતા અને બંનેના પ્રી-વેડિંગ પ્લાન્સ પણ ચાલી રહ્યા હતા. પરંતુ સિયા તેના પ્રેમી ચેતન ચૌધરી સાથે મળીને કેતનને રસ્તામાંથી હટાવવા માંગતી હતી. આ માટે અગાઉ પણ કેતનનો પાસપોર્ટ ગાયબ કરીને પ્રી-વેડિંગ શૂટ રદ કરાવવા જેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ અંતે લોહગઢ કિલ્લાની સફર દરમિયાન પ્લાન મુજબ કેતનની નિર્મમ હત્યા કરી દેવામાં આવી. હાલમાં સિયા ગોયલ, ચેતન ચૌધરી અને તેમને મદદ કરનાર તેમનો મિત્ર રિતેશ હાંગે જેલના સળિયા પાછળ છે.








