Guwahati Beltola Murder Case: અસમની રાજધાની ગુવાહાટીમાં પોતાની પત્ની રિયા તાલુકાદારની નિર્મમ હત્યા કરીને ચર્ચામાં આવેલા આરોપી રામાનુજ ગોસ્વામીનું સોમવારે સવારે કરૂણ મોત નીપજ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી રામાનુજને જ્યારે સોમવારે વહેલી સવારે નિયમિત મેડિકલ તપાસ અર્થે ગુવાહાટી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (GMCH) ખાતે લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેણે નરકાસુર ટેકરી નજીક ચાલુ પોલીસ વાહનમાંથી અચાનક બહાર ઝંપલાવ્યું હતું. આ ઘટનામાં તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે, રવિવારે તેના 7 દિવસના પોલીસ રિમાન્ડ પૂર્ણ થયા હતા અને સોમવારે તેને અદાલતમાં રજૂ કરવાનો હતો.
પત્નીનું માથુ કાપી ફ્રિજમાં મૂકનાર પતિની ક્રૂરતા
રામાનુજ અને રિયાના લગ્ન ગયા વર્ષે 22 સપ્ટેમ્બરના રોજ થયા હતા પરંતુ, 3 સપ્ટેમ્બરના રોજ બંને વચ્ચે પત્નીના કથિત પ્રેમ સંબંધોને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વધી ગયો કે રામાનુજે આવેશમાં આવીને તીક્ષ્ણ હથિયારથી રિયાની હત્યા કરી તેનું માથું ધડથી અલગ કરી દીધું હતું. ક્રૂરતાની તમામ સીમાઓ વટાવીને તેણે પત્નીનું કાપેલું માથું ઘરમાં રહેલા ફ્રિજમાં છુપાવી દીધું હતું. વ્યવસાયે કેબ ડ્રાઈવર એવો રામાનુજ પોતાની પત્ની સાથે ગુવાહાટીના બેલટોલા વિસ્તારમાં આવેલા વસિષ્ઠપુરના એક ભાડાના ફ્લેટમાં રહેતો હતો.
સરેન્ડર બાદ ગુનાની કબૂલાત અને મીડિયા સમક્ષ આક્રોશ
હત્યાકાંડના ત્રણ દિવસ બાદ 6 સપ્ટેમ્બરના રોજ રામાનુજે જાતે જ પોલીસ સ્ટેશન પહોંચીને આત્મસમર્પણ કર્યું હતું. ત્યારબાદ પોલીસે ફ્લેટ પર દરોડો પાડીને મહિલાનું ધડ અને ફ્રિજમાંથી કાપેલું માથું કબજે કર્યું હતું. પોલીસ કસ્ટડી દરમિયાન મેડિકલ ટેસ્ટ માટે લઈ જતી વખતે તેણે મીડિયા સામે કોઈ પણ જાતના અફસોસ વગર નિવેદન આપ્યું હતું કે તેને પોતાના કૃત્ય બદલ કોઈ પસ્તાવો નથી. વધુમાં તેણે એવી ખુલ્લી ધમકી પણ આપી હતી કે, જો તે જેલમાંથી બહાર આવશે તો પોતાની પત્નીના કથિત પ્રેમીને પણ જાનથી મારી નાખશે.
નશાની લત અને પોલીસ તપાસમાં ખુલાસો
પોલીસ તપાસ દરમિયાન એ વાત પણ સામે આવી હતી કે, રામાનુજ ગોસ્વામી અતિશય નશાની લતથી પીડાતો હતો. ગુવાહાટીના બહારના વિસ્તારમાં આવેલા એક નશા મુક્તિ કેન્દ્રમાં તેની અગાઉ કેટલીય વાર સારવાર પણ થઈ ચૂકી હતી. કસ્ટડી દરમિયાન તેના આક્રમક વર્તનને કારણે તેને સતત કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવતો હતો. કસ્ટડીમાંથી કૂદીને મૃત્યુ પામવાની આ ઘટના બાદ આસામ પોલીસના સ્થાનિક વરિષ્ઠ અધિકારીઓએ સમગ્ર મામલે ખાતાકીય તપાસના આદેશ આપ્યા છે, જેથી એ જાણી શકાય કે પોલીસ વાહનમાં સુરક્ષામાં કોઈ ચૂક રહી ગઈ હતી કે નહીં.








