Pune Ketan Agarwal Case: મહારાષ્ટ્રના પુણે શહેર અને આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચાવનાર 26 વર્ષીય કેતન અગ્રવાલ મર્ડર કેસમાં પુણે ગ્રામીણ પોલીસે કોર્ટમાં 5,053 પાનાની એક અત્યંત વિગતવાર ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટ સામે આવ્યા બાદ આખી ઘટના પાછળ રચાયેલું ક્રૂર અને ઠંડા કલેજે ઘડાયેલું ષડયંત્ર ખુલ્લું પડી ગયું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર હત્યા પાછળ કેતનની મંગેતર સિયા ગોયલ, તેનો પ્રેમી ચેતન ચૌધરી અને તેનો મિત્ર રીતેશ હાંગે મુખ્ય સૂત્રધાર છે. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને આ કેસમાં ટેકનિકલ પુરાવાઓનો મોટો જથ્થો રજૂ કર્યો છે.
ચેટજીપીટી (ChatGPT) અને ક્રાઇમ ફિલ્મોની મદદથી મર્ડરનું પ્લાનિંગ
પોલીસે ચાર્જશીટમાં રજૂ કરેલી વિગતો અનુસાર, આરોપીઓએ કેતનની હત્યા કરવા માટે આધુનિક ટેકનોલોજી અને એઆઈ ટૂલ્સનો ઉપયોગ કર્યો હતો. સિયા અને તેના સાથીદારોએ ChatGPT પર સર્ચ કરીને મર્ડર પ્લાન ઘડ્યો હતો અને પોલીસની પકડથી કેવી રીતે બચવું તેની માહિતી મેળવી હતી. આ ઉપરાંત, તેમણે મર્ડર પર બનેલી ક્રાઇમ ફિલ્મો અને પોડકાસ્ટ પણ સાંભળ્યા હતા. એટલું જ નહીં, સિયાએ મેઘાલયમાં બનેલા ચર્ચિત 'રાજા રઘુવંશી મર્ડર કેસ' (જે ઓપરેશન હનીમૂન તરીકે જાણીતો છે) નો પણ ઊંડો અભ્યાસ કર્યો હતો, જેથી તે હત્યાને એક અકસ્માતનું રૂપ આપી શકે.
'માહી' નામનું ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી અને લોહગઢ કિલ્લાની પસંદગી
કેતનને લોહગઢ કિલ્લા સુધી લાવવા માટે આરોપી રીતેશ હાંગેના કહેવાથી 'માહી' નામના એક ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની રચના કરવામાં આવી હતી. આ પ્રોફાઇલમાં એક પરિચિત યુવતીનો ફોટો મૂકીને કેતન સાથે ચેટ કરવામાં આવી હતી. સિયાને સરપ્રાઇઝ બર્થડે પાર્ટી આપવાના બહાને કેતનને 18 જૂનના રોજ લોહગઢ કિલ્લા પર આવવા માટે મનાવવામાં આવ્યો હતો. આ પહેલાં આરોપીઓએ લોનાવાલાના ટાઇગર પોઇન્ટ સહિત અનેક સ્થળોએ રેકી કરી હતી. લોહગઢ કિલ્લા પર માર્ચ 2025 માં એક યુવતીનું પહાડ પરથી પડવાથી મોત થયું હતું, તેથી આરોપીઓએ આ જગ્યા પસંદ કરી જેથી કેતનના મૃત્યુને પણ સેલ્ફી લેતી વખતે ઘટેલી અકસ્માતી ઘટના દર્શાવી શકાય.
પહેલાં ભાડૂતી શૂટર રોકવાનો વિચાર અને નિષ્ફળ ગયેલા પ્રયાસો
ચાર્જશીટમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે આરોપીઓએ શરુઆતમાં મહારાષ્ટ્ર બહારથી કોઈ ભાડૂતી હત્યારા (કોન્ટ્રેક્ટ કિલર) ને રોકીને કેતનને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ, તે વ્યક્તિ પાછળથી પોલીસ સામે મોં ખોલી દેશે તેવા ડરથી તેમણે આ પ્લાન પડતો મૂક્યો હતો. આ ઉપરાંત, 14 જૂનના રોજ પણ સિયા કેતનને લોહગઢ કિલ્લા પર લઈ ગઈ હતી અને તેને ખાઈમાં ધકેલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કેતને ઝાડ પકડી લેતા તે બચી ગયો હતો. તે સમયે સિયાએ 'ત્યાં સાપ હતો' તેવું બહાનું કાઢીને વાત વાળી લીધી હતી. બાદમાં 18 જૂને ફરીથી પ્લાન બનાવી તેને કિલ્લા પરથી નીચે ધકેલી દેવામાં આવ્યો હતો.
પકડાઈ ગયા પછી કેવી રીતે વર્તવું, સિયાએ ChatGPT પર શોધી ટિપ્સ
હત્યા કર્યા બાદ જ્યારે કેતનનો પરિવાર લોહગઢ કિલ્લાની નીચે પહોંચ્યો, ત્યારે સિયાના ચહેરા પર દુઃખ ન દેખાતા પરિવારને શંકા ગઈ હતી. પોતાની ભૂલ સમજાતાં સિયાએ ઘરે આવીને ChatGPT અને ઇન્ટરનેટ પર "દુઃખ કેવી રીતે વ્યક્ત કરવું" અને "પરિવાર સામે વધુ આઘાતમાં હોવાનું નાટક કેવી રીતે કરવું" તે અંગે સર્ચ કર્યું હતું. જ્યારે ચેતન ચૌધરીને પોલીસ પકડી લેશે તેનો ડર લાગવા માંડ્યો, ત્યારે પણ સિયા અને ચેતને "પોલીસ પૂછપરછ દરમિયાન ગભરાયા વગર કેવી રીતે જવાબ આપવા" તેની ટિપ્સ પણ ઓનલાઇન શોધી હતી.
5,053 પાનાની ચાર્જશીટમાં મજબૂત પુરાવાઓ
પુણે ગ્રામીણ પોલીસે કોર્ટમાં રજૂ કરેલી આ ચાર્જશીટમાં વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટના ચેટ રેકોર્ડ્સ, કોલ ડિટેલ્સ, ફોટોગ્રાફ્સ, મોબાઇલ ડેટા અને 5 પ્રત્યક્ષદર્શીઓ સહિત 100 થી વધુ સાક્ષીઓના નિવેદનો સામેલ કર્યા છે. આ સિવાય ફોરેન્સિક અને સાયબર નિષ્ણાતોના સર્ટિફિકેટ પણ જોડવામાં આવ્યા છે, જેથી આ અપરાધ કરનાર આરોપીઓને કડકમાં કડક સજા અપાવી શકાય.








