Karnataka horrific criminal case: કર્ણાટકના વિજયાપુરા જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લાંબા સમયથી ચાલી રહેલા જમીન વિવાદે લોહિયાળ સ્વરૂપ ધારણ કરતાં એક જ પરિવારના સભ્યો સહિત કુલ 6 લોકોની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોરોએ પહેલા તમામ લોકોને ગોળી મારી હતી અને ત્યારબાદ તેમની ઉપર કુહાડી વડે હુમલો કરીને મૃતદેહોને ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત કર્યા હતા.
જમીન વિવાદે લીધો ભયાનક વળાંક
આ સામૂહિક હત્યાકાંડ વિજયાપુરા જિલ્લાના ચડચાન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા ગોવિંદપુર ગામમાં બન્યો હતો. મૃતકો તમામ ગોવિંદપુરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગામમાં રહેતા ‘નિરાલે’ અને ‘ગોલાગી’ પરિવારો વચ્ચે જમીનની માલિકી અને હકને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. તપાસ એજન્સીઓનું માનવું છે કે જૂની અદાવતના કારણે ગોલાગી પરિવારના કેટલાક સભ્યોએ પૂર્વ આયોજન સાથે આ હુમલો કર્યો હોઈ શકે છે.
મૃતકોની ઓળખ જાહેર
આ ભયાનક ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં ચંદુ નિરાલે, દુંદપ્પા નિરાલે, શિવપુત્ર નિરાલે, રાહુલ નિરાલે, સમર્થ નિરાલે અને શબ્બીર નદાફનો સમાવેશ થાય છે. એક જ ઘટનામાં છ લોકોના મોત થતાં સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને ભયનો માહોલ ફેલાયો છે.
ગામમાં તણાવ, પોલીસની કડક કાર્યવાહી
હત્યાકાંડની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ગોવિંદપુર ગામે પહોંચી ગયો હતો. સમગ્ર ગામમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસે ગુનો નોંધીને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. આ ઘટનાના મુખ્ય આરોપીઓ હુમલા બાદ ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધી કોઈની ધરપકડ થઈ નથી, પરંતુ પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે તમામ સંભવિત પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં આરોપીઓને ઝડપી લેવા માટે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને જમીન વિવાદને કારણે વધતી હિંસક ઘટનાઓ અંગે ફરી એકવાર ચર્ચા જગાવી છે.








