Ahmedabad Crime News: ગુજરાતમાં સાયબર ક્રાઈમની અત્યાર સુધીની સૌથી મોટી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના એક નિવૃત્ત પ્રોફેસરને અજાણ્યા ઠગોએ સતત 20 દિવસ સુધી 'ડિજિટલ એરેસ્ટ' રાખીને તેમની પાસેથી અધધ ₹7.12 કરોડ પડાવ્યા હતા. આ હાઈ-પ્રોફાઈલ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી અમદાવાદ અને સુરતમાંથી કુલ 12 આરોપીઓની ધરપકડ કરી છે. આ ટોળકી કંબોડિયા અને ચાઈનીઝ ગેંગ સાથે મળીને ભારતીયોના નાણાં ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી વિદેશ મોકલવાનું કામ કરતી હતી.
20 દિવસનો ડિજિટલ ત્રાસ અને ₹7.12 કરોડની લૂંટ
ઘટનાની વિગત એવી છે કે નિવૃત્ત પ્રોફેસરને કંબોડિયાથી એક કોલ આવ્યો હતો. ઠગોએ તેમને ડરાવ્યા હતા કે તમે કોઈ સેલિબ્રિટીને પોર્નોગ્રાફી વીડિયો મોકલ્યા છે અને તમારા પર મની લોન્ડરિંગનો ગંભીર કેસ દાખલ થયો છે. પ્રોફેસરને ડરાવીને સતત 20 દિવસ સુધી વીડિયો કોલ દ્વારા 'ડિજિટલ એરેસ્ટ' રાખવામાં આવ્યા હતા. આ માનસિક દબાણ હેઠળ ઠગોએ પ્રોફેસર પાસેથી અલગ-અલગ બેંક ખાતામાં કુલ ₹7.12 કરોડ ટ્રાન્સફર કરાવી લીધા હતા. છેતરાયાનો અહેસાસ થતા પ્રોફેસરે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.
ક્રિપ્ટો કરન્સી અને ચાઈનીઝ ગેંગનું કનેક્શન
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર કૌભાંડ કંબોડિયામાં બેઠેલી ગેંગ ચલાવતી હતી. પ્રોફેસરે જે નાણાં મોકલ્યા હતા તે બિહાર, દિલ્હી અને આસામના 4 મુખ્ય ખાતામાં ગયા હતા, જ્યાંથી તે રકમ ભારતના 20 રાજ્યોના 100થી વધુ 'મ્યૂલ એકાઉન્ટ' (ભાડે રાખેલા ખાતા)માં ટુકડે-ટુકડે ટ્રાન્સફર થઈ હતી.
ટેલિગ્રામ દ્વારા ચાઈનીઝ ગેંગ સાથે સીધા સંપર્કમાં હતા આરોપીઓ
પકડાયેલા આરોપીઓ પૈકી જનક અને અનિકેત ટેલિગ્રામ દ્વારા ચાઈનીઝ ગેંગ સાથે સીધા સંપર્કમાં હતા. તેઓ ફ્રોડના નાણાં મેળવી 10% સુધીનું તગડું કમિશન કાપી બાકીની રકમ ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી ચાઈનીઝ ગેંગને મોકલી આપતા હતા. હિતેન્દ્ર સોલંકી નામનો આરોપી ₹25,000ના કમિશન પર બેંક એકાઉન્ટ પૂરા પાડતો હતો.
સુરતના આરોપીઓનો 'ગોલ્ડ પ્લાન' નિષ્ફળ
તપાસ દરમિયાન સુરતના બે આરોપીઓ રાહુલ મોરડીયા અને અનિકેત ઢોલાની ચતુરાઈ પણ સામે આવી છે. તેમણે ફ્રોડના નાણાં એક સોનીના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા અને તે નાણાંથી સોનું ખરીદીને તેને રોકડમાં રૂપાંતરિત કરવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે, સતર્ક સોનીએ અજાણ્યા ખાતામાંથી આવેલા નાણાં જોઈને સોનું આપવાનો ઈન્કાર કરી દીધો અને જે ખાતામાંથી પૈસા આવ્યા હતા ત્યાં જ પરત ટ્રાન્સફર કરી દીધા હતા, જેથી તેમનો પ્લાન નિષ્ફળ રહ્યો હતો.
પોલીસ ડ્રાઈવથી બચવા ચાઈનીઝ ગેંગ પાસે માંગી સલાહ
ચોંકાવનારી બાબત એ છે કે આ આરોપીઓ ગુજરાત પોલીસની સાયબર ડ્રાઈવથી પણ ડરતા હતા. તેમણે ટેલિગ્રામ પર ગુજરાત પોલીસની મ્યૂલ એકાઉન્ટ સામેની કાર્યવાહીના વીડિયો ચાઈનીઝ ગેંગને મોકલ્યા હતા અને પૂછ્યું હતું કે, "અહીં પોલીસની ડ્રાઈવ ચાલી રહી છે, તેનાથી કેવી રીતે બચી શકાય?"
મુદ્દામાલ અને ધરપકડ
સાયબર ક્રાઈમે આરોપીઓ પાસેથી 16 મોબાઈલ ફોન અને ₹1.73 લાખની રોકડ સહિત કુલ ₹2.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા 12 આરોપીઓમાંથી 10 તો પ્રાથમિક શાળાનો અભ્યાસ પણ પૂરો કરી શક્યા નથી, જ્યારે માત્ર બે જ ગ્રેજ્યુએટ છે. આ ટોળકી વિરુદ્ધ સમગ્ર ભારતમાં કુલ 238 ફરિયાદો નોંધાયેલી હોવાનું પણ સામે આવ્યું છે.








