Lucknow Guest House Couple Suicide News: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના ચિનહટ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા ધાવા વિસ્તારના 'રેડ બિલ્ડિંગ ગેસ્ટ હાઉસ'ના રૂમ નંબર 101માંથી એક યુવક અને યુવતીના ફાંસી લગાવેલા મૃતદેહ મળી આવતાં ભારે સન્સનાટી મચી ગઈ છે. મૃતકોની ઓળખ હરદોઈ જિલ્લાના રહેવાસી 22 વર્ષીય અમિત કુમાર અને 19 વર્ષીય નરગીસ તરીકે થઈ છે. બંને વિભિન્ન ધર્મના હોવા છતાં તેમણે આર્ય સમાજ મંદિરમાં લગ્ન કરી લીધા હતા અને છેલ્લા 20 દિવસથી આ ગેસ્ટ હાઉસમાં રહેતા હતા. ઘટનાસ્થળેથી પોલીસને લગ્નનું પ્રમાણપત્ર અને સુસાઈડ નોટ મળી આવી છે.
23 ઓગસ્ટથી રૂમ નંબર 101માં રોકાયા હતા
પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર અમિત અને નરગીસ 23 ઓગસ્ટથી ગેસ્ટ હાઉસના રૂમ નંબર 101માં રોકાયા હતા. ગેસ્ટ હાઉસના સંચાલક રાકેશ યાદવે રૂમમાંથી બંનેના મૃતદેહ લટકતા જોઈને પોલીસને જાણ કરી હતી. ચિનહટ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંનેને નીચે ઉતારી હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. હાલમાં પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
હરદોઈમાં નરગીસના અપહરણનો ગુનો દાખલ હતો
તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, અમિત હરદોઈના હરપાલપુર થાણા ક્ષેત્રના અરવલપુર ગામનો વતની હતો, જ્યારે 19 વર્ષીય નરગીસ પલિયા પંચશાલાની રહેવાસી હતી. હરદોઈ પોલીસનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે, નરગીસ ઘરેથી ગાયબ થયા બાદ તેના પરિવારે હરપાલપુર પોલીસ સ્ટેશનમાં અપહરણનો કેસ નોંધાવ્યો હતો. બંને પ્રેમી યુગલ ઘરેથી ભાગીને લખનૌ કેવી રીતે પહોંચ્યા અને પરિવારને આ અંગે જાણ હતી કે નહીં તે દિશામાં તપાસ ચાલી રહી છે.
આર્ય સમાજનું સર્ટિફિકેટ અને સુસાઈડ નોટ જપ્ત
રૂમની તપાસ દરમિયાન પોલીસને આર્ય સમાજ મંદિરનું મેરેજ સર્ટિફિકેટ મળ્યું છે, જેમાં યુવતીનું નામ 'નરગીસ ઉર્ફે પૂજા' લખાયેલું છે. આ સિવાય એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. જોકે, પોલીસે સુસાઈડ નોટની વિગતો જાહેર કરી નથી, જેથી આંતરધર્મીય લગ્ન બાદ પરિવારના દબાણ કે અન્ય કોઈ કારણસર આ પગલું ભર્યું છે કે કેમ તે અંગે FSL અને પોલીસ તપાસ કરી રહી છે.
DCP ઈસ્ટ અને FSL ટીમની નિવેદન તથા તપાસ
ડીસીપી ઈસ્ટ દીક્ષા શર્માએ જણાવ્યું કે, 9 સપ્ટેમ્બરની રાત્રે ગેસ્ટ હાઉસમાં યુવક-યુવતી દ્વારા આત્મહત્યાની માહિતી મળી હતી. FSLની ટીમે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કર્યા છે. ગેસ્ટ હાઉસના સીસીટીવી, કોલ ડિટેલ્સ અને આઈડી પ્રૂફના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આંતરધર્મીય લગ્ન અને લગ્ન નોંધણી અંગે વિશેષ માહિતી
સ્પેશિયલ મેરેજ એક્ટ અને આર્ય સમાજ લગ્ન: ભારતમાં વિભિન્ન ધર્મના વ્યક્તિઓ જ્યારે લગ્ન કરે છે ત્યારે સામાન્ય રીતે 'સ્પેશિયલ મેરેજ એક્ટ 1954' હેઠળ અથવા ધર્મ પરિવર્તન બાદ સનાતન ધર્મ પદ્ધતિથી આર્ય સમાજમાં લગ્ન કરવામાં આવે છે.
ઉત્તર પ્રદેશ ધર્મ પરિવર્તન વિરોધી કાયદો: ઉત્તર પ્રદેશમાં લગ્ન માટે ગેરકાયદેસર ધર્મ પરિવર્તન રોકવા અંગેનો કડક કાયદો અમલમાં છે, જેના કારણે આંતરધર્મીય યુગલો પર ઘણીવાર સામાજિક અને કાનૂની દબાણ સર્જાતું હોય છે.








